Rajya Sabha Election Gujarat 2026: ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે આજે ગાંધીનગરમાં ઉમેદવારી પ્રક્રિયાનો મહત્વપૂર્ણ તબક્કો શરૂ થવા જઈ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા જાહેર કરાયેલા ચારેય ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવી દીધી છે. મહત્વનું છે કે, ઉમેદવારી નોંધાવતા પહેલા પક્ષ દ્વારા ગાંધીનગરમાં મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશના અગ્રણી નેતાઓ, મંત્રીઓ અને ધારાસભ્યો હાજરી આપશે. રાજકીય વર્તુળોમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને ખાસ રસ જોવા મળી રહ્યો છે. ભાજપે આ ચૂંટણી માટે ચાર ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ હવે ઉમેદવારી પ્રક્રિયા શરૂ થઈ રહી છે. પક્ષ દ્વારા ચૂંટણીને લઈને વ્યૂહરચના અને સંકલન માટે બેઠક પણ યોજવામાં આવી રહી છે.
વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે ઉમેદવારો
મળતી માહિતી અનુસાર, ભાજપના ચારેય ઉમેદવારોએ શુભ મુહૂર્તમાં પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ઉમેદવારી નોંધાવતા પહેલા પક્ષના ધારાસભ્યો સાથે બેઠક યોજાશે, જેમાં ચૂંટણી સંબંધિત જરૂરી માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવશે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોમાં રાજુ શુક્લા, માનસિંહ પરમાર, જીતેન્દ્ર કણઝારિયા અને મુકેશ રાઠવાનું નામ સામેલ છે. ચારેય ઉમેદવારોએ આજે સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે.
આ પણ વાંચો: ગુજરાત સરહદની સુરક્ષામાં વધારો: 16 ગામોમાં 8 IPS અધિકારીઓ કરશે રાત્રિ રોકાણ
પ્રદેશ ભાજપની બેઠકમાં અગ્રણી નેતાઓ રહેશે હાજર
ઉમેદવારી પ્રક્રિયા પહેલા ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ દ્વારા મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ, રાજ્ય સરકારના મંત્રીઓ, ધારાસભ્યો તેમજ અન્ય અગ્રણીઓ હાજરી આપશે. સૂત્રોના જણાવ્યા મુજબ, બેઠકમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને પક્ષની રણનીતિ, સંકલન અને અન્ય મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારો શુભ મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે રવાના થશે.
રાજ્યસભા ચૂંટણી પર સૌની નજર
ગુજરાતની રાજ્યસભા ચૂંટણીને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉમેદવારી પ્રક્રિયા શરૂ થતાં હવે આગામી દિવસોમાં ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બનવાની શક્યતા છે. ભાજપે ચારેય ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ પક્ષમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આજે ઉમેદવારી નોંધાયા બાદ રાજ્યસભા ચૂંટણીની પ્રક્રિયા વધુ ગતિ પકડશે.






