ભારત અને પાકિસ્તાન વચ્ચેની દુશ્મની અને યુદ્ધો વિશે લગભગ દરેક વ્યક્તિ જાણે છે. 1947ના ભાગલા બાદ બંને દેશો વચ્ચે અનેક વખત સૈન્ય અથડામણો થઈ છે અને કાશ્મીર મુદ્દો બંને દેશો વચ્ચેના તણાવનું મુખ્ય કારણ રહ્યો છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે પાકિસ્તાનનો સૈન્ય અને સરહદી વિવાદ માત્ર ભારત પૂરતો મર્યાદિત નથી રહ્યો. તેના સ્થાપના બાદ પાકિસ્તાન અન્ય દેશો સાથે પણ સંઘર્ષો, સરહદી અથડામણો અને લાંબા ગાળાના વિવાદોમાં સામેલ રહ્યું છે.
પાકિસ્તાનના ઇતિહાસ પર નજર કરીએ તો ભારત સામેના યુદ્ધોથી લઈને અફઘાનિસ્તાન સાથેના તણાવ અને બાંગ્લાદેશના સર્જન સુધીની ઘટનાઓ તેના રાજકીય અને સૈન્ય ઇતિહાસને આકાર આપતી રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર મોટા યુદ્ધ
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી ચાર મોટા યુદ્ધો અને અનેક સૈન્ય અથડામણો થઈ ચૂક્યા છે. મોટાભાગના સંઘર્ષોનું મૂળ કારણ જમ્મુ-કાશ્મીર વિવાદ રહ્યું છે. 1947માં દેશના ભાગલા બાદ પ્રથમ ભારત-પાકિસ્તાન યુદ્ધ શરૂ થયું હતું. પાકિસ્તાન સમર્થિત કબાયલી લડવૈયાઓ કાશ્મીરમાં ઘૂસી આવ્યા બાદ કાશ્મીરના મહારાજા હરિસિંહે ભારત સાથે વિલયપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારબાદ ભારતીય સેનાએ કાર્યવાહી શરૂ કરી અને બંને દેશો વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. આ યુદ્ધ બાદ નિયંત્રણ રેખા (LoC)નું અસ્તિત્વ ઊભું થયું અને કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના કબજામાં રહ્યો.
આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષામાં શું ભારત થશે સામેલ? : G7 સમિટમાં મોદી-મેક્રોન બેઠકમાં થશે મહત્વની ચર્ચા
1965નું યુદ્ધ: ઓપરેશન જિબ્રાલ્ટર નિષ્ફળ રહ્યું
1965માં પાકિસ્તાને 'ઓપરેશન જિબ્રાલ્ટર' શરૂ કરીને કાશ્મીરમાં ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેનો હેતુ કાશ્મીરમાં બળવો ભડકાવવાનો હતો. જોકે ભારતીય સેનાએ આ પ્રયાસનો જોરદાર જવાબ આપ્યો અને યુદ્ધ અનેક મોરચાઓ સુધી વિસ્તર્યું. આ સંઘર્ષમાં બંને દેશોને નુકસાન થયું હતું, પરંતુ પાકિસ્તાન પોતાના વ્યૂહાત્મક લક્ષ્યો હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું. ત્યારબાદ તાશ્કંદ કરાર દ્વારા યુદ્ધનો અંત આવ્યો.
1971: પાકિસ્તાનના ઇતિહાસની સૌથી મોટી હાર
પાકિસ્તાનના સૈન્ય ઇતિહાસમાં 1971નું યુદ્ધ સૌથી મોટો ઝટકો માનવામાં આવે છે. પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગ્લાદેશ)માં રાજકીય અસંતોષ, બંગાળી રાષ્ટ્રવાદ અને ચૂંટણી પરિણામોને લઈને ઊભેલા વિવાદ બાદ સ્થિતિ ગંભીર બની હતી. પાકિસ્તાની સેનાની કાર્યવાહી સામે બંગાળી આંદોલન વધુ ઉગ્ર બન્યું અને લાખો શરણાર્થીઓ ભારત આવ્યા. ત્યારબાદ ભારત યુદ્ધમાં સામેલ થયું.
માત્ર 13 દિવસ ચાલેલા યુદ્ધમાં પાકિસ્તાની સેનાએ ઢાકામાં આત્મસમર્પણ કર્યું હતું. આશરે 90 હજારથી વધુ પાકિસ્તાની સૈનિકોએ હથિયાર મૂકી દીધા હતા. પરિણામે પૂર્વ પાકિસ્તાન અલગ થઈને સ્વતંત્ર બાંગ્લાદેશ તરીકે ઉભર્યું.
કારગિલ યુદ્ધમાં પણ મળ્યો ઝટકો
1999માં ભારત અને પાકિસ્તાન વચ્ચે કારગિલ યુદ્ધ થયું હતું. પાકિસ્તાની સૈનિકો અને ઘૂસણખોરોએ કારગિલ વિસ્તારની ઊંચી ચોકીઓ પર કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. ભારતીય સેનાએ 'ઓપરેશન વિજય' હેઠળ વિશાળ કાર્યવાહી હાથ ધરી અને મોટાભાગના વિસ્તારો પર ફરીથી નિયંત્રણ મેળવ્યું. આંતરરાષ્ટ્રીય દબાણ બાદ પાકિસ્તાનને પોતાના દળો પાછા ખેંચવા પડ્યા હતા. કારગિલ યુદ્ધે બંને દેશો વચ્ચેનો તણાવ ફરી એકવાર વિશ્વ સમક્ષ લાવ્યો હતો.
આ પણ વાંચો: સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં યુદ્ધના વાદળો ઘેરાયા : 18 હજાર ભારતીય નાવિકોને હાઈ એલર્ટ પર રહેવા આદેશ
અફઘાનિસ્તાન સાથેનો સૌથી લાંબો વિવાદ
ભારત સિવાય પાકિસ્તાનનો સૌથી લાંબો અને સતત ચાલતો વિવાદ અફઘાનિસ્તાન સાથે રહ્યો છે. બંને દેશો વચ્ચેની ‘ડ્યુરન્ડ લાઇન’ (Durand Line) આ વિવાદનું મુખ્ય કારણ છે. 1893માં બ્રિટિશ શાસન દરમિયાન નક્કી કરાયેલી આ સરહદને અફઘાનિસ્તાન આજે પણ સંપૂર્ણ રીતે માન્યતા આપતું નથી. પરિણામે બંને દેશો વચ્ચે વારંવાર સરહદી અથડામણો, ગોળીબાર અને રાજકીય તણાવ સર્જાતા રહ્યા છે. ખાસ કરીને તાલિબાનના પુનઃસત્તારૂઢ થયા બાદ પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે અનેક વખત સરહદી સંઘર્ષો જોવા મળ્યા છે.
બાંગ્લાદેશ સાથેનો સંબંધ અને ઐતિહાસિક હાર
તકનિકી રીતે પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ આંતરરાષ્ટ્રીય યુદ્ધ થયું નહોતું, કારણ કે 1971 સુધી બાંગ્લાદેશ પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતું હતું. છતાં 1971નો સંઘર્ષ પાકિસ્તાન માટે સૌથી મોટો રાજકીય અને સૈન્ય પરાજય ગણાય છે. આ યુદ્ધે માત્ર દેશના બે ભાગ કર્યા નહોતા, પરંતુ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય છબી અને સૈન્ય પ્રતિષ્ઠાને પણ મોટો આંચકો પહોંચાડ્યો હતો.
પાકિસ્તાનના ઈતિહાસમાંથી મળતા પાઠ
1947 પછીના પાકિસ્તાનના ઇતિહાસ પર નજર કરીએ તો ભારત સાથેના ચાર મોટા યુદ્ધો, અફઘાનિસ્તાન સાથેના લાંબા ગાળાના વિવાદો અને 1971ની ઐતિહાસિક હાર તેની સુરક્ષા અને વિદેશ નીતિ માટે મહત્વપૂર્ણ ઘટનાઓ રહી છે.





