Home Gujarat On The Second Death Anniversary Of The Harni Boat Incident

હરણી બોટકાંડની દ્વિતીય પુણ્યતિથિએ ફરી ઉઠી ન્યાયની માંગ : 12 બાળકો અને 2 શિક્ષિકાને શ્રદ્ધાંજલિ

હરણી બોટકાંડની દ્વિતીય પુણ્યતિથિએ ફરી ઉઠી ન્યાયની માંગ
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2026, 10:10 AM IST

વડોદરાના ઇતિહાસમાં કાળી રાત સમાન હરણી બોટકાંડને આજે બે વર્ષ પૂર્ણ થયા છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 12 નિર્દોષ બાળકો અને 2 શિક્ષિકાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિએ પ્રાજ્ઞ ચક્ષુ એસોસિએશન દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. હરણી લેક ઝોનના મેઇન ગેટ પાસે આયોજિત આ કાર્યક્રમમાં પીડિત પરિવારો સાથે આશિષ જોષી અને કરણી સેનાના મહેન્દ્રસિંહ રાઠોડ સહિત અનેક નાગરિકો હાજર રહ્યા હતા.

18 જાન્યુઆરીની મોડી સાંજે બનેલી આ દુર્ઘટનાને બે વર્ષ વીતી ગયા હોવા છતાં આજે પણ ન્યાય મળ્યો નથી, તેવો આક્રોશ પીડિત પરિવારો અને વડોદરાવાસીઓમાં જોવા મળ્યો. સરકાર SIT રચી 15 દિવસમાં અહેવાલ આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ બે વર્ષ બાદ પણ એ અહેવાલ જાહેર થયો નથી. ગુજરાત સરકારના વચનો પર સવાલ ઊભા થયા છે.

આરોપ છે કે PPP મોડેલ હેઠળ હરણી લેક ઝોન સંભાળનાર કોટિયા પ્રોજેક્ટના ભાગીદારો પર પોલીસ અને તંત્ર નરમ વલણ દાખવી રહ્યું છે. લાંબી કાનૂની લડત બાદ વળતર મળ્યું, પરંતુ માત્ર 25 ટકા જ ચૂકવાયું છે અને બાકી 75 ટકા માટે કોઈ સમયમર્યાદા નક્કી કરાઈ નથી. બીજી તરફ, આરોપીઓ સરકારી કાર્યક્રમોમાં હાજરી આપતા હોવાના દાવાઓ પણ કરવામાં આવ્યા.

પીડિત પરિવારોનો આક્ષેપ છે કે જ્યારે પણ કોઈ મોટા નેતા વડોદરા આવે ત્યારે તેમને પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવે છે, જ્યારે બોટકાંડના મુખ્ય આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. આ સમગ્ર મામલે શાળા સંચાલકો અને જવાબદાર અધિકારીઓ સામે કોઈ કડક કાર્યવાહી ન થતાં તંત્રની ભૂમિકા પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

બે વર્ષ બાદ પણ ન્યાય ન મળતાં હરણી બોટકાંડ આજે પણ વડોદરાના અંતરમાં એક ઘા બનીને રહી ગઈ છે. પીડિત પરિવારો અને નાગરિકોએ ફરી એકવાર દોષિતોને સજા અને પૂર્ણ વળતરની માંગ દોહરાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now