Nitish Kumar Program Bee Attack: બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારના ભીમરાવ આંબેડકર જન્મજયંતિના કાર્યક્રમમાં અચાનક મધમાખીઓના ઝુંડે હુમલો કરતાં સ્થળ પર હાહાકાર મચી ગયો હતો. અનેક અધિકારીઓને મધમાખીઓએ ડંખ માર્યા, જેના કારણે લોકો તેમની બેઠકો છોડીને દોડવા લાગ્યા. કેટલાક અધિકારીઓ એક થાંભલાથી બીજી તરફ ભાગતા જોવા મળ્યા, જ્યારે કેટલાકે છત્રીઓનો આશરો લઈને નીતિશ કુમારને બચાવવાનો પ્રયાસ કર્યો.
સુરક્ષા કર્મચારીઓએ મુશ્કેલીથી મુખ્યમંત્રીને ઘટનાસ્થળેથી સુરક્ષિત બહાર કાઢ્યા. મધમાખીઓના આ અણધાર્યા હુમલાથી કાર્યક્રમ તાત્કાલિક રદ કરવો પડ્યો હતો. ઘણા અધિકારીઓ ડંખના કારણે ઘાયલ થયા અને સ્ટેજ પર ગભરાટનું વાતાવરણ છવાઈ ગયું હતું.
આ પણ વાંચો: નોઈડા હિંસા કેસમાં મોટો ખુલાસો : રાતોરાત ઘડાયો વોટ્સએપ ગ્રુપથી ઉશ્કેરણીનો પ્લાન! જાણો કેવી રીતે ખૂલી પોલ
મુખ્યમંત્રી પદેથી રાજીનામું
આ ઘટના એવા સમયે બની છે જ્યારે નીતીશ કુમાર આજે બિહારના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાના છે. તેઓ ગયા અઠવાડિયે રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લઈ ચૂક્યા છે અને અંતિમ કેબિનેટ બેઠક પછી રાજીનામું આપશે તેવી અપેક્ષા છે. આનાથી બિહારમાં ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ હેઠળ નવી સરકારની રચનાનો માર્ગ મોકળો થશે અને રાજ્યમાં એક નવા રાજકીય યુગની શરૂઆત થવાની સંભાવના છે. આ વિચિત્ર અને વાઇરલ થવા જેવી ઘટનાએ રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બનાવી દીધો છે.






