NEET-UG 2024: દેશભરમાં ચકચાર મચાવનારા NEET-UG 2024 પેપર લીક અને OMR શીટમાં છેડછાડના કૌભાંડમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો નિર્ણય સંભળાવ્યો છે. પંચમહાલ જિલ્લાના ગોધરા સ્થિત જય જલારામ એજ્યુકેશન ટ્રસ્ટના ચેરમેન અને મુખ્ય આરોપી દીક્ષિત પટેલને કોર્ટ તરફથી કોઈ રાહત મળી નથી. હાઈકોર્ટે તેમની ડિસ્ચાર્જ અરજી ફગાવી દેતા સ્પષ્ટ કર્યું છે કે તેમની વિરુદ્ધ ગંભીર પુરાવાઓ છે, જેના કારણે હવે તેમણે ટ્રાયલનો સામનો કરવો જ પડશે.
વર્ષ 2024માં લેવાયેલી NEET-UG પરીક્ષામાં ગેરરીતિ આચરવાના આરોપમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ જૂન 2024 માં દીક્ષિત પટેલની ધરપકડ કરી હતી. CBI નો આરોપ છે કે દીક્ષિત પટેલે અન્ય સહ-આરોપીઓ સાથે મળીને વિદ્યાર્થીઓ પાસેથી મોટી રકમ વસૂલી હતી અને તેમના ગુણ વધારવા માટે વ્યવસ્થિત કાવતરું રચ્યું હતું. હાઈકોર્ટે અવલોકન કર્યું કે પ્રથમ દૃષ્ટિએ રેકોર્ડ પર રહેલા પુરાવાઓ આ ગંભીર કાવતરામાં તેમની સંડોવણી અને 'મીટિંગ ઓફ માઇન્ડ' (સમાન ઈરાદો) હોવાનું સૂચવે છે.
OMR શીટમાં છેડછાડનું આખું કાવતરું શું હતું?
તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, જય જલારામ ટ્રસ્ટ હેઠળ ચાલતી બે શાળાઓને NEET-UG પરીક્ષા માટે કેન્દ્ર તરીકે ફાળવવામાં આવી હતી. આ શાળાઓમાં પરીક્ષા આપનારા કેટલાક પસંદગીના વિદ્યાર્થીઓને એવી સૂચના આપવામાં આવી હતી કે તેઓએ OMR શીટ (જવાબ વહી) કાં તો સંપૂર્ણપણે ખાલી રાખવી અથવા તો માત્ર થોડા જ પ્રશ્નોના જવાબ આપવા. ત્યારબાદ, આરોપીઓએ આ ખાલી શીટમાં સાચા જવાબો ભરીને વિદ્યાર્થીઓને ઊંચા માર્ક્સ અપાવવાની ખાતરી આપી હતી. આ માટે વાલીઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવવાનું પણ આયોજન હતું. કાવતરાનો મુખ્ય હેતુ ભારત કે વિદેશમાં MBBS ની બેઠકો સુનિશ્ચિત કરી આપવાનો હતો.
આ પણ વાંચો: ધોરણ 5 થી 8 માટેની ‘ડિટેન્શન પોલિસી’ પર સવાલો : ગુણવત્તા વધારશે કે માત્ર ઔપચારિક ફેરફાર?
હાઈકોર્ટમાં બચાવ પક્ષ અને CBIની દલીલો
હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન દીક્ષિત પટેલના વકીલે એવી દલીલ કરી હતી કે તેઓ ટ્રસ્ટી તરીકે વહીવટી કામ સંભાળતા હતા અને તેમને સિટી કોઓર્ડિનેટર કે ડેપ્યુટી સેન્ટર સુપરિન્ટેન્ડેન્ટની નિમણૂકમાં કોઈ ભૂમિકા નહોતી. વળી, તેમની સામે ભ્રષ્ટાચાર કે કાવતરામાં સીધી સંડોવણીના કોઈ પુરાવા નથી તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો. જોકે, સ્પેશિયલ CBI કાઉન્સેલે આ દલીલોનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ આખું રેકેટ ટ્રસ્ટની શાળાઓના માધ્યમથી ચાલતું હતું અને ટ્રસ્ટી તરીકે દીક્ષિત પટેલ તેનાથી અજાણ હોય તે અશક્ય છે. કોર્ટે CBIની દલીલોને ગ્રાહ્ય રાખતા કહ્યું કે, "જ્યારે આરોપી સામે ગંભીર શંકા પેદા કરતા પુરાવા હોય, ત્યારે કોર્ટ આરોપ ઘડવા અને કેસ ચલાવવા માટે સંપૂર્ણપણે ન્યાયી છે."
આગામી સમયમાં ટ્રાયલ થશે શરૂ
હાઈકોર્ટના આ કડક વલણ બાદ હવે દીક્ષિત પટેલ સામે નીચલી અદાલતમાં ચાર્જ ફ્રેમ (આરોપનામું ઘડવાની પ્રક્રિયા) કરવામાં આવશે અને નિયમિત ટ્રાયલ શરૂ થશે. આ ચુકાદો શિક્ષણ ક્ષેત્રે ગેરરીતિ આચરનારા તત્વો માટે એક ચેતવણીરૂપ સમાન માનવામાં આવી રહ્યો છે.






