Operation Sindoor Parliament Discussion: સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે. સત્ર શરૂ થાય તે પહેલાં જ વિપક્ષ સરકાર પાસે આ બાબતે ચર્ચા કરાવવાની માંગ કરી રહ્યું છે. આ ચર્ચા ખુદ વડાપ્રધાનની હાજરીમાં થવી જોઈએ અને પીએમ મોદી પોતે જવાબ આપે. પ્રાપ્ત માહિતી અનુસાર, 29 જુલાઈએ સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થવાની શક્યતા છે. સરકારે બંને ગૃહોમાં ખાસ ચર્ચા માટે 16 કલાકનો સમય ફાળવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ આ મામલે સંસદમાં બોલી શકે છે. ANIના અહેવાલ મુજબ રાજ્યસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટી (BAC) બુધવારે મળી હતી. આ બેઠકમાં 29 જુલાઈએ ઉપલા ગૃહમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અને આ માટે 16 કલાકનો સમય આપવામાં આવ્યો છે.
વિપક્ષ માંગ કરે છે કે ઓપરેશન સિંદૂર પર ચર્ચા થાય ત્યારે વડાપ્રધાન ગૃહમાં હાજર રહે. તેમણે આ મુદ્દા પર ગૃહ અને રાષ્ટ્રને સંબોધિત કરવું જોઈએ. નોંધનીય છે કે ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થયો હતો.
આ પછી, અમેરિકન રાષ્ટ્રપતિ ઘણી વાર કહી ચૂક્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ બંધ કરાવી દીધું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આ મુદ્દા પર સતત સરકાર પર પ્રહારો કરી રહ્યા છે.






