22 એપ્રિલ 2025ના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ ભારતને હચમચાવી નાખ્યું છે, ત્યારે હવે આ અંગે સંયુક્ત રાષ્ટ્ર (UN) તરફથી પણ આકરી પ્રતિક્રિયા આવી છે. સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે આ હુમલાની સખત નિંદા કરી છે અને કહ્યું છે કે નાગરિકો પરના હુમલા કોઈ પણ સંજોગોમાં સહન કરવા યોગ્ય નથી.
સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવના પ્રવક્તા સ્ટેફન ડુજારિકે મહાસચિવ વતી સત્તાવાર નિવેદન જારી કર્યું. તેમણે લખ્યું કે મહાસચિવ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે થયેલા સશસ્ત્ર હુમલાની સખત નિંદા કરે છે, જેમાં ઓછામાં ઓછા 26 લોકો માર્યા ગયા હતા. ગુટેરેસે હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતી વખતે આ વાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે નાગરિકોને નિશાન બનાવવું કોઈ પણ સંજોગોમાં કાયદેસર નથી અને તે માનવતાના મૂળભૂત સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
પુલવામા પછીનો સૌથી મોટો હુમલો
આ હુમલામાં બે વિદેશી નાગરિકો સહિત 26 લોકોના મોત થયા છે. હુમલામાં 17થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. આ હુમલો બપોરે બાયસરન ખાતે થયો હતો, પહલગામ નજીક એક સુંદર ઘાસના મેદાન જેને મિની સ્વિટ્ઝર્લેન્ડ કહેવામાં આવે છે. 2019ના પુલવામા પછી આ સૌથી ઘાતક આતંકવાદી હુમલો માનવામાં આવે છે.





