Home Gujarat Paldi Traffic Police Misbehavior Woman Head Constable Suspended Ahmedabad

પાલડીમાં મહિલા સાથે ગેરવર્તણૂકના મામલામાં DCPની કાર્યવાહી : લાફો મારનાર હેડ કોન્સ્ટેબલ સસ્પેન્ડ

પાલડીમાં મહિલા સાથે ગેરવર્તણૂકના મામલામાં DCPની કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 11:30 AM IST

Police Misconduct: અમદાવાદના પાલડી વિસ્તારમાં ટ્રાફિક પોલીસ અને એક મહિલા વાહનચાલક વચ્ચે થયેલી ગેરવર્તણૂકનો મામલો હાલ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી છે. N ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ જયંતિ ઝાલા સામે પ્રાથમિક તપાસ બાદ તેમને ફરજ પરથી મોકૂફ (સસ્પેન્ડ) કરવામાં આવ્યા છે.

DCP ભાવના પટેલના જણાવ્યા અનુસાર, પાલડી વિસ્તારમાં એક વ્યસ્ત ટ્રાફિક સિગ્નલ પર મહિલા વાહનચાલકે સિગ્નલનો ભંગ કર્યો હતો. ટ્રાફિક પોલીસ દ્વારા તેમને રોકવામાં આવ્યા હતા અને નિયમ મુજબ પોલીસ કર્મચારીએ પોતાનું આઈડી કાર્ડ બતાવ્યું. આ દરમિયાન બંને વચ્ચે બોલાચાલી શરૂ થઈ હતી. પોલીસના કહેવા મુજબ મહિલાએ ઉશ્કેરાઈને અપશબ્દો બોલ્યા હતા અને આઈડી કાર્ડ ફેંકી દીધું હતું, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી.

વાયરલ વીડિયોમાં પોલીસ કર્મચારી અને મહિલા વચ્ચેનો વિવાદ સ્પષ્ટ દેખાતા મામલો વધુ ગંભીર બન્યો. વીડિયો સામે આવતા ઉચ્ચ અધિકારીઓએ તરત જ નોંધ લઈ તપાસ શરૂ કરી. તપાસના પ્રારંભિક તબક્કામાં પોલીસ કર્મચારીની વર્તણૂક યોગ્ય ન હોવાનું માનવામાં આવતા હેડ કોન્સ્ટેબલને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પોલીસ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ પરિસ્થિતિમાં જાહેર જનતા સાથે ગેરવર્તણૂક સહન કરવામાં નહીં આવે.

બીજી તરફ, પોલીસ દ્વારા મહિલાની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. માહિતી મુજબ મહિલા સામે ટ્રાફિકમાં અડચણ ઊભી કરવા બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું છે કે અગાઉ પણ મહિલાએ ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપોની તપાસ ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now