સામાન્ય રીતે અફીણનું નામ પડતા જ તેને નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર સાથે જોડવામાં આવે છે, પરંતુ ભારતમાં તેની સ્થિતિ અલગ છે. ભારત વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા દેશોમાં સામેલ છે જ્યાં અફીણની ખેતીને કાયદેસરની માન્યતા મળેલી છે. જોકે, આ ખેતી સરકારની અત્યંત કડક દેખરેખ હેઠળ કરવામાં આવે છે. ભારતના ત્રણ રાજ્યોના અમુક ખાસ જિલ્લાઓ 'અફીણ બેલ્ટ' તરીકે ઓળખાય છે, જ્યાં લાયસન્સ ધરાવતા ખેડૂતો જ આ પાક લઈ શકે છે.
મધ્યપ્રદેશ: અફીણ ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર
ભારતના કુલ અફીણ ઉત્પાદનમાં મધ્યપ્રદેશ સૌથી મોટો હિસ્સો ધરાવે છે. અહીંના મંદસૌર, નીમચ અને રતલામ જિલ્લાઓ અફીણની ખેતીના મુખ્ય કેન્દ્રો છે. આમાં પણ મંદસૌર જિલ્લો રાષ્ટ્રીય સ્તરે એટલું મોટું ઉત્પાદન કરે છે કે તેને અફીણ બેલ્ટની કરોડરજ્જુ માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ, મધ્યપ્રદેશમાં અંદાજે 54,500 જેટલા ખેડૂતો કાયદેસર રીતે અફીણની ખેતી સાથે જોડાયેલા છે.
રાજસ્થાન: ઉત્પાદનમાં બીજા ક્રમે
રાજસ્થાનમાં પણ મોટા પાયે અફીણનું વાવેતર થાય છે. રાજ્યના ચિત્તોડગઢ, ઝાલાવાડ, પ્રતાપગઢ, કોટા અને ભીલવાડા જિલ્લાઓને સરકારી સ્તરે અફીણની ખેતી માટે નોટિફાઈડ કરવામાં આવ્યા છે. ચિત્તોડગઢ અને ઝાલાવાડ રાજ્યના સૌથી મોટા ઉત્પાદક જિલ્લાઓ છે. મધ્યપ્રદેશના મંદસૌર અને રાજસ્થાનના આ વિસ્તારો મળીને ભારતની કુલ કાયદેસરની અફીણ ખેતીમાં અંદાજે 80% જેટલો ફાળો આપે છે. રાજસ્થાનમાં લગભગ 47,000 ખેડૂતો પાસે અફીણ ઉગાડવાનું લાયસન્સ છે.
ઉત્તરપ્રદેશ: ઐતિહાસિક ફેક્ટરી અને ખેતી
ઉત્તરપ્રદેશમાં અફીણની ખેતીનો વિસ્તાર મધ્યપ્રદેશ અને રાજસ્થાન કરતા નાનો છે, પરંતુ તેનું મહત્વ ઘણું વધારે છે. અહીં ગાઝીપુર, બારાબંકી અને બરેલી જિલ્લામાં ખેતીની મંજૂરી છે. ગાઝીપુર વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે અહીં દુનિયાની સૌથી જૂની અફીણ ફેક્ટરીઓ પૈકીની એક આવેલી છે, જેની સ્થાપના બ્રિટિશ શાસન દરમિયાન કરવામાં આવી હતી. ઉત્તરપ્રદેશમાં આશરે 10,500 ખેડૂતો આ ખેતી કરે છે.
નવા વર્ષ માટે લાયસન્સમાં વધારો
આગામી પાક વર્ષ માટે સરકાર દ્વારા અંદાજે 1.21 લાખ ખેડૂતોને અફીણની ખેતી માટે લાયસન્સ આપવામાં આવે તેવી શક્યતા છે. ગત વર્ષની સરખામણીએ આ સંખ્યામાં 23% થી વધુનો વધારો જોવા મળી રહ્યો છે. જોકે, લાયસન્સ મેળવવા માટે ખેડૂતોએ સરકારના નિર્ધારિત કરેલા કડક માપદંડોનું પાલન કરવું અનિવાર્ય છે.
ભારતનું વૈશ્વિક સ્તરે ખાસ સ્થાન
અફીણના ઉત્પાદન બાબતે ભારત વિશ્વમાં અનોખું સ્થાન ધરાવે છે. United Nations ના કન્વેન્શન હેઠળ ભારત દુનિયાનો એકમાત્ર એવો દેશ છે જેને કાયદેસર રીતે 'અફીણ ગુંદર' (Opium Gum) પેદા કરવાની મંજૂરી મળી છે. ખેડૂતો દ્વારા તૈયાર કરવામાં આવેલો આ તમામ પાક માત્ર Central Bureau of Narcotics દ્વારા જ ખરીદવામાં આવે છે, જેથી તેનો દુરુપયોગ અટકાવી શકાય.





















