Indian Railways Train Stoppage: ભારતીય રેલવે હવે ટ્રેનોને વધુ ઝડપી, સમયસર અને કાર્યક્ષમ બનાવવા માટે મોટા પાયે સુધારાત્મક પગલાં લઈ રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ટ્રેનોની વધતી સંખ્યા, વ્યસ્ત રેલવે રૂટ અને સમયપાલન જાળવવાની પડકારજનક સ્થિતિ વચ્ચે રેલવે બોર્ડે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. તેના હેઠળ દેશભરમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરાયેલા 300થી વધુ ટ્રેન સ્ટોપેજને તબક્કાવાર દૂર કરવામાં આવશે. રેલવેના આ નિર્ણયથી ખાસ કરીને રાજધાની, શતાબ્દી, દુરંતો અને વંદે ભારત જેવી પ્રીમિયમ ટ્રેનોને સૌથી વધુ ફાયદો થશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઓછા મુસાફરો માટે ટ્રેનોને વારંવાર રોકવાના કારણે મુસાફરીનો સમય વધતો હતો, ઈંધણ અને વીજળીનો બિનજરૂરી ખર્ચ થતો હતો તેમજ સમગ્ર રૂટનું સમયપત્રક પણ ખોરવાતું હતું. હવે ઓક્ટોબર 2026 સુધીમાં આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.
શા માટે હટાવવામાં આવી રહ્યા છે ટ્રેન સ્ટોપેજ?
રેલવે બોર્ડના વરિષ્ઠ અધિકારીઓના જણાવ્યા અનુસાર, વર્ષ 2021થી 2025 દરમિયાન દેશના વિવિધ વિસ્તારોમાં સ્થાનિક સાંસદો, ધારાસભ્યો અને લોકોની માંગને ધ્યાનમાં રાખીને અનેક સ્ટેશનો પર ટ્રેનોને પ્રાયોગિક ધોરણે રોકવાની મંજૂરી આપવામાં આવી હતી. આ સ્ટોપેજ શરૂઆતમાં માત્ર છ મહિનાના પરીક્ષણ માટે મંજૂર કરવામાં આવ્યા હતા, જેથી મુસાફરોનો પ્રતિસાદ અને ઉપયોગિતા જાણી શકાય. તેનો મુખ્ય હેતુ નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોના લોકોને સીધી રેલવે સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હતો.
સમીક્ષામાં સામે આવ્યું ચોંકાવનારું ચિત્ર
છ મહિનાની સમયમર્યાદા પૂર્ણ થયા બાદ રેલવે બોર્ડે તમામ પ્રાયોગિક સ્ટોપેજની વિસ્તૃત સમીક્ષા કરી હતી. આ દરમિયાન ટિકિટ વેચાણ, મુસાફરોની સંખ્યા અને સંચાલન ખર્ચ જેવા વિવિધ પાસાઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું. સમીક્ષામાં જાણવા મળ્યું કે, 300થી વધુ એવા સ્ટેશનો છે જ્યાં દરરોજ એક ટ્રેન માટે સરેરાશ 15 ટિકિટ પણ વેચાતી નહોતી. એટલે કે, આ સ્ટોપેજનો ઉપયોગ ખૂબ જ મર્યાદિત હતો, જ્યારે ટ્રેનને રોકવા અને ફરી ગતિમાં લાવવા માટે નોંધપાત્ર સમય અને ઊર્જાનો ખર્ચ થતો હતો. રેલવેના મતે, આવા સ્ટોપેજ જાળવી રાખવાથી કરોડો રૂપિયાનું ઈંધણ અને વીજળીનો બિનજરૂરી ખર્ચ થતો હતો અને મુખ્ય રૂટ પર દોડતી ટ્રેનો સમયસર ગંતવ્ય સુધી પહોંચી શકતી નહોતી.
મુસાફરીનો સમય 15થી 45 મિનિટ સુધી ઘટશે
રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO)ના અભ્યાસ અનુસાર, 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી કોઈપણ પ્રીમિયમ ટ્રેનને એક સ્ટેશન પર રોકવી અને ફરીથી એ જ ઝડપ સુધી પહોંચાડવામાં આશરે 5થી 7 મિનિટનો સમય લાગે છે. જો એક રૂટ પરથી ત્રણથી ચાર બિનજરૂરી સ્ટોપેજ દૂર કરવામાં આવે તો મુસાફરીનો કુલ સમય 15થી 45 મિનિટ સુધી ઘટી શકે છે. ખાસ કરીને લાંબા અંતરની મુસાફરી કરતા લાખો મુસાફરો માટે આ મોટો ફાયદો સાબિત થશે.
ઈંધણ અને વીજળીમાં પણ થશે મોટી બચત
ટ્રેનને વારંવાર રોકવાથી માત્ર સમય જ નહીં પરંતુ ઊર્જાનો પણ મોટો ખર્ચ થાય છે. રેલવેના અંદાજ મુજબ, એક સ્ટોપેજ દૂર થવાથી પ્રતિ ટ્રેન અંદાજે 300થી 350 યુનિટ વીજળી અથવા 20થી 25 લિટર ડીઝલની બચત થશે. દેશભરમાં દરરોજ હજારો ટ્રેનો દોડતી હોવાથી આ નિર્ણયથી દર વર્ષે કરોડો રૂપિયાની બચત થવાની સંભાવના છે. સાથે જ કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં પણ આ પગલું મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
કઈ ટ્રેનો પર પડશે સૌથી વધુ અસર?
રેલવે બોર્ડની સમીક્ષા હેઠળ દિલ્હીથી સંચાલિત અનેક પ્રીમિયમ ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમાં સ્વર્ણ જયંતી રાજધાની, અજમેર શતાબ્દી, અમૃતસર શતાબ્દી અને દેહરાદૂન દુરંતો જેવી ટ્રેનો સામેલ છે. આ ઉપરાંત ભોપાલ, અજમેર અને દેહરાદૂન રૂટ પર દોડતી વંદે ભારત એક્સપ્રેસના કેટલાક પ્રાયોગિક સ્ટોપેજ પણ દૂર કરવામાં આવશે. આગામી સમયમાં અન્ય ઝોનમાં પણ આવી જ સમીક્ષા કરીને જરૂરી ફેરફારો કરવામાં આવશે.
આ પણ વાંચો: વિદ્યાર્થીઓના સમર્થનમાં નસીરુદ્દીન શાહનું નિવેદન : વિરોધ દરમિયાન શબાના આઝમીની તબિયત લથડી
મુસાફરોને શું થશે અસર?
રેલવેના જણાવ્યા અનુસાર, જ્યાં મુસાફરોની સંખ્યા ખૂબ ઓછી છે ત્યાંના સ્ટોપેજ દૂર કરવામાં આવશે, જ્યારે મહત્વના સ્ટેશનો પર ટ્રેનો પહેલાની જેમ જ રોકાશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ વધુમાં વધુ મુસાફરોને ઝડપી, સમયસર અને આરામદાયક મુસાફરી ઉપલબ્ધ કરાવવાનો છે. જોકે કેટલાક નાના શહેરો અને ગામડાંના મુસાફરોને નજીકના મોટા સ્ટેશન સુધી જવાની જરૂર પડી શકે છે.
ઓક્ટોબર 2026 સુધીમાં અમલ
ભારતીય રેલવે આ સમગ્ર પ્રક્રિયાને તબક્કાવાર અમલમાં મૂકાશે. વિવિધ રેલવે ઝોનમાંથી મળતા પ્રતિસાદ અને અંતિમ સમીક્ષા બાદ ઓક્ટોબર 2026 સુધીમાં 300થી વધુ પ્રાયોગિક સ્ટોપેજ સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવશે. રેલવેનું માનવું છે કે, આ નિર્ણય માત્ર ટ્રેનોની ઝડપ જ નહીં વધારે, પરંતુ સમગ્ર રેલવે નેટવર્કને વધુ કાર્યક્ષમ, ઊર્જા બચતકારક અને સમયપાલન આધારિત બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે.





