રાજ્યમાં અવારનવાર અંધશ્રદ્ધાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાલમાં પણ એક આવી જ ઘટના સામે આવી છે. વસ્ત્રાલમાં પરિવાર રહેતા વેપારીની દીકરીને ઘણા લાંબા સમયથી શ્વાસ લેવામાં અને પેટમાં દુ:ખાવાની તકલીફ રહેતી હતી. પરિવાર અંધશ્રદ્ધામાં ડૂબેલો હોવાથી ગોતાના ભુવાજીના ચક્કરમાં ફસાયા અને ભુવાએ વિધિ કરવાના બહાને કુલ રૂ.5.90 લાખના દાગીનાની લઈને લીંબુ અને પથ્થરથી ભરેલી પોટલી આપીને ફરાર થઇ ગયો હતો. આ અંગે વેપારીએ રામોલ પોલીસ સ્ટેશનમાં ભુવા સામે ફરિયાદ નોધાવી છે.
મૂળ સુરેન્દ્રનગરના અને હાલ વસ્ત્રાલમાં રહેતા 49 વર્ષીય નંદલાલ પટેલ રામોલમાં પ્લાસ્ટિકની ફેક્ટરી ધરાવી ધંધો કરે છે. તેમની પુત્રી અંકિતાને શ્વાસ લેવામાં અને પેટમાં દુઃખાવાની તકલીફ ઘણાં લાંબા સમયથી રહેતી હતી. અનેક દવા કરાવી પરંતુ કોઈ ઈલાજ સફળ નીવડતો નહોતો. તેથી જમાઈના મિત્રે ગોતામાં વંદેમાતરમ પ્રાઈમમાં રહેતા ભુવા ચંદ્રકાંત પંચાલ ઉર્ફે બાપજી સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ ભુવાએ વિધિ કરવી પડશે તેમ કહ્યું હતું.
ગત માર્ચ મહિનામાં ભુવાજીએ નંદલાલ ભાઈની દીકરીની સાસરીમાં વિધિ કરી અને જામીન તરીકે સોનાના દાગીનાની પોટલી બંધાવી હતી. ત્યારબાદ એપ્રિલ મહિનામાં નંદલાલ ભાઈના ઘરે અને ગામડે જઈને વિધી કરી ત્યારે પણ સોનાના દાગીના જામીન તરીકે મુકવીને તેની પોટલી વાળીને રૂમના દરવાજા બંધાવી હતી. બાદમાં ઠગ ભુવાજીએ બંને પોટલીઓ લઈને ચાંદલોડિયા તળાવ પાસે નંદલાલ ભાઈ અને તેમના જમાઈને બોલાવ્યા અને સ્મશાનમાં વિધિ કરવા જાઉં છું કહીને રૂ.5.90 લાખના દાગીનાથી ભરેલી બંને પોટલીઓ લઈને ભુવાજી સ્મશાનમાં ગયા અને થોડીવાર બાદ પરત આવીને નંદલાલ ભાઈ અને તેમના જમાઈને પોટલીઓ આપી દીધી અને આ પોટલીઓ બારી પર બાંધીને રાખજો, જો ખુલી જશે અથવા ખોલશો તો દુઃખ વધી જશે અને 37 દિવસ બાદ મને ફોન કર્યા બાદ આ પોટલીઓ ખોલજો તેમ જણાવ્યું હતું.
અંધશ્રધામાં ગળાડૂબ સસરા અને જમાઈએ ભુવાજીની વાત માનીને પોટલીઓ ખોલી નહોતી. પરંતુ નંદલાલના જમાઈ મિતેષના ઘાટલોડીયાના મકાનમાં જે પોટલી બાંધી હતી. તે અચાનક નીચે પડી જતા તેમાંથી પથ્થરા અને લીંબુ નીકળ્યા હતા. એટલે જમાઈ સસરાને ફોન કરીને જાણ કરતા નંદલાલે પોટલી ખોલીને જોતા તેમાંથી પણ પથ્થરા અને લીંબુ નીકળ્યા હતા. ત્યારબાદ મિતેષભાઈએ ભુવાજીને ફોન કરતા નંબર બંધ આવતો હતો. બાદમાં જાણ થઇ કે ભુવાની માંડલ પોલીસે ધરપકડ કરી છે. આ અંગે નંદલાલભાઈએ રૂ.5.90 લાખના દાગીના ભુવાજી લઇ ગયા હોવાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
વધુમાં આરોપી ચંદ્રકાંત પંચાલે સામે રામોલ,સોલા, ઘાટલોડીયા પણ ગુના દાખલ થયેલા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે રામોલ પોલીસ આરોપીની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવાની પ્રક્રિયા હાથધરી છે.
ચૂંટણી પહેલા પોલીસ એક્શન મોડમાં: DGP ડૉ. કે.એલ.એન. રાવની ઉચ્ચ સ્તરીય બેઠક, અસામાજિક તત્વો સામે 'પાસા' લગાવવા આદેશ






