Home Gujarat New Dgp Issues Stern Warning As Soon As He Takes Charge Action Plan Cyber Crime Drugs

ડ્રગ્સ, સાયબર ક્રાઇમ અને ગેરકાયદે ઘૂસણખોરી સામે થશે કડક કાર્યવાહી : ચાર્જ સંભાળતા જ નવા DGPની કડક ચેતવણી

GS Malik,DGP
Play Video
Published by: Nirali Gohil
Last Updated: Jun 08, 2026, 09:00 AM IST

ગુજરાતના નવા પોલીસ મહાનિર્દેશક (DGP) તરીકે જવાબદારી સંભાળ્યા બાદ જી.એસ. મલિકે રાજ્યની કાયદો-વ્યવસ્થા, સાયબર ક્રાઇમ, ડ્રગ્સના દૂષણ અને ગેરકાયદે ઘૂસણખોરી જેવા મુદ્દાઓને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા માટે પોલીસ વિભાગ અનેક નવા પગલાં ભરશે. સાથે જ સામાન્ય નાગરિકોને ઝડપી ન્યાય મળે અને ગુનેગારોમાં કાયદાનો ભય ઉભો થાય તે માટે વિશેષ આયોજન કરવામાં આવશે. ગાંધીનગરમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન જી.એસ. મલિકે સરકાર, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે તેમને સોંપવામાં આવેલી આ જવાબદારીને તેઓ સંપૂર્ણ નિષ્ઠા અને પારદર્શિતા સાથે નિભાવશે. તેમણે કહ્યું કે પોલીસનું મુખ્ય કાર્ય માત્ર ગુનેગારોને પકડવાનું નથી, પરંતુ ગુનાઓને બનતા અટકાવવાનું અને સમાજમાં સુરક્ષાની ભાવના મજબૂત બનાવવાનું પણ છે.

CCTV નેટવર્કથી ગુનાઓ પર નિયંત્રણનો પ્રયાસ

નવા DGPએ જણાવ્યું કે અમદાવાદ શહેરમાં હાલમાં 24 હજારથી વધુ CCTV કેમેરા કાર્યરત છે, જેના કારણે ગુનાઓ શોધવામાં અને આરોપીઓને ઝડપવામાં મોટી મદદ મળી રહી છે. હવે આ મોડેલને સમગ્ર રાજ્યમાં વધુ વિસ્તૃત કરવાની યોજના છે. તેમણે કહ્યું કે, લોકભાગીદારીના સહયોગથી વધુ CCTV કેમેરા લગાવવામાં આવશે. ટેક્નોલોજીના ઉપયોગથી ગુનાઓ રોકવામાં અને ગુનેગારો સુધી ઝડપથી પહોંચવામાં મદદ મળશે. CCTV આધારિત સર્વેલન્સ સિસ્ટમ ભવિષ્યમાં કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવશે.

દરેક જિલ્લામાં નાગરિકોને સ્થાનિક સ્તરે ન્યાય મળે તેવો પ્રયાસ

જી.એસ. મલિકે જણાવ્યું કે રાજ્યના નાગરિકોને પોતાની ફરિયાદો માટે ગાંધીનગર સુધી ધક્કા ખાવા ન પડે તે માટે જિલ્લા અને તાલુકા સ્તરે પોલીસ વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવામાં આવશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, અરજદારોને પોતાના વિસ્તારના પોલીસ મથકે જ ઝડપી અને સંતોષકારક ન્યાય મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. પોલીસ અને પ્રજા વચ્ચેનો વિશ્વાસ વધારવો પણ તેમની પ્રાથમિકતાઓમાં સામેલ રહેશે.

આ પણ વાંચો: રાજ્યસભા ચૂંટણીને લઈને ભાજપની તૈયારીઓ તેજ: આજે ગાંધીનગરમાં ચારેય ઉમેદવારો ભરશે ઉમેદવારી ફોર્મ

ડ્રગ્સ અને સાયબર ક્રાઇમ સામે વિશેષ અભિયાન

રાજ્યના નવા પોલીસ વડાએ ડ્રગ્સના વધતા જોખમને ગંભીર મુદ્દો ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે યુવાનોને નશાની લતથી બચાવવા માટે ડ્રગ્સ માફિયાઓ સામે વધુ આક્રમક કાર્યવાહી કરવામાં આવશે. સાયબર ક્રાઇમ અંગે તેમણે કહ્યું કે ડિજિટલ યુગમાં આ સૌથી મોટો પડકાર બની રહ્યો છે. સાયબર ગુનાઓના કેસોમાં ઝડપથી તપાસ પૂર્ણ થાય અને પીડિતોને સમયસર ન્યાય મળે તે માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. સાથે જ ડિજિટલ પુરાવાઓના સંરક્ષણ અને તપાસની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવામાં આવશે.

રથયાત્રા અને કાયદો-વ્યવસ્થા પર ખાસ ધ્યાન

જી.એસ. મલિકે સ્વીકાર્યું કે અમદાવાદની રથયાત્રા પોલીસ માટે એક મોટી જવાબદારી અને પડકાર છે. તેમણે જણાવ્યું કે રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે તૈયારીઓ પહેલેથી જ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે ઉમેર્યું કે, કાયદો હાથમાં લેનારા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય નાગરિકોએ ડરવાની જરૂર નથી, પરંતુ ગુનેગારોને પોલીસનો ભય હોવો જ જોઈએ.

આ પણ વાંચો: ગુજરાત સરહદની સુરક્ષામાં વધારો: 16 ગામોમાં 8 IPS અધિકારીઓ કરશે રાત્રિ રોકાણ

‘મિશન ફિટ ખાખી’ હવે સમગ્ર રાજ્યમાં

પોલીસ કર્મચારીઓના સ્વાસ્થ્ય અને કાર્યક્ષમતા વધારવા માટે શરૂ કરાયેલા ‘મિશન ફિટ ખાખી’ કાર્યક્રમને હવે સમગ્ર રાજ્યમાં લાગુ કરવામાં આવશે. જી.એસ. મલિકે જણાવ્યું કે પોલીસ જવાનોને શારીરિક અને માનસિક રીતે વધુ મજબૂત બનાવવા માટે યોગ, કસરત અને યોગ્ય આહાર અંગે માર્ગદર્શન આપવામાં આવશે. પોલીસ કર્મચારીઓને હેલ્ધી ડાયટ ચાર્ટ આપવામાં આવશે અને તેમની તંદુરસ્તી માટે વિશેષ આયોજન કરવામાં આવશે, જેથી તેઓ વધુ કાર્યક્ષમ રીતે પોતાની ફરજો બજાવી શકે.

ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે ઓપરેશન ચાલુ રહેશે

નવા DGPએ રાજ્યમાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે ચાલી રહેલી કાર્યવાહી અંગે પણ મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે તાજેતરમાં હાથ ધરાયેલા ‘ડેલ્ટા હન્ટ’ ઓપરેશનમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાંથી અનેક ગેરકાયદે બાંગ્લાદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આવા લોકો સામે કાર્યવાહી સતત ચાલુ રહેશે. ગેરકાયદે રીતે રાજ્યમાં રહેતા લોકોની ઓળખ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ટ્રાફિક વ્યવસ્થામાં સુધારાના પ્રયાસો

ટ્રાફિક મુદ્દે વાત કરતાં જી.એસ. મલિકે જણાવ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં પોલીસ દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનોના કારણે અમદાવાદમાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો નોંધાયો છે. ભવિષ્યમાં પણ ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, અમદાવાદ શહેરને ગત વર્ષે એક આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સુરક્ષિત શહેર તરીકે માન્યતા આપી હતી, જે પોલીસ અને નાગરિકોના સંયુક્ત પ્રયાસોનું પરિણામ છે.


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now

બાગેશ્વરના દરબારમાં 'નકલી પ્રેત' બનેલી મહિલાને પત્રકારે ઝીંક્યાં લાફાં: રાજકોટમાં "ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચમત્કાર બતાવવા પ્રેત બોલાવવાનું નાટક ઉભું કર્યું" બાબાએ કહ્યું; મીડિયામાં વીડિયો ના ચલાવતા

બાગેશ્વરના દરબારમાં 'નકલી પ્રેત' બનેલી મહિલાને પત્રકારે ઝીંક્યાં લાફાં