Home Sports Pakistani Cricketers Were Cheated Of Crores Of Rupees Know What Is The Whole Matter

પાકિસ્તાની ક્રિકેટરો સાથે ₹100 કરોડની છેતરપિંડી! : પોન્ઝી સ્કીમની લાલચમાં સ્ટાર ખેલાડીઓએ ગુમાવ્યા કરોડો રૂપિયા!

પાકિસ્તાની ક્રિકેટરો સાથે ₹100 કરોડની છેતરપિંડી!
Published by: OBS Bureau
Last Updated: Jan 23, 2026, 12:18 PM IST

Pakistani cricketers cheated of crores : પાકિસ્તાન ક્રિકેટ જગતમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાની બેટ્સમેન બાબર આઝમ, મોહમ્મદ રિઝવાન અને ફાસ્ટ બોલર શાહીન આફ્રિદી જેવા સ્ટાર ખેલાડીઓ મેદાનની બહાર એક મોટી છેતરપિંડીનો શિકાર બન્યા છે. એક બિઝનેસમેને ઊંચા વળતરની લાલચ આપીને આ ખેલાડીઓ પાસેથી કરોડો રૂપિયા પડાવ્યા અને હવે તે દેશ છોડીને ફરાર થઈ ગયો છે.

આ ખેલાડીઓ થયા શિકાર

આ મામલામાં માત્ર બાબર કે શાહીન જ નહીં, પરંતુ ફખર ઝમાન અને શાદાબ ખાન સહિત લગભગ એક ડઝન જેટલા વર્તમાન ખેલાડીઓના નામ સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, આ ખેલાડીઓએ એક પૂર્વ ટેસ્ટ કેપ્ટનની સલાહ માનીને આ સ્કીમમાં મોટી રકમનું રોકાણ કર્યું હતું. આ છેતરપિંડીમાં ખેલાડીઓએ માત્ર પોતાની જ કમાણી નહીં, પરંતુ પોતાના સંબંધીઓ અને મિત્રોના પૈસા પણ રોક્યા હતા.

કેવી રીતે થઈ છેતરપિંડી?

આ સમગ્ર કૌભાંડ પાછળ પાકિસ્તાન સુપર લીગ (PSL) ની ફ્રેન્ચાઈઝી સાથે જોડાયેલા એક ઉદ્યોગપતિનું નામ ચર્ચાઈ રહ્યું છે. શરૂઆતના મહિનાઓમાં આ ઉદ્યોગપતિએ ખેલાડીઓને વિશ્વાસમાં લેવા માટે સમયસર નફો (રિટર્ન) ચૂકવ્યો હતો. પરંતુ જેવું રોકાણ મોટું થયું, કે તરત જ વળતર મળવાનું બંધ થઈ ગયું. જ્યારે ખેલાડીઓએ પૈસાની માંગણી કરી, ત્યારે ઉદ્યોગપતિએ બિઝનેસમાં મોટું નુકસાન થયાનું બહાનું કાઢીને સંપર્ક તોડી નાખ્યો હતો.

100 કરોડનો આંકડો અને PCB ની તપાસ

રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, આ છેતરપિંડીનો આંકડો 100 કરોડ પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ મામલો હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) સુધી પહોંચ્યો છે. બોર્ડે આ ગંભીર બાબતની નોંધ લીધી છે અને આંતરિક તપાસ શરૂ કરી છે. ખેલાડીઓએ જે વ્યક્તિ પર ભરોસો કર્યો હતો તે હવે દેશ છોડીને ભાગી ગયો હોવાનું મનાય છે, જેના કારણે રિકવરી થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે.

શું હોય છે આ 'પોન્ઝી સ્કીમ'?

સામાન્ય ભાષામાં કહીએ તો, પોન્ઝી સ્કીમ એ છેતરપિંડીનું એક રોકાણ મોડલ છે. જેમાં રોકાણકારોને ટૂંકા સમયમાં ડબલ પૈસા કે મોટો નફો આપવાની લાલચ આપવામાં આવે છે. અહીં કોઈ વાસ્તવિક વ્યવસાય હોતો નથી, નવા રોકાણકારો પાસેથી આવતા પૈસાનો ઉપયોગ જૂના રોકાણકારોને વળતર આપવા માટે કરવામાં આવે છે. જ્યારે નવા લોકો જોડાવાનું બંધ થાય છે, ત્યારે આખી સાંકળ તૂટી જાય છે અને લોકોના પૈસા ડૂબી જાય છે.

લાલચ પડી ભારે

આ કિસ્સો સાબિત કરે છે કે, નાણાકીય બાબતોમાં સાવચેતી કેટલી જરૂરી છે. સ્ટાર ક્રિકેટરો હોવા છતાં, વધુ નફાની લાલચમાં આ ખેલાડીઓએ પાયાની તપાસ કર્યા વગર રોકાણ કર્યું અને આજે તેમને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now