CJP Protest Delhi: નવી દિલ્હીમાં ચાલી રહેલું CJP (Cockroach Janata Party)નું વિરોધ પ્રદર્શન સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યું છે. NEET પેપર લીક મામલે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે શરૂ થયેલું આ આંદોલન હવે માત્ર વિદ્યાર્થીઓ પૂરતું સીમિત રહ્યું નથી. દેશના અનેક રાજકીય પક્ષો, સામાજિક સંગઠનો અને અલગ-અલગ રાજ્યોના આગેવાનો પણ આ વિરોધમાં જોડાતા સમગ્ર ઘટનાક્રમ રાષ્ટ્રીય રાજકારણનું કેન્દ્ર બની ગયો છે. મંગળવારે વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બનતાં દિલ્હીના જંતર-મંતર અને આસપાસના વિસ્તારોમાં સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ અને અર્ધલશ્કરી દળોની ભારે તૈનાતી વચ્ચે અનેક વિરોધી નેતાઓએ પ્રદર્શનને સમર્થન આપ્યું, જ્યારે વડાપ્રધાન નિવાસ તરફ કૂચ કરવાનો પ્રયાસ કરનાર કેટલાક નેતાઓને પોલીસે અટકાયત પણ કરી હતી.
જંતર-મંતર પહોંચ્યા મનોજ જરાંગે પાટીલ
મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ આંદોલનના જાણીતા નેતા મનોજ જરાંગે પાટીલ બુધવારે જંતર-મંતર પહોંચ્યા હતા. તેમણે CJPના વિરોધ પ્રદર્શનને પોતાનું સમર્થન જાહેર કર્યું અને વિદ્યાર્થીઓની માંગને યોગ્ય ગણાવી. જરાંગે પાટીલની હાજરી બાદ આંદોલનને વધુ રાજકીય અને સામાજિક મહત્વ મળ્યું હોવાનું માનવામાં આવી રહ્યું છે. વિવિધ રાજ્યોમાંથી પણ અનેક સંગઠનોના પ્રતિનિધિઓ જંતર-મંતર પહોંચી રહ્યા છે.
આ પણ વાંચો: 'અમારી પાસે Video જોવાનો સમય નથી...' : પ્રદર્શનકારીઓ પર પોલીસ કાર્યવાહી મામલે સુપ્રીમ કોર્ટનો ઇનકાર
વિરોધમાં અનેક રાજકીય નેતાઓ જોડાયા
મંગળવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ, એનસીપીના શરદ પવાર અને શિવસેના (ઉદ્ધવ ઠાકરે ગઠબંધન) સહિત અનેક વિરોધ પક્ષોના નેતાઓ જંતર-મંતર પહોંચ્યા હતા. પીએમ નિવાસ તરફ આગળ વધવાનો પ્રયાસ કરનાર રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને દિલ્હી પોલીસે અટકાયત કરી હતી. ત્યારબાદ બંનેને પોલીસ કસ્ટડીમાં લઈ જવામાં આવ્યા હતા. CJPએ સ્પષ્ટ કર્યું છે કે, તેણે પોતાના કાર્યકરો અને સમર્થકોને માત્ર જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન માટે જ અપીલ કરી છે. દિલ્હીના અન્ય વિસ્તારોમાં વિરોધ કરવા અંગે કોઈ સત્તાવાર આહ્વાન કરવામાં આવ્યું નથી.
પટણામાં પણ વિદ્યાર્થીઓનું પ્રદર્શન
દિલ્હી ઉપરાંત બિહારની રાજધાની પટણામાં પણ વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું છે. વિદ્યાર્થીઓએ દિલ્હી પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જનો વિરોધ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે પણ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પુનરાવર્તિત કરી હતી.
સુરક્ષા વચ્ચે દિલ્હીના 16 મેટ્રો સ્ટેશન બંધ વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)એ સુરક્ષા કારણોસર કુલ 16 મેટ્રો સ્ટેશનો આગામી સૂચના સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. બંધ કરાયેલા સ્ટેશનોમાં લોક કલ્યાણ માર્ગ, રાજીવ ચોક, પટેલ ચોક, રામકૃષ્ણ આશ્રમ માર્ગ, બારાખંભા રોડ, સુપ્રીમ કોર્ટ, સેવા તીર્થ, જનપથ, મંડી હાઉસ, કેન્દ્રીય સચિવાલય, આઈટીઓ, દિલ્હી ગેટ, ઇન્દ્રપ્રસ્થ, ખાન માર્કેટ, જોર બાગ અને શિવાજી સ્ટેડિયમનો સમાવેશ થાય છે. આ નિર્ણય બાદ મુસાફરોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.
ચાર મહત્વના મેટ્રો સ્ટેશનો પર ખાસ પ્રતિબંધ
દિલ્હી મેટ્રોએ અલગથી જાહેર કર્યું હતું કે જનપથ, રાજીવ ચોક, પટેલ ચોક અને કેન્દ્રીય સચિવાલય મેટ્રો સ્ટેશનો પર પ્રવેશ અને બહાર નીકળવાની સુવિધા સંપૂર્ણપણે બંધ રહેશે. જોકે રાજીવ ચોક અને કેન્દ્રીય સચિવાલય ખાતે ઇન્ટરચેન્જ સેવા યથાવત રાખવામાં આવી છે જેથી મુસાફરોને અન્ય રૂટ પર જવા માટે મુશ્કેલી ન પડે.
સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કર્યો
પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી સામે સુપ્રીમ કોર્ટમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જો કે ભારતના મુખ્ય ન્યાયાધીશે (CJI) આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની માંગ નકારી કાઢી હતી. કોર્ટે જણાવ્યું હતું કે નિયમિત પ્રક્રિયા મુજબ જ મામલાની સુનાવણી થશે અને તાત્કાલિક હસ્તક્ષેપની જરૂરિયાત જણાતી નથી.
લખનૌમાં અખિલેશ યાદવના સમર્થનમાં પોસ્ટરો
દિલ્હીમાં અખિલેશ યાદવની અટકાયત બાદ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો.
પાર્ટી કાર્યાલય બહાર અખિલેશ યાદવ અને ડિમ્પલ યાદવના સમર્થનમાં પોસ્ટર અને બેનરો લગાવવામાં આવ્યા હતા. કાર્યકરોએ દિલ્હી પોલીસની કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરી હતી.





