NEET UG 2026: દેશભરના લાખો મેડિકલ વિદ્યાર્થીઓ માટે રાહત અને નવી ચિંતા બંને સાથે લાવતી મોટી જાહેરાત સામે આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ NEET UG 2026ની ફરી પરીક્ષા માટે 21 જૂન 2026ની તારીખ જાહેર કરી છે. પેપર લીક અને ગેરરીતિના આરોપો બાદ રદ કરાયેલી પરીક્ષાને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અનિશ્ચિતતા હવે ખતમ થઈ છે, પરંતુ વિદ્યાર્થીઓ માટે ફરી એકવાર તૈયારીનો દબાણ વધ્યો છે.
NEETની પરીક્ષા આપનારા લાખો ભારતીય વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દેવામાં આવી છે. હવે આ પરીક્ષા આગામી મહિનામાં 21 જૂનના રોજ યોજાશે. આ અગાઉ 3 મેના રોજ પરીક્ષા લેવામાં આવી હતી, જે પેપર લીક થવાના કારણે રદ્દ કરવી પડી હતી. પેપર લીક થવાની આ ઘટના રાજસ્થાનમાં બની હતી અને હાલ સીબીઆઈ (CBI) આ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
શું છે આખો વિવાદ?
NEET UG 2026ની મૂળ પરીક્ષા 3 મેના રોજ લેવામાં આવી હતી. પરીક્ષા બાદ રાજસ્થાન સહિત કેટલાક રાજ્યોમાંથી પ્રશ્નપત્ર લીક અને અગાઉથી પ્રશ્નો ફેલાવાના ગંભીર આરોપો સામે આવ્યા હતા. તપાસ દરમિયાન કેટલીક “ગેસ પેપર” સામગ્રી અને મૂળ પ્રશ્નપત્ર વચ્ચે નોંધપાત્ર સમાનતા જોવા મળી હોવાનું કહેવાયું. ત્યારબાદ મામલો કેન્દ્રિય એજન્સીઓ સુધી પહોંચ્યો અને NTAએ આખી પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી દેશભરના અંદાજે 22 થી 24 લાખ વિદ્યાર્થીઓ સીધા અસરગ્રસ્ત બન્યા છે. ઘણા વિદ્યાર્થીઓએ મહિનાઓ સુધી તૈયારી કર્યા બાદ પરીક્ષા આપી હતી, તેથી પરીક્ષા રદ થતાં ભારે નિરાશા અને માનસિક દબાણનું વાતાવરણ ઉભું થયું હતું. હવે નવી તારીખ જાહેર થતાં તૈયારી ફરી શરૂ કરવાની સ્થિતિ આવી છે.
NTAએ વિદ્યાર્થીઓને શું સલાહ આપી?
NTAએ ઉમેદવારો અને વાલીઓને ફક્ત સત્તાવાર વેબસાઇટ અને સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી અફવાઓ અને ફેક નોટિસથી દૂર રહેવાની પણ સલાહ આપવામાં આવી છે. સાથે જ એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉમેદવારોને ફરી રજીસ્ટ્રેશન કરવાની જરૂર પડશે નહીં. અગાઉ ભરાયેલા ફોર્મ અને પરીક્ષા કેન્દ્રની માહિતી જ ફરી ઉપયોગમાં લેવાશે. કેટલીક રિપોર્ટ્સ મુજબ અરજી ફી રિફંડ પ્રક્રિયા અંગે પણ ચર્ચા ચાલી રહી છે.
એડમિટ કાર્ડ અને સિટી સ્લિપ ફરી આવશે?
હા. રી-એગ્ઝામ માટે NTA નવા એડમિટ કાર્ડ અને પરીક્ષા સિટી ઇન્ટિમેશન સ્લિપ જાહેર કરશે. ઉમેદવારોએ નિયમિત રીતે સત્તાવાર NEET પોર્ટલ ચેક કરવું જરૂરી રહેશે. હાલમાં એડમિટ કાર્ડ જાહેર કરવાની તારીખ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ પરીક્ષા પહેલા થોડા દિવસોમાં આ માહિતી બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. તમને જણાવી દઈએ કે, 7 મેના રોજ પેપર લીક થયું હોવાના સમાચાર સામે આવ્યા હતા, જેના પછી એજન્સીએ 12 મેના રોજ પરીક્ષા રદ્દ કરવાની સત્તાવાર જાહેરાત કરી હતી.






