Pakistan Target on Golden Temple: આતંકના અડ્ડાઓ પર ભારતની એયરસ્ટ્રાઈક બાદ પાકિસ્તાને રચ્યું હતું મોટું ષડયંત્ર. જેમાં પાકિસ્તાની ભારતના મોટા શહેરો અને ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યાં હતાં. સુરક્ષા એજન્સીઓની તપાસમાં એક મોટો ખુલાસો થયો છેકે, નાપાક પાકિસ્તાનના સૌથી મોટા ટાર્ગેટ પર હતું પંજાબના અમૃતસરમાં આવેલું ગોલ્ડન ટેમ્પલ.
ગોલ્ડન ટેમ્પલને નિશાન બનાવવાના ષડયંત્ર અંગે ભારતીય સુરક્ષા એજન્સીઓએ તાજેતરમાં એક મોટો ખુલાસો કર્યો છે. પાકિસ્તાને પવિત્ર ધામ, અમૃતસરમાં આવેલ ગોલ્ડન ટેમ્પલને નિશાન બનાવવાનો નાપાક પ્રયાસ કર્યો હતો. 7 મે, 2025ની રાત્રે, પાકિસ્તાને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં 15 મહત્વપૂર્ણ સ્થળોને ડ્રોન અને મિસાઇલ વડે નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં અમૃતસરનો ગોલ્ડન ટેમ્પલ પણ સામેલ હતું. પાકિસ્તાને કરેલા આ હુમલામાં ભુજ, ચંદીગઢ, પઠાણકોટ, લુધિયાણા, જલંધર, કપૂરથલા અને અન્ય શહેરોનો સમાવેશ થતો હતો.
ભારતની સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમે અમૃતસર તેમજ દેશના ઘણા શહેરોને પાકિસ્તાની હુમલાથી સુરક્ષિત રાખ્યા છે. સેનાના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ કાર્તિક સી. શેષાદ્રીએ જણાવ્યું હતું કે ભારતીય સેનાને પહેલાંથી જ અંદાજો હતો કે પાકિસ્તાન સૈન્ય છાવણીઓ તેમજ નાગરિકોના મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવશે. જેમાં ગોલ્ડન ટેમ્પલ જેવા પ્રખ્યાત ધાર્મિક સ્થળોનો પણ સમાવેશ થાય છે. ગુપ્તચર એજન્સીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, ગોલ્ડન ટેમ્પલ પાકિસ્તાનનું મુખ્ય ટાર્ગેટ હતું.






