નવી દિલ્હી: NEET-UG પરીક્ષા અને પેપર લીક વિવાદને લઈને દેશભરમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે એક NEET ઉમેદવારના મૃત્યુના મામલે કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા Rahul Gandhiએ કેન્દ્ર સરકાર પર તીખો પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ આ ઘટનાને માત્ર વિદ્યાર્થિનીના જીવન ટૂંકાવવાની ઘટના નહીં પરંતુ “તૂટેલી અને ભ્રષ્ટ વ્યવસ્થાનું પરિણામ” ગણાવીને વડાપ્રધાન Narendra Modiની આગેવાનીવાળી સરકારને જવાબદાર ઠેરવવાનો પ્રયાસ કર્યો છે. રાહુલ ગાંધીએ જણાવ્યુંકે, છેલ્લાં 12 વર્ષોમાં શિક્ષણ વ્યવસ્થાની બરબાદીની કિંમત આખી યુવા પેઢી ચુકવી રહી છે.
'મુસ્લિમ સાથે સંબંધ બાંધવા દબાણ કર્યું, ફરિયાદ કરી તો નોકરીમાંથી કાઢી': TCS પછી Wipro ની મહિલાકર્મીએ લગાવ્યાં ગંભીર આરોપ
મળતી માહિતી અનુસાર, NEET-UG 2026 પરીક્ષા પેપર લીકના આરોપો બાદ રદ કરવામાં આવી હતી. પરીક્ષા રદ થવાથી અનેક ઉમેદવારોમાં માનસિક તણાવ અને અનિશ્ચિતતા સર્જાઈ હતી. આ જ પૃષ્ઠભૂમિમાં એક NEET ઉમેદવારના મૃત્યુની ઘટના સામે આવી, જેના બાદ કોંગ્રેસે સરકાર સામે રાજકીય અને નૈતિક જવાબદારીનો મુદ્દો ઉઠાવ્યો છે.
પરિવાર સાથે મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
રાહુલ ગાંધીએ મૃતક વિદ્યાર્થીના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમણે જણાવ્યું કે લાખો વિદ્યાર્થીઓ પોતાની મહેનત, ભવિષ્ય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના દબાણ વચ્ચે જીવતા હોય છે. જ્યારે પેપર લીક જેવી ઘટનાઓ બને છે ત્યારે માત્ર એક પરીક્ષા નહીં પરંતુ વિદ્યાર્થીના સપના અને આખા પરિવારની આશાઓ તૂટી પડે છે. તેમણે દાવો કર્યો કે આ પ્રકારની ઘટનાઓ પાછળ સિસ્ટમની નિષ્ફળતા જવાબદાર છે. રાહુલ ગાંધીએ વધુમાં આરોપ લગાવ્યો કે પરીક્ષા પ્રણાલીને ‘માફિયા’ના હવાલે કરી દેવામાં આવી છે અને જવાબદાર લોકો હજુ પણ પદ પર ટકેલા છે. તેમણે કહ્યું કે યુવાનો હવે આ પ્રકારની ગેરરીતિઓ સહન કરવા તૈયાર નથી.
'કોકરોચ જનતા પાર્ટી'એ જાહેર કર્યા 3 પ્રવક્તા: શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે આંદોલનની દિશા તરફ છે પાર્ટી
NEET પેપર લીક વિવાદ શું છે?
NEET-UG 2026 પરીક્ષા દેશભરના લાખો મેડિકલ પ્રવેશાર્થીઓ માટે યોજાઈ હતી. પરંતુ પરીક્ષા બાદ પ્રશ્નપત્ર લીક થયાના ગંભીર આરોપો સામે આવ્યા. ત્યારબાદ સરકારે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો અને સમગ્ર મામલો તપાસ માટે CBIને સોંપવામાં આવ્યો. અત્યાર સુધી અનેક ધરપકડો થઈ ચૂકી છે અને તપાસ ચાલુ છે. પરીક્ષા રદ થવાને કારણે લાખો વિદ્યાર્થીઓને ફરી તૈયારી કરવાની અનિશ્ચિતતા અને માનસિક દબાણનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે પણ પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઊભા થયા છે.
ટ્રેકિંગ દરમિયાન MBA ની વિદ્યાર્થિની જંગલમાં 6 દિવસથી ગુમ: 24 વર્ષિય યુવતીને શોધવા ડ્રોન, સ્નિફર ડોગ અને ડાઈવિંગ ટીમના 150 લોકો કામે લાગ્યાં
શિક્ષણ વ્યવસ્થા પર વધતી ચિંતાઓ
વિદ્યાર્થીઓના જીવન ટૂંકાવવાના મામલાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના દબાણનો મુદ્દો છેલ્લા કેટલાક વર્ષોમાં વધુ ગંભીર બન્યો છે. નિષ્ણાતો લાંબા સમયથી કહેતા આવ્યા છે કે માત્ર પરીક્ષા આધારિત મૂલ્યાંકન, ભારે સ્પર્ધા અને અનિશ્ચિતતા વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય પર ગંભીર અસર કરી શકે છે. NEET પેપર લીક જેવી ઘટનાઓ આ ચિંતાઓને વધુ ગાઢ બનાવે છે. આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઉભો કર્યો છે કે દેશની ઉચ્ચ શિક્ષણ પ્રવેશ પરીક્ષાઓ કેટલી પારદર્શક અને વિશ્વસનીય છે, તેમજ વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય માટે પૂરતા સુરક્ષા માળખા ઉપલબ્ધ છે કે નહીં.
કેન્દ્ર સરકાર દ્વારા NEET-UG 2026 ફરીથી યોજવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તપાસ એજન્સીઓ પેપર લીક કેસની તપાસ કરી રહી છે. બીજી તરફ, વિરોધ પક્ષ આ મુદ્દે સરકાર પર સતત દબાણ વધારી રહ્યો છે. આગામી દિવસોમાં તપાસના પરિણામો અને ફરી યોજાનારી પરીક્ષાની પ્રક્રિયા પર દેશભરના લાખો વિદ્યાર્થીઓની નજર રહેશે.





