Home Tech/Gadgets Ai Data Centers Water Electricity Environment Impact

1.3 અબજ લોકોનું પાણી એકલું પી જશે AI! : ટેકનોલોજીની ચમક પાછળ હોમાઈ રહ્યું છે પર્યાવરણ, જાણો 2030 સુધીમાં કેવી હશે સ્થિતિ

AI
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jun 12, 2026, 08:18 AM IST

AI : આજે દુનિયાભરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ક્રેઝ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. આપણું કામ સરળ બનાવતી આ ટેકનોલોજી જેટલી આધુનિક દેખાય છે, તેનાથી વધુ તે પર્યાવરણ માટે જોખમી સાબિત થઈ રહી છે. હાલમાં અમેરિકા અને કેનેડા જેવા વિકસિત દેશોમાં AI ડેટા સેન્ટરોનો ભારે વિરોધ શરૂ થયો છે. યુએન યુનિવર્સિટીના એક અહેવાલ મુજબ, AI નો આ અંધાધૂંધ ઉપયોગ પૃથ્વી પરના પાણી, વીજળી અને જમીન જેવા મહત્વના સંસાધનો પર મોટું દબાણ લાવી રહ્યો છે. આ હવે માત્ર વિજ્ઞાનનો વિષય નથી રહ્યો, પણ આપણા ભવિષ્યની સુરક્ષા સામે મોટો સવાલ બની ગયો છે.

એક આખા દેશ જેટલી વીજળી

ઇન્ટરનેશનલ એનર્જી એજન્સીના અહેવાલ મુજબ, વર્ષ 2030 સુધીમાં દુનિયાભરના ડેટા સેન્ટરો અંદાજે 945 ટેરાવોટ-કલાક વીજળીનો વપરાશ કરશે. આ આંકડો એટલો મોટો છે કે જાપાન જેવા આખા વિકસિત દેશમાં એક વર્ષમાં જેટલી વીજળી વપરાય છે, તેટલી વીજળી એકલા ડેટા સેન્ટરો ખાઈ જશે. આ વૈશ્વિક સ્તરે વપરાતી કુલ વીજળીના આશરે 3 ટકા જેટલી થાય છે. સામાન્ય ભાષામાં સમજીએ તો, જે વીજળીથી આપણા ભારતના હજારો ઘરો આખું વર્ષ ચાલી શકે, તેટલી વીજળી AI ના સર્વર્સ માત્ર થોડીક જ સેકન્ડોમાં વાપરી નાખે છે જ્યારે લાખો લોકો એકસાથે AIને પ્રશ્નો પૂછતા હોય છે.

Redmi-Realmeને ટક્કર આપવા OnePlus લાવી રહ્યું છે નવો બજેટ સ્માર્ટફોન: રૂ.20,000થી ઓછી કિંમતમાં મળશે પ્રીમિયમ ફીચર્સ

1.3 અબજ લોકોનું પાણી મશીનોમાં

વીજળી કરતાં પણ મોટું સંકટ પાણીનું છે. Earth.Org ના રિપોર્ટ પ્રમાણે, 2030 સુધીમાં AI ડેટા સેન્ટરો આશરે 9.3 ટ્રિલિયન લીટર પાણી પી જશે. આ પાણીનો ઉપયોગ AIના સર્વર્સ અને હાઇટેક ચિપ્સને ઠંડી રાખવા માટે થાય છે, કારણ કે જ્યારે AI કામ કરે છે ત્યારે તેના મશીનો અત્યંત ગરમ થઈ જાય છે. આ 9.3 ટ્રિલિયન લીટર પાણીનો અર્થ એ થાય કે ભારત જેવા વિશાળ દેશની આખી વસ્તી (આશરે 1.3 અબજ લોકો) ને જેટલા પાણીની જરૂર પડે, તેટલું પાણી માત્ર મશીનોને ઠંડા રાખવા માટે વેડફાઈ જશે. એક તરફ સામાન્ય માણસ પાણીના એક-એક ટીપા માટે સંઘર્ષ કરે છે અને બીજી તરફ મશીનો કરોડો લીટર પાણી વાપરી રહ્યા છે.

અમેરિકામાં ડેટા સેન્ટરોનો વિરોધ

આ ગંભીર પરિસ્થિતિને કારણે હવે સામાન્ય જનતા રસ્તા પર ઉતરી આવી છે. ખાસ કરીને અમેરિકાના ઘણા શહેરોમાં લોકો નવા ડેટા સેન્ટરના પ્રોજેક્ટ્સનો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે આ સેન્ટરોના કારણે તેમના વિસ્તારમાં પાણીની તંગી અને વીજળીનું સંકટ ઊભું થઈ રહ્યું છે. જનતાના આક્રોશને કારણે ગયા વર્ષે અમેરિકામાં અંદાજે 200 અબજ ડોલરના ડેટા સેન્ટર પ્રોજેક્ટ્સ કાં તો અટકાવી દેવા પડ્યા છે અથવા તેમાં વિલંબ થયો છે. લોકોને ડર છે કે મોટી કંપનીઓ પોતાના ફાયદા માટે કુદરતી સંસાધનો ખલાસ કરી રહી છે, જેનો ભોગ સામાન્ય લોકોને બનવું પડશે.

Vivo X500 સિરીઝમાં મળશે પાવરફૂલ Dimensity 9500 ચિપસેટ!: 7,500mAh બેટરી અને 64MP પેરિસ્કોપ કેમેરા સાથે બની શકે છે ગેમ ચેન્જર

આપણી એક ક્લિકની કિંમત

સૌથી ચોંકાવનારી વાત એ છે કે AI માં વીજળી અને પાણીનો સૌથી વધુ વપરાશ તેને બનાવવામાં (ટ્રેનિંગ આપવામાં) નથી થતો, પરંતુ તેના રોજિંદા ઉપયોગમાં થાય છે. રિપોર્ટ અનુસાર, 80થી 90 ટકા ઉર્જાનો વપરાશ 'અનુમાન' (Inference) દરમિયાન થાય છે. એટલે કે જ્યારે પણ તમે કે હું ChatGPT પર કોઈ સવાલ પૂછીએ છીએ, AIની મદદથી કોઈ ફોટો કે વિડિયો બનાવીએ છીએ, ત્યારે તેની પાછળ સર્વર ચાલુ થાય છે, વીજળી વપરાય છે અને તેને ઠંડુ રાખવા પાણીનો પણ ઉપયોગ થાય છે. આપણે જેટલો વધુ AIનો ઉપયોગ કરીશું, કુદરત પર એટલું જ વધુ ભારણ વધશે.

સમસ્યા અને ભવિષ્યનો પડકાર

જોકે, આ સમસ્યામાંથી બચવા માટે મોટી ટેક કંપનીઓ હવે સોલાર એનર્જી, વિન્ડ એનર્જી (પવન ઉર્જા) અને રિસાયકલ કરેલા પાણીનો ઉપયોગ કરવાનો દાવો કરી રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે AIની માંગ જેટલી ઝડપથી વધી રહી છે, તેની સામે આ ગ્રીન ટેકનોલોજીના પ્રયાસો ખૂબ નાના સાબિત થઈ રહ્યા છે. AI ચોક્કસપણે આપણું જીવન સ્માર્ટ અને સરળ બનાવી રહ્યું છે, પરંતુ જો તે ભવિષ્યમાં પાણી અને વીજળીની કટોકટીનું મુખ્ય કારણ બનશે, તો માનવજાત માટે નવું સંકટ ઊભું થશે. હવે જોવાનું એ રહેશે કે દુનિયા ટેકનોલોજી અને પ્રકૃતિ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now