રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે આજે રાજભવનમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં કૃષિ વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાતના આદિજાતિ વિસ્તારોમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વિશેષ પ્રયત્નો કરાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે આજે રાજભવનમાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં કૃષિ વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ હતી. ગુજરાતમાં 53 તાલુકાઓમાં આદિજાતિના ખેડૂતો પરંપરાગત ખેતી કરી રહ્યા છે. મોટાભાગના ખેડૂતો ગાય પણ રાખે છે. આ વિસ્તારોમાં ખેડૂતો સો એ સો ટકા પ્રાકૃતિક ખેતી કરતા થાય અને ડાંગ જિલ્લાની જેમ રાજ્યના તમામ આદિજાતિ વિસ્તારોમાં સો ટકા પ્રાકૃતિક ખેતી થાય તે માટે આદિજાતિ વિકાસ વિભાગના વિશેષ સહયોગથી કૃષિ વિભાગ સઘન પ્રયત્નો કરશે. રાજ્યપાલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરતાં કહ્યું કે, પ્રાકૃતિક કૃષિ અભિયાન હવે રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન બની ગયું છે. આ મિશન સામાન્ય મિશન નથી. માનવ સ્વાસ્થ્ય માટે વર્તમાન સમય સંઘર્ષનો સમય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધુંધ ઉપયોગથી કેન્સર, ડાયાબિટીસ જેવા જીવલેણ રોગોનો રાફડો ફાટ્યો છે. ધરતી સહન કરવાની સ્થિતિમાં નથી. ફળ, શાકભાજી અને અનાજ વાટે ધરતી એ ધીમું ઝેર આપણને પાછું આપી રહી છે. ગ્લોબલ વૉર્મિંગ માટે રાસાયણિક ખેતી વધુ જવાબદાર છે. વધુ ઉત્પાદન મેળવવાની ક્ષણિક લાલચમાં આપણે આપણી આવનારી પેઢીઓને ગંભીર પરિસ્થિતિમાં મૂકવા જઈ રહ્યા છીએ. આ વિષય પર ગંભીરતાથી વિચારવાની આવશ્યકતા છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે આદર્શ કામ થઈ રહ્યું છે. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીઓએ ઊંડાણપૂર્વકના પરીક્ષણો કરીને પ્રાકૃતિક કૃષિના જે પરિણામો મેળવ્યા છે, તે અત્યંત ઉત્સાહજનક છે. કૃષિ યુનિવર્સિટીઓ હજુ વધુ સંશોધનો કરે અને પરિણામો ખેડૂતો સમક્ષ મૂકે જેથી ખેડૂતોને પ્રમાણ મળે અને તેઓ સંકોચ વિના પ્રાકૃતિક ખેતી કરતા થાય. પ્રાકૃતિક ખેતીના પંચસ્તરીય બાગાયતી મોડેલથી ખેડૂતોની આવક અચૂક બમણી થશે. ખેડવાનો અને નિંદામણનો શ્રમ નહીં કરવો પડે. પ્રદૂષણ પણ નહીં થાય. ગુજરાતના દરેક તાલુકાઓમાં ઓછામાં ઓછા પાંચ થી સાત પંચસ્તરીય બાગાયતી જંગલ મોડેલ ફાર્મ બને તો અન્ય ખેડૂતોને પ્રેરણા મળશે. 1 એપ્રિલથી રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશન સમગ્ર રાષ્ટ્રમાં અમલી થઈ ગયું છે. આ માત્ર સરકારનો કે અધિકારીઓનો પ્રોજેક્ટ નથી, માનવતા, પ્રાણીજગત અને પર્યાવરણ બચાવવાનું આપણા સૌનું નૈતિક કર્તવ્ય છે. આપણે આદિવાસી વિસ્તારો ઉપર વિશેષ ધ્યાન આપવું જોઈએ કારણકે, ત્યાંના ખેડૂતો હજુ સુધી યુરિયા, ડીએપી અને પૅસ્ટીસાઈડસ પર સંપૂર્ણ નિર્ભર થયા નથી. આદિજાતિ ક્ષેત્રના કૃષિ ઉત્પાદનોની બજારમાં પણ વિશેષ માંગ છે. આદિજાતિ ક્ષેત્રોમાં પ્રાકૃતિક ખેતીથી ગુણવત્તાયુક્ત અને વિપુલ ઉત્પાદન મેળવી શકાય તેમ છે.
ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અપાશે આદિજાતિ વિસ્તારોમાં 2,973 ગ્રામ પંચાયતના વિસ્તારને 991 ક્લસ્ટર્સમાં વહેંચવામાં આવ્યા છે. ત્રણ ગ્રામ પંચાયતના એક ક્લસ્ટર દીઠ એક કૃષિ સખી અને એક કોમ્યુનિટી રિસોર્સ પર્સન ગામે-ગામ જઈને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપશે. 1,312 મોડલ ફાર્મ બનાવવાનું લક્ષ્ય છે, જેથી ખેડૂતો પ્રેરણા લઈ શકે.






