Home International Nicholas Maduro Detained In Notorious Us Jail Mdc Brooklyn

અમેરિકાની સૌથી ભયાનક જેલમાં કેદ થયા નિકોલસ માદુરો : જાણો કેમ આ જેલના નામથી ધ્રુજે છે ગુનેગારો

અમેરિકાની સૌથી ભયાનક જેલમાં કેદ થયા નિકોલસ માદુરો
Published by: OBS Bureau
Last Updated: Jan 04, 2026, 03:45 PM IST

વેનેઝુએલાના રાજકારણમાં આવેલા ભૂકંપ અને અમેરિકાની સૈન્ય કાર્યવાહીએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકી દળો દ્વારા ધરપકડ કરાયેલા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને હવે ન્યૂયોર્કની સૌથી વિવાદિત અને ડરામણી જેલમાં રાખવામાં આવ્યા છે. હિંસા, અતિશય ભીડ અને અંધકાર માટે બદનામ આ જેલમાં માદુરોની અટકાયત એ માત્ર કેદ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાનો એક કડક સંદેશ પણ છે.

હથકડી સાથે ન્યૂયોર્ક પહોંચ્યા માદુરો

અમેરિકી સૈન્ય ઓપરેશન દરમિયાન રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની અટકાયત કરવામાં આવી હતી. શનિવારે જ્યારે માદુરોનું વિમાન ન્યૂયોર્કના સ્ટીવર્ટ એર નેશનલ ગાર્ડ બેઝ પર ઉતર્યું ત્યારે તેમના હાથમાં હથકડી લાગેલી હતી. સોશિયલ મીડિયા પર સામે આવેલા વિડીયોમાં તેઓ સ્મિત સાથે DEA અધિકારીઓ સાથે ફેસિલિટીમાં પ્રવેશતા જોવા મળ્યા હતા. માદુરોએ પોતાના સાથીઓને ‘ગુડ નાઈટ, હેપ્પી ન્યૂ યર’ કહીને હોલમાં ડગ માંડ્યા હતા. તેમને કારાકાસના મિલિટ્રી બેઝથી પકડવામાં આવ્યા હતા અને હવે તેમનું નવું સરનામું મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટર (MDC) બન્યું છે.

મેટ્રોપોલિટન ડિટેન્શન સેન્ટરની બદનામીનું કારણ

ન્યૂયોર્ક સ્થિત MDC એક ફેડરલ જેલ છે, જેની સ્થાપના 1990 ના દાયકામાં કરવામાં આવી હતી. આ જેલ તેની ગંદકી, સ્ટાફની અછત અને કેદીઓ સાથે થતી હિંસા માટે કુખ્યાત છે. અહીં અનેક હાઈ-પ્રોફાઈલ ગુનેગારો રહી ચૂક્યા છે, જેમાં સિંગર આર. કેલી અને કુખ્યાત ડ્રગ કાર્ટેલ લીડર ઈસ્માઈલ 'એલ મેયો' ઝામ્બાડા ગાર્સિયાનો સમાવેશ થાય છે.

હિંસા અને નરક જેવી સ્થિતિ

MDC માં કેદીઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષની ઘટનાઓ સામાન્ય છે. વર્ષ 2024 માં અહીં ટૂંકા ગાળામાં બે કેદીઓની હત્યાના સમાચાર સામે આવ્યા હતા. જેલની સુરક્ષા વ્યવસ્થા એટલી નબળી છે કે અહીં છાશવારે છરીબાજી જેવી ઘટનાઓ બનતી રહે છે. 2019 માં એક અઠવાડિયા સુધી વીજળી ગુલ થઈ જતાં કેદીઓએ કાતિલ ઠંડી અને અંધારામાં દિવસો પસાર કર્યા હતા, જે બાદ ન્યાય વિભાગે કેદીઓને સેટલમેન્ટ પેટે મોટી રકમ ચૂકવવી પડી હતી. માદુરો માટે આ જેલમાં રહેવું એ શારીરિક અને માનસિક રીતે મોટો પડકાર સાબિત થશે.

કાયદાકીય ગાળિયો કસાશે

ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં માદુરોને રજૂ કરવામાં આવશે. તેમની સામે ડ્રગ્સની હેરાફેરી અને નાણાકીય ગુનાઓ જેવા ગંભીર આરોપો હેઠળ કેસ ચલાવવામાં આવી શકે છે. અમેરિકી મીડિયાના મતે, માદુરોની આ પ્રકારે અટકાયત કરીને અમેરિકાએ દુનિયાને બતાવ્યું છે કે તે આંતરરાષ્ટ્રીય ગુનાઓ સામે કેટલી કડક નીતિ ધરાવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now