Home Sports Pakistan To Boycott Match Against India In T20 World Cup 2026 Pcb Drama Due To Icc Decision

T20 વર્લ્ડ કપ 2026; ભારત સામેની મેચને પાકિસ્તાન કરશે બોયકોટ? : ICC ના નિર્ણયથી PCB નો નવો 'ડ્રામા' થયો શરૂ!

T20 વર્લ્ડ કપ 2026; ભારત સામેની મેચને પાકિસ્તાન કરશે બોયકોટ?
Published by: OBS Bureau
Last Updated: Jan 26, 2026, 01:10 PM IST

T20 World Cup 2026 : આગામી T20 વર્લ્ડ કપ 2026 પહેલા ક્રિકેટ જગતમાં ઘણા સમાચાર સામે આવી રહ્યા છે. ભારત અને શ્રીલંકા દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ ટુર્નામેન્ટમાં હવે પાકિસ્તાન તરફથી નવા 'ડ્રામા' શરૂ થયા છે. ખાસ કરીને ભારત સામેની હાઇ-વોલ્ટેજ મેચને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) નવી ચાલ રમી રહ્યું હોય તેવું જણાય છે.

બાંગ્લાદેશની વર્લ્ડ કપમાંથી એક્ઝિટ

હાલમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બાંગ્લાદેશ સામે કડક કાર્યવાહી કરી તેને વર્લ્ડ કપમાંથી બહાર કરી દીધું છે. બાંગ્લાદેશી ટીમે સુરક્ષાના કારણોસર ભારતની મુલાકાત લેવાનો ઇનકાર કર્યો હતો અને તેમની મેચો શ્રીલંકા ખસેડવાની માંગ કરી હતી. ICC એ આ માંગ ફગાવી 24 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું, જેનો જવાબ ન મળતા બાંગ્લાદેશને ટુર્નામેન્ટમાંથી હટાવી તેના સ્થાને સ્કોટલેન્ડને તક આપી છે.

પાકિસ્તાનનો વિરોધ અને ધમકી

બાંગ્લાદેશના બહાર થવાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ભારે નારાજ છે. PCB ના ચેરમેન મોહસીન નકવીએ આને ICC ના 'ડબલ સ્ટાન્ડર્ડ' ગણાવ્યા છે. તેમનું કહેવું છે કે, જો ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતને પાકિસ્તાન ન આવવા બદલ હાઇબ્રિડ મોડલ (બીજા દેશમાં રમવાની) છૂટ મળતી હોય, તો બાંગ્લાદેશને કેમ નહીં? આ વિરોધ પ્રદર્શિત કરવા પાકિસ્તાન હવે ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની તૈયારી કરી રહ્યું છે.

ભારત vs પાકિસ્તાન મેચ પર સંકટ

શેડ્યૂલ મુજબ, પાકિસ્તાને 15 ફેબ્રુઆરીએ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારત સામે રમવાનું છે. રિપોર્ટ્સ મુજબ, પાકિસ્તાન આ મેચ ન રમીને પોતાનો વિરોધ નોંધાવવા ગંભીરતાથી વિચારી રહ્યું છે. જો પાકિસ્તાન આ મેચ નહીં રમે તો તેમને માત્ર બે પોઈન્ટનું નુકસાન થશે, પરંતુ ICC ને કરોડોનું નાણાકીય નુકસાન થઈ શકે છે, કારણ કે ભારત-પાક મેચ ટુર્નામેન્ટની સૌથી મોટી કમાણી કરાવતી મેચ હોય છે.

સરકારના નિર્ણયની રાહ

PCB ચીફ મોહસીન નકવીએ પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે આ મુદ્દે લાંબી ચર્ચા કરી છે. મોહસીન નકવીએ સ્પષ્ટ કર્યું છે કે, અંતિમ નિર્ણય ફેડરલ સરકારના પરામર્શ પછી જ લેવામાં આવશે. જોકે, ICC ના સંભવિત કડક એક્શનથી ડરીને પાકિસ્તાને તેની 15 સભ્યોની ટીમની જાહેરાત તો કરી દીધી છે, જેમાં સલમાન અલી આગાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

પાકિસ્તાનનું વર્લ્ડ કપ શેડ્યૂલ (ગ્રુપ સ્ટેજ)

પાકિસ્તાન તેની તમામ ગ્રુપ મેચો શ્રીલંકાના કોલંબોમાં રમશે:

તારીખ

હરીફ ટીમ

સ્થળ

7 ફેબ્રુઆરી

નેધરલેન્ડ

SSC, કોલંબો

10 ફેબ્રુઆરી

યુએસએ

SSC, કોલંબો

15 ફેબ્રુઆરી

ભારત

પ્રેમદાસા, કોલંબો

18 ફેબ્રુઆરી

નામિબિયા

SSC, કોલંબો

પાકિસ્તાનનું નવું સ્ક્વોડ

પાકિસ્તાને આ વખતે હરિસ રૌફ અને મોહમ્મદ રિઝવાન જેવા ખેલાડીઓને ડ્રોપ કરીને નવી ટીમ જાહેર કરી છે.

સલમાન અલી આગા (કેપ્ટન), અબરાર અહમદ, બાબર આઝમ, ફહીમ અશરફ, ફખર જમાન, ખ્વાજા નફે (વિકેટકીપર), મોહમ્મદ નવાઝ, મોહમ્મદ સલમાન મિર્ઝા, નસીમ શાહ, સાહિબજાદા ફરહાન (વિકેટકીપર), સૈમ અયુબ, શાહીન શાહ આફ્રિદી, શાદાબ ખાન, ઉસ્માન ખાન (વિકેટકીપર) અને ઉસ્માન તારિક.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now