Home Gujarat Offbeat Storiesgujarati News Vadodara Manjalpur Kandari Visa Scam Fraud Vadodara Police

વિદેશ અભ્યાસના સપનામાં પડોશી એજન્ટે જ વેપારીને લૂંટ્યો : 7.75 લાખની ઠગાઈ, માંજલપુર પોલીસમાં ગુનો નોંધાયો

વિદેશ અભ્યાસના સપનામાં પડોશી એજન્ટે જ વેપારીને લૂંટ્યો
Published by: OBS Bureau
Last Updated: Jan 18, 2026, 10:20 AM IST

વડોદરા જિલ્લાના માંજલપુર વિસ્તારમાં વિદેશ અભ્યાસના સપના બતાવી એક વેપારી સાથે મોટી ઠગાઈ થવાની ઘટના સામે આવી છે. કંડારી ગામના એક ગૃહઉદ્યોગ ચલાવતા વેપારી પાસેથી તેમના પુત્ર અને ભાણેજને વિદેશ મોકલવાના બહાને પડોશમાં રહેતા એજન્ટે કુલ રૂ. 7.75 લાખ પડાવી લીધા હતા. લાંબા સમય સુધી વીઝા કે વર્ક પરમિટ ન મળતા અને રૂપિયા પરત ન આપતા અંતે વેપારીએ પોલીસનો દરવાજો ખખડાવ્યો છે.

ફરિયાદી અમિત સુરેશ પટેલ હાલ માંજલપુર વિસ્તારમાં રહે છે અને મૂળ કંડારી ગામે ગૃહઉદ્યોગ ચલાવે છે. તેમણે તેમના પુત્ર હેત પટેલ અને ભાણેજ હેત લોમેશ પટેલને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલવાનું નક્કી કર્યું હતું. કંડારી ગામમાં પાડોશમાં રહેતા અને વિદેશી વીઝા બનાવવાનું કામ કરતા મિલીન પટેલ સાથે પરિવાર જેવા સંબંધો હોવાથી તેમણે વિશ્વાસ રાખીને સંપર્ક કર્યો હતો.

એજન્ટે શરૂઆતમાં ફ્રાન્સના પેરિસ માટે સ્ટુડન્ટ વિઝા બનાવી આપવાની ખાતરી આપી અને પ્રોસેસ શરૂ કરવા માટે રૂ. 25 હજાર રોકડા લીધા હતા. બાદમાં યુવકોના માર્ક્સ ઓછા હોવાનું કહી ફ્રાન્સનો વિઝા શક્ય ન હોવાનું જણાવ્યું અને તેના બદલે પોલેન્ડ માટે વર્ક પરમિટ વીઝાની ઓફર કરી. એક વ્યક્તિ દીઠ રૂ. 7.50 લાખ ખર્ચ થશે તેમ કહી બંને યુવકો માટે કુલ રૂ. 15 લાખની વાત કરવામાં આવી.

વિશ્વાસ રાખીને 16 જુલાઈ 2025ના રોજ વેપારીએ 50 ટકા પેમેન્ટ તરીકે રૂ. 7.50 લાખ બેંક ઓફ બરોડા મારફતે ચેક દ્વારા એજન્ટના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં વોટ્સએપ પર પોલેન્ડ વર્ક પરમિટના દસ્તાવેજો મોકલવામાં આવ્યા, પરંતુ તપાસ કરતા તે પ્રોસેસ અધૂરી અને શંકાસ્પદ હોવાનું જણાયું હતું.

આથી વેપારીએ વિદેશ જવાનો નિર્ણય કેન્સલ કરી રૂપિયા પરત માગ્યા. ત્યારે એજન્ટે 7 ઓક્ટોબર 2025 ના રોજ પોતાની પત્ની પ્રિયંકા મિલીન પટેલના જોઈન્ટ એકાઉન્ટનો રૂ. 7.75 લાખનો ચેક આપ્યો હતો. જોકે 5 નવેમ્બર 2025 ના રોજ ચેક બેંકમાં બાઉન્સ થયો. બેંકમાં તપાસ કરતા ખુલ્યું કે ડભોઈ પોલીસ દ્વારા લીગલ નોટિસ આપવાથી આ એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યું છે.

ફરિયાદીનું કહેવું છે કે અનેક વખત માંગ છતાં ન તો રૂપિયા પરત મળ્યા છે, ન તો કોઈ વીઝા કે વર્ક પરમિટનું કામ કરી આપવામાં આવ્યું છે. અંતે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ઠગ એજન્ટ સામે ગુનો નોંધાઈ તપાસ શરૂ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now