Home Gujarat Rajkot Rajkot Bageshwar Dham Preta Prayog Controversy Analysis

બાગેશ્વરના દરબારમાં 'નકલી પ્રેત' બનેલી મહિલાને પત્રકારે ઝીંક્યાં લાફાં : રાજકોટમાં "ધીરેન્દ્ર શાસ્ત્રીએ ચમત્કાર બતાવવા પ્રેત બોલાવવાનું નાટક ઉભું કર્યું" બાબાએ કહ્યું; મીડિયામાં વીડિયો ના ચલાવતા

રાજકોટમાં બાગેશ્વર દરબારમાં શું થયું?
Published by: Bhadreshkumar Mistry
Last Updated: Jun 08, 2026, 08:24 AM IST

Offbeat Exclusive: ધીરેન્દ્ર શાસ્ત્રીના રાજકોટ કાર્યક્રમ દરમિયાન બનેલી ઘટનાએ ચમત્કાર, શ્રદ્ધા, અંધશ્રદ્ધા અંગે નવી ચર્ચા જગાવી. પત્રકાર અને 'પ્રેત' બનેલી મહિલા વચ્ચે થયેલી મારામારીના વાયરલ વીડિયો વચ્ચે અનેક દાવા-પ્રતિદાવા સામે આવ્યા. અમારો આશય કોઈની પણ ધાર્મિક લાગણી કે આસ્થાને ઠેસ પહોંચાડવાનો નથી. પણ જે બન્યું છે એ સાચી અને સચોટ રીતે સમારા સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે. રાજકોટમાં યોજાયેલા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ દરમિયાન બનેલી એક ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા જગાવી છે. કાર્યક્રમના અંતિમ તબક્કામાં કથિત ‘પ્રેત પ્રયોગ’ અને ત્યારબાદ એક મહિલાના વર્તનને લઈને સર્જાયેલા વિવાદે માત્ર ધાર્મિક કાર્યક્રમની મર્યાદાઓ જ નહીં, પરંતુ અંધશ્રદ્ધા અને આસ્થા અંગે પણ અનેક પ્રશ્નો ઊભા કર્યા છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકો અચાનક ધૂણવા લાગે છે, જ્યારે એક મહિલા ભીડ તરફ આક્રમક રીતે આગળ વધતી દેખાય છે. આ દરમિયાન કવરેજ કરી રહેલા કેટલાક પત્રકારો સાથે પણ તેની અથડામણ થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સમગ્ર ઘટનાને લઈને અલગ-અલગ વર્ણનો સામે આવ્યા છે, જેના કારણે સત્ય શું છે તે અંગે ચર્ચા વધુ તેજ બની છે.

શું બન્યું હોવાનું કહેવામાં આવે છે?

સ્થાનિક પત્રકારો અને ઘટનાસ્થળે હાજર રહેલા કેટલાક લોકોના જણાવ્યા અનુસાર, કાર્યક્રમના અંતિમ ભાગમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના વિવાદકોને સંબોધતા ચમત્કાર દર્શાવવાની વાત કરી હતી. ત્યારબાદ ધાર્મિક મંત્રોચ્ચાર અને જળના છંટકાવ સાથે વિશેષ ધાર્મિક પ્રક્રિયા શરૂ થઈ હોવાનું જણાવવામાં આવે છે. આ પછી ભીડમાં હાજર કેટલાક લોકો ધૂણવા લાગ્યા હોવાનું વીડિયોમાં જોવા મળે છે. પુરુષો, મહિલાઓ અને એક બાળક સહિત અનેક લોકો અસામાન્ય હાવભાવ કરતા દેખાતા હોવાથી સ્થળ પર હાજર લોકોમાં કુતૂહલ અને ગભરાટ બંનેનું વાતાવરણ સર્જાયું હતું.

વિવાદ ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે એક મહિલા ભીડ અને મીડિયા કર્મચારીઓ તરફ આગળ વધી ધક્કામુક્કી કરતી હોવાનું સામે આવ્યું. ઘટનાસ્થળે હાજર સ્થાનિક પત્રકાર મયુર સોનીએ દાવો કર્યો કે મહિલાએ તેમની ઉપર હુમલો કર્યો, ગળાની કંઠી તોડી અને વારંવાર ધક્કા મારવાનો પ્રયાસ કર્યો. ત્યાર બાદ તેણે પોતાના સ્વબચાવમાં પ્રતિકાર કરવા માટે મહિલાને થપ્પડો મારી હોવાનું પણ તેમણે સ્વીકાર્યું.

રાજકોટમાં બાબા બાગેશ્વરના દરબારમાં 20થી વધુ લોકોમાં ભૂત ધૂણ્યા: ધૂણતા ધૂણતા લોકોને મારવા લાગી મહિલા, Video જોઈ ફફડી જશો

ઘટનાનો સૌથી વિવાદાસ્પદ ભાગ

આ સમગ્ર ઘટનાનો સૌથી ચર્ચાસ્પદ મુદ્દો એ રહ્યો કે જે મહિલાના શરીરમાં બાબાના પ્રેત પ્રયોગ બાગ કથિત પ્રેત આત્માએ પ્રવેશ કર્યો હોવાનું કહેવાય છે તે મહિલાને થપ્પડ માર્યા બાદ તે તરત તે એકદમ સામાન્ય સ્થિતિમાં આવી ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો. આ દાવાને આધારે કેટલાક લોકોએ સમગ્ર ઘટનાને ‘પ્રાયોજિત નાટક’ ગણાવવાનો પ્રયાસ કર્યો છે. મહિલાની ઓળખ, તેની ભૂમિકા અથવા તે કાર્યક્રમની ટીમ સાથે સંકળાયેલી હતી કે નહીં તે અંગે પણ કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી. જોકે, મહિલા હિન્દી ભાષી હતી અને વારંવાર મેં સબકો ખા જાઉંગી...મેં સબકો ખતમ કરદુંગી એવું કહેતી વીડિયોમાં જેવા મળે છે.

રાજકોટ કાર્યક્રમ પહેલાં પણ કેટલાક સંગઠનો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે કાર્યક્રમ દરમિયાન અંધશ્રદ્ધાને પ્રોત્સાહન મળે તેવી પ્રવૃત્તિઓ ન થવી જોઈએ. આયોજકો દ્વારા નિયમોનું પાલન કરવાની ખાતરી આપવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી. છતાં કાર્યક્રમના અંતિમ તબક્કામાં સર્જાયેલા દ્રશ્યોને લઈને ફરીથી પ્રશ્નો ઊભા થયા છે. સામાજિક વૈજ્ઞાનિકોના મત મુજબ, મોટી ભીડ, ધાર્મિક ઉન્માદ, સતત મંત્રોચ્ચાર અને સામૂહિક ભાવનાત્મક વાતાવરણ ઘણીવાર લોકોને માનસિક રીતે પ્રભાવિત કરી શકે છે. આવા સંજોગોમાં કેટલાક લોકો અસામાન્ય વર્તન કરતા જોવા મળે છે, જેને ધાર્મિક કે આધ્યાત્મિક ઘટના તરીકે પણ રજૂ કરવામાં આવે છે.

ઘટના અંગે ત્યાં હાજર અન્ય પત્રકારોનું શું કહેવું છે?

ઘટના અંગે ત્યાં હાજર બીજા પત્રકારોનું કહેવું છેકે, વીડિયોમાં દેખાઈ રહેલી મહિલાને જાણે કે શરીરમાં કોઈનો પ્રવેશ આવ્યો હોય તે પ્રકારે ધુણતી હતી. તેમજ ત્યારબાદ સ્વયંસેવકો અને વિડીયો ઉતારી રહેલા પત્રકારો ઉપર હુમલો કરતી હતી. જે હુમલા અંતર્ગત પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલના પત્રકારના ચશ્મા પણ તોડી નાખવામાં આવ્યા હતા. પ્રથમ વખત મયુર સોની દ્વારા મહિલાને જવા દેવામાં આવી હતી. પરંતુ બીજી વખત પણ તેમણે મહિલાને જવા દીધી. જ્યારે ત્રીજીવાર તેમના પર હુમલો કરવામાં આવતા પત્રકારે મયુર સોની દ્વારા મહિલાને વળતો જવાબ આપવામાં આવ્યો હતો.

પ્રતિષ્ઠિત ન્યુઝ ચેનલના રાજકોટના પત્રકાર મયુર સોની એ ધીરેન્દ્ર શાસ્ત્રીની સભામાં લોકોને ધૂણી ધૂણીને ધક્કા મારતી મહિલાને માર્યા લાફાઃ

Offbeat સાથેની એક્સક્લુસિવ વાતચીતમાં પત્રકાર મયુર સોનીએ અનેક બાબતો પરથી પડદો ઉચક્યો. પત્રકાર મયુર સોનીએ જણાવ્યુંકે, રાજકોટમાં બાબાના કાર્યક્રમનું કવરેજ ચાલુ હતું એ દરમિયાન અચાનક કેટલાંક અફરાતફરી મચી ગઇ. બાબાએ કહ્યું જે લોકો મને ચેલેન્જ આપે છે એમને હું પરચો બતાવવા માંગું છું. પછી બાબાએ કહ્યું હવે પ્રેતને બોલાવો, એમણે હનુમાન ચાલીસાના શ્લોકનું પઠન કરીને લોકો પર જળનો છંટકાવ કરવાનું શરૂ કર્યું. બસ પછી તો ભીડમાં ઉભેલાં લોકોમાંથી એક પછી એક વ્યક્તિ ધૂણવા લાગ્યાં. પુરુષો, મહિલાઓ જ નહીં ત્યાં ઉભેલ એક બાળક પણ ધૂણવા લાગ્યો. આ સમગ્ર ઘટના ક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જોકે, સમગ્ર મામલો સામે ત્યારે આવ્યો જ્યારે એક પત્રકારે બાબાના કાર્યક્રમમાં 'ભૂત-પ્રેત' બનીને લોકો પર હુમલો કરતી મહિલાને લાંફાં ઝીંક્યાં.

મીડિયા કવરેજ કરી રહેલાં પત્રકારો પર પણ આ મહિલાએ હુમલો કર્યો:

પત્રકાર મયુર સોનીએ વધુમાં જણાવ્યુંકે, બાબાનો દરબાર સવા અગિયાર આસપાસ પુરો થયો. ચેલેન્જ આપનારને બાબાએ ચમત્કાર બતાવવાનું શરૂ કર્યું. અચાનક બધા ધૂણવા લાગ્યાં. બાબાએ કહ્યું જે લોકો કહે છે કે હું ખોટો છું જેને ચમત્કાર જોવો હોય એ ઉભા રહો. પછી બાબાના દરબારમાંથી આવેલી મહિલા બધાને ધક્કે ચઢાવતી હતી. બધાને ધક્કા મારે છે મહિલા. મીડિયા વાળા જ્યાં હતા ત્યાં આવે છે અને ત્યાં બધાને ધક્કા મારે છે. પત્રકાર પર હુમલો કરે છે. મારા પર હુમલો કરે છે. ધક્કો મારે છે. હુમલો કરીને મારી ગળાની કંઠી તોડી નાંખે છે. મને પછાડે છે. ત્રીજીવાર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. મહિલાને જો ભૂત પ્રેત કે કોઇ વળગાડ છે, તે તે અચાનક નોર્મલ ન થઇ શકે. પરંતુ લોકો પર હુમલો કરી રહેલી મહિલાને મેં જેવી લપાટ મારી એવી એ મહિલા તાત્કાલિક ભાનમાં આવી ગઇ.

ઘટના બાદ બાબા બાગેશ્વરે કહ્યું- કે વીડિયો મીડિયામાં ના આવવો જોઈએઃ

પત્રકાર મયુર સોનીએ વધુમાં જણાવ્યુંકે, મેં તો મહિલાને નહીં પણ એના શરીરમાં જે 'પ્રેત' છે એને લાફો માર્યો છે. બાકી હું દરેક મહિલાનું આદાર-સન્માન કરું છું. મેં લાફો મારી મહિલામાંથી પ્રેત કાઢવાનો પ્રયાસ કર્યો. આ પ્રેતવાળી મહિલાનો આખોય એપિસોડ એક પ્રાયોજિત નાટક હોય એવું મને લાગતું હતું. પ્રેત બનીને કાર્યક્રમમાં ચીસાચીસ કરીને લોકો પર હુમલો કરનાર મહિલા બાબા બાગેશ્વર ધામ એટલેકે, ધીરેન્દ્ર શાસ્ત્રીની ટીમમાંથી જ હોઈ શકે. બાબાએ આ આખું નાટક ઉભું કર્યું હોય એવું લાગતું હતું. ઘટના બાદ મહિલા ગાયબ થઈ જાય છે. તે મહિલા હિન્દી ભાષી હતી. બાબા જ્યારે એમ કહે છેકે, પ્રેત બોલાવો. એટલે તરત એને પ્રેત આવી જાય છે. ત્રણ કલાક બધુ બરાબર ચાલ્યું બાબાએ પ્રેત બોલાવવાનું કહ્યું, કહ્યું પછી બધા ધુણવા લાગ્યાં. પંજાબમાં હતો એવો બાબા લાગ્યો. મારા મારી થઇ તે મીડિયામાં ચલાવતા નહીં એવું બાબાએ કહ્યું. લાઈવ પ્રસારણ પણ અટકાવી દીધું હતું. 10 વાગ્યા સુધીની મંજૂરી હતી 12 વાગ્યા સુધી કાર્યક્રમ ચલાવ્યો. અંધશ્રદ્ધા ફેલાવે એવું કોઈ પ્રયોગ નહીં થાય તેવી વાત કરવામાં આવી હતી આયોજકો દ્વારા પણ આખરે અંધશ્રદ્ધાનો અખાડો બનીને રહી ગયો બાબાનો દરબાર. વિદ્યા જાથા એ પણ આનો વિરોધ કર્યો હતો.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચા ચાલી રહી છે. કેટલાક લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીના સમર્થનમાં દલીલો કરી રહ્યા છે, જ્યારે અન્ય લોકો સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે. આ ઘટના માત્ર એક ધાર્મિક કાર્યક્રમનો વિવાદ નથી, પરંતુ તે સમાજમાં શ્રદ્ધા અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વચ્ચે ચાલી રહેલી લાંબી ચર્ચાને ફરી એકવાર કેન્દ્રસ્થાને લાવી છે. જાહેર મંચો પર કરવામાં આવતા અસાધારણ દાવાઓને તર્ક, પુરાવા અને પારદર્શિતાના ધોરણો પર ચકાસવાની જરૂરિયાત પણ આ ઘટનાએ ઉજાગર કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now