Home International Pakistan Accuses India Blocking Sri Lanka Relief Flight Mea Calls It Propaganda Expired Aid Exposed

શ્રીલંકાની મદદના નામે પાકિસ્તાનનું નવું નાટક : ભારત પર ખોટા આક્ષેપ લગાવ્યા પણ એક્સપાયરી ડેટવાળા ફૂડ પેકેટે ખોલી પોલ

શ્રીલંકાની મદદના નામે પાકિસ્તાનનું નવું નાટક
Published by: OBS Bureau
Last Updated: Dec 02, 2025, 05:08 PM IST

શ્રીલંકામાં ત્રાટકેલા વિનાશક ચક્રવાત દિતવાહ બાદ સર્જાયેલી તબાહી વચ્ચે પણ પાકિસ્તાન પોતાની મેલી મુરાદ બર લાવવાથી ચૂક્યું નથી. માનવતાના ધોરણે મદદ કરવાને બદલે પાકિસ્તાને ફરી એકવાર ભારત વિરુદ્ધ અપપ્રચાર શરૂ કર્યો છે. પાકિસ્તાન સરકારે ભારત પર એવો ગંભીર આરોપ મૂક્યો છે કે ભારતે શ્રીલંકા માટેની રાહત સામગ્રી લઈ જતા તેમના વિમાનને રસ્તો આપ્યો નહોતો. જોકે ભારતે આ તમામ દાવાઓને સદંતર ફગાવી દેતા તેને ભારત વિરોધી પ્રોપેગન્ડા ગણાવ્યો છે. નવાઈની વાત તો એ છે કે એક તરફ પાકિસ્તાન ભારત પર દોષનો ટોપલો ઢોળી રહ્યું છે તો બીજી તરફ તેમણે મોકલેલી રાહત સામગ્રીમાં એક્સપાયરી ડેટ જતી રહી હોય તેવો સામાન હોવાનું સામે આવતા તેમની આંતરરાષ્ટ્રીય સ્તરે ફજેતી થઈ છે.

પાકિસ્તાના વિદેશ મંત્રાલયે એવો વિચિત્ર દાવો કર્યો છે કે ભારત સરકાર દ્વારા તેમના રાહત સામગ્રી ભરેલા વિમાનને ઉડાન ભરવા માટે જરૂરી મંજૂરી આપવામાં આવી નહોતી. તેમના કહેવા મુજબ ભારત તરફથી ક્લિયરન્સ મળવાની રાહમાં તેમનું સ્પેશિયલ પ્લેન 60 કલાક સુધી અટવાઈ રહ્યું હતું. તેમણે એવો પણ બળાપો કાઢ્યો હતો કે 48 કલાક બાદ ભારત તરફથી જે પરમિશન આપવામાં આવી હતી તે અધૂરી હતી કારણ કે તેમાં માત્ર જવા માટેની મંજૂરી હતી અને પ્લેનને પરત ફરવા માટે કોઈ સ્પષ્ટતા નહોતી. પાકિસ્તાનનો દાવો છે કે ભારતના આવા વલણને કારણે ચક્રવાત પીડિતો સુધી મદદ પહોંચાડવામાં મોડું થયું છે.

જોકે આ તમામ આક્ષેપો વચ્ચે પાકિસ્તાનની એક મોટી બેદરકારી સામે આવતા તેની વિશ્વભરમાં ટીકા થઈ રહી છે. શ્રીલંકા સ્થિત પાકિસ્તાની હાઈ કમિશન દ્વારા જે રાહત સામગ્રીના ફોટા શેર કરવામાં આવ્યા હતા તેમાં ચોંકાવનારી વિગતો જોવા મળી હતી. આ પેકેટ્સ પર એક્સપાયરી ડેટ ઓક્ટોબર 2024 લખેલી હતી જે સાબિત કરે છે કે તેઓ મદદના નામે વાસી સામાન પધરાવી રહ્યા હતા અને પોતાની ભૂલ છુપાવવા ભારત પર આરોપો લગાવી રહ્યા હતા.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસ્વાલે પાકિસ્તાનના તમામ આરોપોને પાયાવિહોણા અને બકવાસ ગણાવ્યા હતા. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ઈસ્લામાબાદમાં રહેલા ભારતીય હાઈ કમિશનને ઓવરફ્લાઈટ ક્લિયરન્સ માટેની રિક્વેસ્ટ 1 ડિસેમ્બર 2025ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ મળી હતી. માનવીય અભિગમ અપનાવીને ભારતે તાત્કાલિક ધોરણે પ્રક્રિયા પૂરી કરી હતી. ભારતીય અધિકારીઓએ પાકિસ્તાની મીડિયામાં ચાલતા અહેવાલોને ફેક ન્યૂઝ ગણાવ્યા હતા અને કહ્યું હતું કે આ ભારત વિરોધી ષડયંત્રનો જ એક ભાગ છે. નિયમો અનુસાર કોઈપણ દેશની ઓવરફ્લાઈટ માટે ચોક્કસ પ્રોટોકોલ હોય છે જેનું ભારતે પાલન કર્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now