28 માર્ચ 2025 ના રોજ મ્યાનમાર અને થાઈલેન્ડમાં આવેલા વિનાશક ભૂકંપ પછી ભારત સરકારે મ્યાનમારને સહાય પૂરી પાડવા માટે 'ઓપરેશન બ્રહ્મા' શરૂ કર્યું છે. મુખ્યાલય સંકલિત સંરક્ષણ સ્ટાફ, ભારતીય સેના, ભારતીય વાયુસેના અને NDRF સાથે મળીને HADR પ્રયાસોનું નેતૃત્વ વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતીય નૌકાદળે 29 માર્ચ 2025 ના રોજ માનવતાવાદી સહાયતા અને આપત્તિ રાહત (HADR) ના તાત્કાલિક પ્રતિસાદના ભાગ રૂપે સાતપુરા અને સાવિત્રી જહાજોને યંગોન માટે રવાના કર્યા છે. આ ઉપરાંત, આંદામાન અને નિકોબાર કમાન્ડમાંથી ભારતીય નૌકાદળના જહાજો કર્મુક અને એલસીયુ 52 પણ એચએડીઆર કામગીરીમાં મદદ કરવા માટે 30 માર્ચ 2025ના રોજ યંગોન માટે રવાના થશે.
આ જહાજો પર લગભગ 52 ટન રાહત સામગ્રીનું પરિવહન કરવામાં આવ્યું છે. જેમાં આવશ્યક કપડાં, પીવાનું પાણી, ખોરાક, દવાઓ અને કટોકટીની વસ્તુઓ ધરાવતી HADR પેલેટનો સમાવેશ થાય છે. આ પગલું આ ક્ષેત્રમાં 'પ્રથમ પ્રતિસાદકર્તા' રહેવાના ભારતીય નૌકાદળના સંકલ્પને દર્શાવે છે. મ્યાનમારમાં પ્રચંડ ભૂકંપના કારણે થયેલા મૃત્યુ અને વિનાશ વચ્ચે ભારતે શનિવારે 15 ટન રાહત સામગ્રી પહોંચાડી અને કટોકટી મિશન 'ઓપરેશન બ્રહ્મા' હેઠળ બચાવ ટીમો સાથે હવા અને સમુદ્ર દ્વારા વધુ પુરવઠો મોકલ્યો. ભારતે મ્યાનમાર માટે પોતાના બચાવ અભિયાનને 'ઓપરેશન બ્રહ્મા' નામ આપ્યું છે.
ભારતે લશ્કરી પરિવહન વિમાનમાં 15 ટન આવશ્યક રાહત સામગ્રીને યાંગોન માટે એરલિફ્ટ કર્યાના કલાકો પછી ભારતીય વાયુસેના (IAF) ના બે C130J વિમાનો આવ્યા. આ શ્રેણીમાં શનિવારે, 'ઓપરેશન બ્રહ્મા' હેઠળ, ભારતનું બીજું C-130 વિમાન મ્યાનમારની રાજધાની નાયપીદાવમાં ઉતર્યું. આ વિમાન દ્વારા 38 NDRF જવાનો અને 10 ટન રાહત સામગ્રી મોકલવામાં આવી છે. અત્યાર સુધીમાં 96.3 ટન ક્રિટિકલ સપ્લાય અને આર્મી મેડિકલ કોર્પ્સ અને NDRFના 198 કર્મચારીઓને ત્રણ C-130J અને બે C-17 એરક્રાફ્ટનો ઉપયોગ કરીને એરલિફ્ટ કરવામાં આવ્યા છે.






