NEET Exam Ban: દેશમાં NEET પરીક્ષા અંગેનો વિવાદ સતત ઊંડો બનતો જઈ રહ્યો છે. એક તરફ NEET પેપર લીકના મુદ્દે વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, તો બીજી તરફ હવે અનેક રાજકીય પક્ષો પણ આ મુદ્દે કેન્દ્ર સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યા છે. CJPના વિરોધ પ્રદર્શન વચ્ચે તમિલનાડુના મુખ્યમંત્રી તથા તમિલગા વેટ્રી કઝગમ (TVK)ના પ્રમુખ વિજય થલપતિએ NEET પરીક્ષા અંગે મોટું નિવેદન આપીને સમગ્ર દેશમાં નવી ચર્ચા જગાવી છે. વિજય થલપતિએ કહ્યું કે, NEET પરીક્ષા માત્ર તેની વિશ્વસનીયતા ગુમાવી ચૂકી નથી, પરંતુ દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ માટે માનસિક તણાવ અને અનિશ્ચિતતાનું કારણ બની રહી છે. તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરી કે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને NEET પરીક્ષા સંપૂર્ણપણે રદ કરવામાં આવે અને રાજ્ય સરકારોને પોતાની પ્રવેશ પરીક્ષા અંગે નિર્ણય લેવાનો અધિકાર આપવામાં આવે.
TVKએ X પર પોસ્ટ કરીને ઉઠાવી NEET રદ કરવાની માગ
વિજય થલપતિની પાર્ટી તમિલગા વેટ્રી કઝગમ (TVK)એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર નિવેદન જાહેર કરીને કહ્યું કે NEET અમલમાં આવ્યા બાદથી પરીક્ષાની વિશ્વસનીયતા પર સતત પ્રશ્નો ઉભા થયા છે. પાર્ટીએ દાવો કર્યો કે, દર વર્ષે વિદ્યાર્થીઓને ભારે માનસિક તણાવનો સામનો કરવો પડે છે અને તેમની મહેનત તથા ભવિષ્ય અનિશ્ચિતતામાં ધકેલાઈ જાય છે. આવા સંજોગોમાં હવે કેન્દ્ર સરકારે NEET પરીક્ષા સંપૂર્ણપણે નાબૂદ કરવાનો નિર્ણય લેવો જોઈએ.
'દર વર્ષે વિદ્યાર્થીઓને નુકસાન થઈ રહ્યું છે'
TVKના નિવેદન અનુસાર NEETના કારણે વિદ્યાર્થીઓને થતા નુકસાનનો સિલસિલો અટકતો નથી. પરીક્ષાની પ્રક્રિયા અંગે વારંવાર ઉભા થતા વિવાદો અને પેપર લીક જેવી ઘટનાઓથી વિદ્યાર્થીઓનો વિશ્વાસ તૂટી રહ્યો છે. પાર્ટીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સતત પ્રયોગ કરવાના બદલે કેન્દ્ર સરકારે શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે નીતિગત ફેરફાર કરવો જરૂરી છે.
રાહુલ ગાંધીની અટકાયત પર પણ વ્યક્ત કરી પ્રતિક્રિયા
વિજય થલપતિની પાર્ટીએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિત અન્ય નેતાઓને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી તેના પર પણ કડક પ્રતિક્રિયા આપી હતી. TVKએ પોતાના નિવેદનમાં કહ્યું કે, દેશની રાજધાનીમાં શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનને આ રીતે દબાવવાનો પ્રયાસ લોકશાહી મૂલ્યોને નુકસાન પહોંચાડે છે. પાર્ટીના મતે, લોકશાહી દેશમાં દરેક નાગરિક અને જનપ્રતિનિધિને શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર છે.
'લોકશાહી અધિકારો પર ખુલ્લો હુમલો'
TVKએ આરોપ લગાવ્યો કે, દિલ્હીમાં વિદ્યાર્થીઓના શાંતિપૂર્ણ વિરોધને સમર્થન આપવા પહોંચેલા રાહુલ ગાંધીને પોલીસ દ્વારા બળજબરીથી હટાવવાની કાર્યવાહી લોકશાહી અધિકારો પર સીધો હુમલો છે. પાર્ટીએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું કે, અસહમતિ વ્યક્ત કરનાર અવાજોને દબાવવાની જગ્યાએ સરકારને વિદ્યાર્થીઓની સમસ્યાઓનો ઉકેલ લાવવો જોઈએ.
PM નિવાસ બહાર વિરોધમાં અનેક નેતાઓ જોડાયા
NEET પેપર લીક અને વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પ્રિયંકા ગાંધી સહિત અનેક વિરોધ પક્ષોના નેતાઓ વડાપ્રધાનના નિવાસસ્થાન નજીક વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. બાદમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ અને NCPની નેતા સુપ્રિયા સુળે સહિત અન્ય વિરોધ પક્ષોના નેતાઓ પણ આ વિરોધમાં સામેલ થયા હતા. પોલીસે બાદમાં તમામ નેતાઓને સ્થળ પરથી હટાવી અટકાયત કરી હતી.
NEET મુદ્દે રાજકીય ઘર્ષણ વધુ તેજ બનવાની શક્યતા
NEET પેપર લીક અને પરીક્ષા વ્યવસ્થાની પારદર્શિતા અંગે દેશભરમાં સતત પ્રશ્નો ઉઠી રહ્યા છે. હવે તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલપતિ દ્વારા પરીક્ષા સંપૂર્ણપણે રદ કરવાની માગ ઉઠાવાતા આ મુદ્દો વધુ રાજકીય બની ગયો છે. એક તરફ કેન્દ્ર સરકાર પરીક્ષા વ્યવસ્થામાં સુધારાના પ્રયાસોની વાત કરી રહી છે, જ્યારે બીજી તરફ અનેક રાજ્યો અને વિરોધ પક્ષો NEETને સંપૂર્ણપણે નાબૂદ કરવાની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે. આગામી દિવસોમાં આ મુદ્દે રાજકીય ચર્ચા અને વિવાદ વધુ તેજ બનવાની શક્યતા છે.






