Home Gujarat Outcry In Jhalod As Dumping Yard Waste Burns Written Complaint Filed At Police Station

ડમ્પીંગ યાર્ડના કચરા બળતાં ઝાલોદમાં હાહાકાર : મોડી રાત્રે નગરજનોનો ચીફ ઓફિસર સામે હલ્લાબોલ, પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ

ડમ્પીંગ યાર્ડના કચરા બળતાં ઝાલોદમાં હાહાકાર
Published by: OBS Bureau
Last Updated: Jan 17, 2026, 06:46 AM IST

Dumping yard negligence: દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં ગત રાત્રે નગરપાલિકાની બેદરકારીને કારણે મોટો હોબાળો મચી ગયો હતો. ડમ્પિંગ યાર્ડમાં સળગાવવામાં આવેલા કચરાના ધુમાડાએ આખાય નગરને બાનમાં લીધું હતું, જેના પગલે ગુસ્સે ભરાયેલા નાગરિકોએ મોડી રાત્રે પોલીસ સ્ટેશન જઈને ચીફ ઓફિસર સામે લેખિત ફરિયાદ નોંધાવી છે.

અચાનક સર્જાયેલી આફત

ઝાલોદ નગરપાલિકા સંચાલિત ડમ્પિંગ યાર્ડમાં મોડી રાત્રે અચાનક કચરો સળગાવવામાં આવતા ધુમાડાના ગોટેગોટા આસપાસની સોસાયટીઓમાં ફેલાઈ ગયા હતા. આ ઝેરી ધુમાડો લોકોના ઘરમાં ઘૂસી જતાં રાત્રિના સમયે ઊંઘતા લોકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ધુમાડો ઘરમાં પ્રવેશતા બાળકો, વૃદ્ધો અને મહિલાઓને શ્વાસ લેવામાં તકલીફ, આંખોમાં બળતરા, ઉધરસ અને ગભરાટની સમસ્યાઓ બની હતી.

રોષે ભરાયેલા રહીશોનો હલ્લાબોલકચરાની દુર્ગંધ અને ધુમાડાથી કંટાળીને લોકોએ રસ્તા પર ઉતરી આવવાની ફરજ પડી હતી. અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા રહીશોનો સંયમ ખૂટ્યો હતો. સેંકડો લોકોનું ટોળું મોડી રાત્રે જ ઝાલોદ પોલીસ સ્ટેશન પહોંચ્યું હતું અને નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ બેદરકારીનો ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે લેખિત અરજી આપી હતી.

વારંવારની રજૂઆત છતાં બેદરકારી

સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ડમ્પિંગ યાર્ડના પ્રશ્ને અગાઉ પણ તંત્રને અનેકવાર જાણ કરવામાં આવી હતી. તેમ છતાં પાલિકા પ્રશાસન દ્વારા આ મામલે કોઈ કાયમી નિકાલ કરવામાં આવ્યો નથી. લોકોએ આક્ષેપ કર્યો છે કે, નગરપાલિકા જાણીજોઈને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહી છે, જેના કારણે આજે ગંભીર સ્થિતિ સર્જાઈ છે.

તંત્રની દોડધામ અને આગ પર કાબૂ

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ અને લોકોના ઉગ્ર વિરોધને જોતા નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું હતું. તાત્કાલિક ધોરણે ડમ્પિંગ યાર્ડમાં લાગેલી આગને ઓલવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ધુમાડો શાંત પાડવામાં આવ્યો હતો. જોકે, નગરજનોમાં હજુ પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેઓ આ સમસ્યાનો કાયમી ઉકેલ ઈચ્છી રહ્યા છે. આ ઘટનાએ ઝાલોદ નગરપાલિકાની કામગીરી પર અનેક સવાલો ઉભા કર્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now