Home International Pakistan Politics Imran Khan Sentenced Toshakhana Case

ઈમરાન ખાનને 17 વર્ષ જેલની સજા : પાકિસ્તાનમાં ચાલી રહ્યાં છે 189 કેસ

ઈમરાન ખાનને 17 વર્ષ જેલની સજા
Published by: OBS Bureau
Last Updated: Dec 20, 2025, 05:10 PM IST

પાકિસ્તાનના રાજકારણમાં શનિવારે મોટો ભૂકંપ આવ્યો છે. જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમના પત્ની બુશરા બીબીની મુશ્કેલીઓમાં ધરખમ વધારો થયો છે. ઈસ્લામાબાદની સ્પેશિયલ કોર્ટે તોશાખાના 2 ભ્રષ્ટાચાર મામલે બંનેને 17-17 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ પૂર્વ શાસકને આટલા લાંબા ગાળાની જેલની સજા મળી હોય. આ ચુકાદા બાદ પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (PTI) ના ભવિષ્ય સામે પણ ગંભીર પ્રશ્નાર્થો સર્જાયા છે.

કુલ 62 વર્ષની સજા અને અનેક કેસ

73 વર્ષીય ક્રિકેટરમાંથી નેતા બનેલા ઈમરાન ખાન માટે કાયદાકીય માળખું વધુ મજબૂત રીતે ભીંસ વધારી રહ્યું છે. અત્યાર સુધીમાં વિવિધ ફોજદારી અને ભ્રષ્ટાચારના કેસોમાં તેમને સંયુક્ત રીતે 62 વર્ષની જેલની સજા જાહેર કરવામાં આવી છે. હાલમાં તેમની સામે કુલ 189 જેટલા અલગ-અલગ મુકદમાઓ કોર્ટમાં ચાલી રહ્યા છે. આ ઉપરાંત 9 મે 2023ના રોજ થયેલી રાષ્ટ્રવ્યાપી હિંસાના ગંભીર કેસમાં પણ તેમની સામે કાર્યવાહી થવાની શક્યતા છે. જોકે ઈમરાન ખાન અને તેમની લીગલ ટીમ આ તમામ આરોપોને પાયાવિહોણા અને સત્તાધારી પક્ષના રાજકીય ષડયંત્રનો ભાગ ગણાવી રહી છે.

શું છે તોશાખાના 2 કેસની વિગત?

શનિવારે જે કેસમાં ચુકાદો આવ્યો તે 2021માં સાઉદી અરેબિયાની સરકાર તરફથી મળેલી કિંમતી ભેટસોગાદો સાથે જોડાયેલો છે. આરોપ છે કે ઈમરાન ખાને વડાપ્રધાન પદ પર હોવા દરમિયાન મળેલી બહુમૂલ્ય જ્વેલરી અને અન્ય ગિફ્ટને સરકારી ડેપો એટલે કે તોશાખાનામાં જમા કરાવ્યા બાદ ખૂબ જ ઓછી કિંમતે ખરીદી લીધા હતા. આ અગાઉ તોશાખાના 1 કેસમાં પણ તેમને 10 વર્ષની સજા થઈ ચૂકી છે. આ ઉપરાંત અલ કાદિર ટ્રસ્ટ કેસમાં 14 વર્ષ અને બુશરા બીબી સાથેના નિકાહના વિવાદમાં એટલે કે ઇદ્દત કેસમાં 7 વર્ષની સજાનો સમાવેશ થાય છે.

ક્રિકેટ ગ્રાઉન્ડથી જેલની કોટડી સુધીની સફર

વર્ષ 1992માં પાકિસ્તાનને પ્રથમ ક્રિકેટ વર્લ્ડ કપ અપાવનાર કેપ્ટન ઈમરાન ખાનની રાજકીય સફર ઉતાર-ચઢાવ ભરી રહી છે. 2018 માં સત્તા સંભાળ્યા બાદ એપ્રિલ 2022માં તેમની સરકાર બહુમતી સાબિત ન કરી શકતા પડી ગઈ હતી. ઓગસ્ટ 2023થી તેઓ જેલમાં બંધ છે. હાલમાં તેમની પાર્ટી PTIના અનેક દિગ્ગજ નેતાઓ સાથ છોડી ગયા છે અથવા જેલવાસ ભોગવી રહ્યા છે. પાકિસ્તાનના રાજકીય વિશ્લેષકો માને છે કે આટલી લાંબી સજા અને ચાલુ કેસોને કારણે ઈમરાન ખાનની લોકશાહીમાં વાપસી હવે અત્યંત મુશ્કેલ બની ગઈ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now