NeVA APP Training for Newly Appointed Ministers: ગુજરાત વિધાનસભાએ ટેક્નોલોજીના માધ્યમથી પેપરલેસ અને ડિજિટલ કાર્યપ્રણાલીને વેગ આપ્યો છે. આ દિશામાં મહત્વનું પગલું ભરતાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીની અધ્યક્ષતામાં નવનિયુક્ત કેબિનેટ અને રાજ્યકક્ષા મંત્રીઓને ‘નેવા’ (નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન)ની વિગતવાર તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ વિધાનસભાના નેવા સેવા કેન્દ્ર ખાતે યોજાઈ હતી, જેનાથી નવા મંત્રીઓની કામગીરી વધુ કાર્યક્ષમ અને સરળ બનશે.

તાલીમનું આયોજન અને તેનો ઉદ્દેશ્ય
આજે યોજાયેલી આ તાલીમમાં નવનિયુક્ત મંત્રીઓને નેશનલ ઈ-વિધાન એપ્લિકેશન (નેવા)ના વિવિધ મોડ્યુલ્સ અને તેના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ગુજરાત હંમેશા ટેક્નોલોજીનો સફળતાપૂર્વક ઉપયોગ કરતું રાજ્ય રહ્યું છે. વિધાનસભાનું તમામ કામકાજ ઓનલાઈન થઈ રહ્યું છે. નવા મંત્રીઓને આ એપ્લિકેશનનો સારો ઉપયોગ કરવા માટે તાલીમ આપવામાં આવી છે, જેથી તેઓ વિધાનસભાની કામગીરીને વધુ સરળ અને પારદર્શક બનાવી શકે.

‘વન નેશન વન એપ્લિકેશન’ની કલ્પના
આ તાલીમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘વન નેશન વન એપ્લિકેશન’ની કલ્પના અનુરૂપ છે. ગુજરાત વિધાનસભા છેલ્લા ત્રણ વર્ષથી પેપરલેસ દિશામાં મક્કમ પગલાં ભરી રહી છે. 2023માં મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુજરાત વિધાનસભામાં નેવાનું ઉદ્ઘાટન કર્યું હતું, જેનાથી વિધાનસભા સંપૂર્ણ ડિજિટલ બની છે. આગામી 15મી વિધાનસભાના આઠમા સત્રમાં નવનિયુક્ત મંત્રીઓ નેવા એપ્લિકેશન દ્વારા પોતાના જવાબો પેપરલેસ રીતે આપી શકશે. અધ્યક્ષએ વધુમાં સુચન કર્યું હતું કે, પ્રશ્નોના જવાબ શક્ય એટલા ઓછા શબ્દોમાં અને સ્પષ્ટ રીતે આપવા.

તાલીમમાં શું શીખવવામાં આવ્યું?
તાલીમ દરમિયાન મંત્રીઓએ નેવા એપ્લિકેશન દ્વારા થતી વિવિધ કામગીરી જેમ કે એલ.એ.ક્યુ (લેજિસ્લેટિવ એસેમ્બલી ક્વેશ્ચન્સ), વિધાનસભા કાર્યવાહી, કમિટી રિપોર્ટ્સ અને અન્ય પ્રક્રિયાઓ વિશે બારીકાઈથી માહિતી મેળવી. એપ્લિકેશનના માધ્યમથી ડોક્યુમેન્ટ્સ ઍક્સેસ કરવા, જવાબ તૈયાર કરવા અને કાર્યવાહીને ડિજિટલ રાખવાની પદ્ધતિ સમજાવવામાં આવી.
આ તાલીમમાં ઉપસ્થિત મંત્રીઓ અને અધિકારીઓ
આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુ દેસાઈ, કુંવરજી બાવળિયા, નરેશ પટેલ, અર્જુન મોઢવાડિયા, પ્રદ્યુમન વાજા, રમણ સોલંકી તથા રાજ્યકક્ષા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, ડૉ. મનીષા વકીલ, રમેશ કટારા, દર્શના વાઘેલા, ડૉ. જયરામ ગામીત, ત્રિકમ છાંગા, શ્રી કમલેશ પટેલ, પૂનમચંદ બરંડા, શ્રી સ્વરૂપજી ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાના સચિવ ચેતન પંડ્યા અને અન્ય અધિકારીઓ-કર્મચારીઓ પણ હાજર રહ્યા.આ તાલીમ ગુજરાત વિધાનસભાને સંપૂર્ણ ડિજિટલ અને પારદર્શક બનાવવાના પ્રયાસોને વેગ આપશે.




















