ભારતનો મિત્ર દેશ રશિયા પાકિસ્તાનની નજીક આવી રહ્યો છે. પાકિસ્તાન અને રશિયાએ પાકિસ્તાન સ્ટીલ મિલ્સ (PSM) ફરી શરૂ કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર રશિયાની રાજધાની મોસ્કોમાં કરવામાં આવ્યો હતો. અગાઉ આ સ્ટીલ મિલ સોવિયેત યુનિયનની મદદથી બનાવવામાં આવી હતી. એક અહેવાલ અનુસાર પાકિસ્તાન અને રશિયા વચ્ચેનો આ કરાર એક નવા સંબંધની શરૂઆત છે. આ કરારનો હેતુ PSMને આધુનિક બનાવવાનો છે. ચીન પણ PSM ફરી શરૂ કરવાની રેસમાં હતું. પરંતુ આખરે આ કામ રશિયાને સોંપવામાં આવ્યું. આ કરાર શુક્રવારે મોસ્કો સ્થિત પાકિસ્તાન દૂતાવાસમાં હસ્તાક્ષર કરવામાં આવ્યો હતો .
આ પ્રોજેક્ટનો હેતુ શું છે?
આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પાકિસ્તાનમાં સ્ટીલ ઉત્પાદનને પુનર્જીવિત અને વિસ્તૃત કરવાનો છે. આ બંને દેશો વચ્ચે સહયોગનો એક નવો તબક્કો છે. પાકિસ્તાનના વડા પ્રધાનના ખાસ સહાયક હારૂન અખ્તર ખાન રશિયાની મુલાકાતે છે. તેમણે કહ્યું, 'રશિયાના સમર્થનથી પીએસએમ ફરીથી શરૂ કરવું એ આપણા સહિયારા ઇતિહાસ અને મજબૂત ઔદ્યોગિક ભવિષ્ય પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.'
2008-09માં 16.9 અબજ પાક. રૂપિયાનું નુકસાન થયું
પ્રેસ ઇન્ફર્મેશન ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે ''પીએસએમનું નિર્માણ 1971માં સોવિયેત યુનિયન દ્વારા કરવામાં આવ્યું હતું. તે પાકિસ્તાન અને રશિયા વચ્ચેની મિત્રતાનું પ્રતીક હતું. એક અહેવાલ અનુસાર, પીએસએમ 2008માં નબળું પડવાનું શરૂ થયું. તેનું કારણ નવી નિમણૂકો અને વિશ્વભરમાં આર્થિક મંદી હતી'' તત્કાલીન રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના કાર્યકાળ દરમિયાન, પીએસએમને નાણાકીય વર્ષ 2007-08 સુધી 9.54 અબજ પાકિસ્તાની રૂપિયાનો નફો થયો હતો. સ્ટીલ મિલને 2008-09માં 16.9 અબજ પાકિસ્તાની રૂપિયાનું નુકસાન થયું હતું. પાંચ વર્ષમાં, આ નુકસાન વધીને 118.7 અબજ પાકિસ્તાની રૂપિયા થઈ ગયું. 31 મે, 2018 ના રોજ, આ નુકસાન 200 અબજ પાકિસ્તાની રૂપિયા સુધી પહોંચી ગયું હતું.






