પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક નવપરિણીત યુગલની ઓનર કિલિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક અને યુવતીને ધોળા દિવસે ખૂબ જ નજીકથી ગોળી મારી દેવામાં આવી છે, હત્યારાઓએ ગોળીબારનું ફિલ્માંકન પણ કર્યું છે. આ ઘટનાથી સમગ્ર પાકિસ્તાનમાં ગુસ્સો ફેલાયો છે. પોલીસે આ કેસમાં 11 લોકોની ધરપકડ કરી છે અને 9 અન્ય આરોપીઓની શોધ ચાલુ છે.
ઘટના શું છે?
આ ભયાનક હત્યા બલુચિસ્તાનના દિઘારી જિલ્લામાં થઈ હતી. વીડિયોમાં કેટલાક લોકો પિકઅપ ટ્રકમાં પહાડી વિસ્તારમાં આવતા દેખાય છે. ત્યાં એક યુવતી કાયદેસર રીતે પરિણીત હોવાનો દાવો કરે છે અને સ્થાનિક ભાષામાં કહે છે, "આવો, મારી સાથે સાત પગલાં ચાલો, પછી મને ગોળી મારી દો." જોકે, તેણીએ આ વાત કયા સંદર્ભમાં કહી તે સ્પષ્ટ નથી. આ પછી, એક વ્યક્તિ તેના પર ત્રણ ગોળીબાર કરે છે અને તે જમીન પર પડી જાય છે. પછી તે જ હુમલાખોર અને અન્ય એક વ્યક્તિએ મળીને તેના પતિને ગોળી મારી દીધી. વીડિયોના અંતે બંને લોહીથી લથપથ જમીન પર પડેલા જોવા મળે છે.
9 ફરાર આરોપીઓની શોધખોળ
હત્યા કરાયેલા નવપરિણીત યુગલની ઓળખ બાનો બીબી અને અહેસાન ઉલ્લાહ તરીકે થઈ છે. તેમના પરિવારની ઇચ્છા વિરુદ્ધ લગ્ન કરવા બદલ તેમની ક્રૂરતાથી હત્યા કરવામાં આવી હતી. ચોંકાવનારી વાત એ છે કે પરિવારના કોઈ પણ સભ્યએ પોલીસને હત્યાની જાણ કરી ન હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, આ હત્યા એક આદિવાસી નેતા સરદાર સતાકઝાઈના આદેશ પર કરવામાં આવી હતી. આ આદેશ છોકરીના ભાઈની ફરિયાદ પર આપવામાં આવ્યો હતો, જે આ લગ્નથી ગુસ્સે હતો. આ કેસમાં બલુચિસ્તાનના મુખ્યમંત્રી સરફરાઝ બુગતીએ ઘટનાની પુષ્ટિ કરી અને કહ્યું કે ગુનેગારોને છોડવામાં આવશે નહીં. પોલીસે જણાવ્યું કે અત્યાર સુધીમાં 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં છોકરીનો ભાઈ અને આદિવાસી સરદારનો સમાવેશ થાય છે. બાકીના 9 ફરાર આરોપીઓની શોધ ચાલુ છે.





