'વન નેશન, વન ઈલેક્શન' બિલ આજે (17 ડિસેમ્બર) લોકસભામાં રજૂ કરવામાં આવશે. આ બિલ કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ રજૂ કરશે. આ દેશનું 129મું બંધારણ સંશોધન બિલ છે. પરંતુ આ વન નેશન, વન ઈલેક્શન બિલ શું તે તમને જાણવી દઈએ,
દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની જોગવાઈ સાથેનું બંધારણીય સુધારા બિલ એટલે વન નેશન, વન ઈલેક્શન બિલ જે હવે લોકસભામાં રજૂ કરવા માટે તૈયાર છે.
આ બિલને લઈને ભાજપ (BJP)અને કોંગ્રેસ વચ્ચે પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. જેને લઈને બન્ને પક્ષોએ પોતાના સાંસદોને વ્હીપ જાહેર કર્યા છે. આ સાથે જ શિવસેનાએ તમામ સાંસદોને લોકસભામાં ફરજિયાત હાજરી આપવા માટે વ્હીપ જાહેર કર્યો છે. જ્યારે વિપક્ષે પણ તમામ સાંસદોને હાજર રહેવા અંગેનો વ્હીપ જાહેર કર્યો છે, વિપક્ષ આ બિલને લઈને અનેક સવાલો ઉઠાવી રહ્યો છે પણ સત્તાપક્ષ આ બિલ દેશના હિતમાં હોવાનું જણાવી રહી છે.
હવે સરકાર આ બિલને JPCને મોકલવાની તૈયારીમાં
લોકસભામાં વન નેશન, વન ઈલેક્શન બિલ રજૂ કર્યા બાદ સરકાર તેને જેપીસીને મોકલવાની ભલામણ કરશે. બિલની રજૂઆત પછી, કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને આ બિલને વિગતવાર ચર્ચા માટે સંસદની સંયુક્ત સમિતિને મોકલવા વિનંતી કરશે.
આ બિલ રજૂ થયા બાદ શું છે આગળની પ્રક્રિયા?
સરકાર 'વન નેશન, વન ઈલેક્શન' બિલને જેપીસીને મોકલવાની તૈયારી કરી રહી છે. આ માટે જેપીસી કમિટી બનાવવામાં આવશે, જેમાં વિવિધ પક્ષોના સાંસદોની સંખ્યાના પ્રમાણમાં સભ્યોને સામેલ કરવામાં આવશે. જેપીસી તમામ પક્ષોના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરશે અને બિલ પર સૂચનો લેશે. આ પછી JPC પોતાનો રિપોર્ટ સ્પીકરને સોંપશે. જેપીસીની મંજૂરી બાદ બિલને સંસદમાં લાવવામાં આવશે. સંસદના બંને ગૃહો દ્વારા બિલ પાસ થયા બાદ તેને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મંજૂરી માટે મોકલવામાં આવશે અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ આ બિલ કાયદો બની જશે. આ કાયદો બન્યા બાદ દેશભરમાં એક સાથે ચૂંટણી કરાવી શકાશે.
કેબિનેટે 2 ડ્રાફ્ટ કાયદાઓને આપી મંજૂરી
12 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ બિલને મંજૂરી આપવામાં આવી હતી. કેબિનેટે બે કાયદાને મંજૂરી આપી હતી, જેમાંથી એક લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એકસાથે યોજવા અંગે બંધારણ સુધારણા બિલ છે, જ્યારે અન્ય બિલ વિધાનસભા ધરાવતા ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો માટે એકસાથે ચૂંટણી યોજવાના સંબંધમાં છે.
જનતાનો અભિપ્રાય લેવાની યોજના
આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બિલ પર જનતાનો પણ અભિપ્રાય લેવાની યોજના છે. આ ચર્ચા દરમિયાન બિલના મુખ્ય પાસાઓ, તેના ફાયદા અને દેશભરમાં એક સાથે ચૂંટણીઓ યોજવા માટે જરૂરી પદ્ધતિ અને ચૂંટણી વ્યવસ્થાપન પર ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથ સિંહ, અર્જુન રામ મેઘવાલ અને કિરેન રિજિજુને આ મુદ્દે વિરોધ પક્ષો સાથે વાતચીતની જવાબદારી માટે પસંદ કરવામાં આવ્યા છે.
લોકસભામાં હોબાળો થવાનો ડર
'વન નેશન, વન ઈલેક્શન' બિલની રજૂઆત પહેલા કોંગ્રેસે વ્હીપ જાહેર કરીને તમામ સાંસદોને સંસદમાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યા છે. આ સાથે આજે ઈમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે. નોંધનીય છે કે, વિપક્ષ સતત 'વન નેશન, વન ઈલેક્શન'નો વિરોધ કરી રહ્યો છે. આ જોતાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે લોકસભાની કાર્યવાહીમાં હોબાળો થવાની શક્યા છે.






