Home Gujarat Palanpur Ndps Case 20 Years Jail For Charas Smuggler

1,00,00,000ના ચરસ કેસમાં મોટો ચુકાદો! : આરોપીને 20 વર્ષની સખ્ત કેદ, રૂ. 2,00,000નો દંડ

Palanpur NDPS Case
Published by: Nirali Gohil
Last Updated: Jul 08, 2026, 08:11 AM IST

Palanpur NDPS Case: ગુજરાતમાં માદક પદાર્થોની હેરાફેરી સામે કડક કાર્યવાહી વચ્ચે પાલનપુરની અદાલતે વર્ષ 2020ના ચર્ચિત NDPS કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. અમદાવાદ ATS દ્વારા કરોડો રૂપિયાના ચરસના જથ્થા સાથે ઝડપાયેલા કેસમાં એક આરોપીને દોષિત ઠેરવીને 20 વર્ષની સખ્ત કેદ અને રૂ.2 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. અદાલતના આ નિર્ણયને નશીલા પદાર્થોની હેરાફેરી સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ કેસમાં ઝડપાયેલો ચરસનો જથ્થો અંદાજે 16.753 કિલોગ્રામ હતો, જેની બજાર કિંમત લગભગ રૂ.1.01 કરોડ હોવાનું તપાસ દરમિયાન સામે આવ્યું હતું. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટે પુરાવા અને દલીલોના આધારે આરોપીને દોષિત જાહેર કર્યો છે.

ATSને બાતમી મળતા પાલનપુર ટોલનાકા પાસે ગોઠવાઈ હતી વોચ

કેસની વિગતો અનુસાર, વર્ષ 2020માં અમદાવાદ ATSને ચોક્કસ બાતમી મળી હતી કે રાજસ્થાનના આબુરોડ તરફથી મુંબઈના રહેવાસી ફહિમ અઝીમબેગ અને સમીર અહમદ શેખ મારુતિ કારમાં પંજાબના લુધિયાણાથી મોટી માત્રામાં ચરસ લઈને મુંબઈ તરફ જઈ રહ્યા છે. બાતમીના આધારે ATSની ટીમે પાલનપુર ટોલનાકા પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કાર પહોંચતા તેની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી અંદાજે 16.753 કિલોગ્રામ ચરસનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત લગભગ રૂ.1.01 કરોડ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે બંને આરોપીઓ સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી ચરસનો જથ્થો કબજે કરીને પાલનપુર તાલુકા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ પણ વાંચો: શ્રાવણ માસ પહેલાં યોગી સરકારનો મોટો નિર્ણય! : કાશી વિશ્વનાથ મંદિરમાં બદલાઈ દર્શનની વ્યવસ્થા, સ્થાનિકોને મળશે ખાસ પ્રવેશ દ્વાર

દસ્તાવેજી પુરાવા અને દલીલોને આધારે આરોપી દોષિત ઠેરવાયો

આ કેસની સુનાવણી પાલનપુરની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી રહી હતી. સુનાવણી દરમિયાન સરકારી વકીલ દીપકભાઈ પુરોહિતે મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા અને આરોપીઓ વિરુદ્ધ મજબૂત દલીલો કરી હતી. તમામ પુરાવાઓ અને દલીલોને ધ્યાનમાં રાખીને એડિશનલ સેશન્સ જજ ડી. એસ. શ્રીવાસ્તવે આરોપી સમીર અહમદ શેખને NDPS એક્ટની કલમ 8(સી), 22(બી) અને 29 હેઠળ દોષિત જાહેર કર્યો હતો.

20 વર્ષની સખ્ત કેદ અને રૂ.2 લાખનો દંડ

અદાલતે સમીર અહમદ શેખને 20 વર્ષની સખ્ત કેદની સજા સાથે રૂ.2 લાખનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડની રકમ ભરપાઈ કરવામાં નહીં આવે તો કાયદા મુજબ વધારાની સજા પણ ભોગવવી પડશે. કોર્ટના આ ચુકાદાને રાજ્યમાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપાર સામે કડક સંદેશ તરીકે જોવામાં આવી રહ્યો છે. કાયદા અમલવારી એજન્સીઓ દ્વારા કરવામાં આવેલી તપાસ અને રજૂ કરાયેલા પુરાવાઓને અદાલતે માન્ય રાખતાં આ કેસમાં દોષિતને કડક સજા આપવામાં આવી છે.

આ પણ વાંચો: 85 વર્ષના ઇતિહાસમાં સુરતમાં સૌથી મોટી આકાશી આફત : 300 થી વધુ દુકાનો પાણીમાં ગરકાવ, પાણીમાં તરતા દેખાયા લાખો રૂપિયાના મોબાઈલ

ફરાર આરોપી સામે બિનજામીનપાત્ર વોરંટ

કેસનો અન્ય આરોપી ફહિમ અઝીમબેગ વચગાળાના જામીન મળ્યા બાદ ફરાર થઈ ગયો હતો. જેના કારણે અદાલતે તેની સામે બિનજામીનપાત્ર વોરંટ (NBW) જારી કરવાનો આદેશ કર્યો છે. હવે તપાસ એજન્સીઓ ફરાર આરોપીની શોધખોળ માટે આગળની કાર્યવાહી કરશે. સરકારી વકીલ દીપકભાઈ પુરોહિતે જણાવ્યું હતું કે, રજૂ કરાયેલા પુરાવા અને કાયદાકીય દલીલોના આધારે અદાલતે આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે, જે માદક પદાર્થોની હેરાફેરી સામે કડક કાર્યવાહી માટે મહત્વનો દાખલો બનશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now