છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બનેલી ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) એ પોતાના ત્રણ સત્તાવાર પ્રવક્તાઓની જાહેરાત કરી છે. પાર્ટીના સત્તાવાર X (પૂર્વે ટ્વિટર) એકાઉન્ટ ‘Cockroach Is Back’ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર તપાસનિષ્ઠ પત્રકાર સોરવ દાસને મુખ્ય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે રાજકીય સંશોધક અને ફિલ્મમેકર વિજેતા દહિયા તથા આઈઆઈટી કાનપુરના પૂર્વ વિદ્યાર્થી આશુતોષ રાંકાને પણ પાર્ટીના પ્રવક્તા તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
પાર્ટીએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે કોકરોચ જનતા પાર્ટી ભારતની રાજકીય ચર્ચા અને જાહેર સંવાદમાં પરિવર્તન લાવવા માટે પ્રતિબદ્ધ છે અને આ મિશનને નવી પેઢીના નેતાઓ આગળ વધારશે. છેલ્લા કેટલાક અઠવાડિયાંમાં સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય બનેલી આ રાજકીય પહેલ હવે સંગઠનાત્મક માળખું ઉભું કરવાની દિશામાં આગળ વધી રહી હોવાનું માનવામાં આવે છે.
મુખ્ય પ્રવક્તા તરીકે સૌરવ દાસની પસંદગી
પાર્ટી દ્વારા મુખ્ય પ્રવક્તા બનાવાયેલા સોરવ દાસ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @SauravDassss નામથી સક્રિય છે. પાર્ટીના જણાવ્યા અનુસાર દાસ પત્રકારિતાના ક્ષેત્રમાં લાંબો અનુભવ ધરાવે છે અને અનેક કાનૂની, ન્યાયિક તથા સામાજિક મુદ્દાઓ પર તપાસ આધારિત રિપોર્ટિંગ કરી ચૂક્યા છે. પાર્ટીએ એવો પણ દાવો કર્યો છે કે નવેમ્બર 2025માં ઈન્ડિયા ગેટ ખાતે યોજાયેલા પ્રદૂષણ વિરોધી આંદોલનમાં તેઓ આગેવાન ભૂમિકા ભજવી ચૂક્યા છે.
પ્રવક્તા તરીકે નિયુક્તિ બાદ સોરવ દાસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે દેશની યુવા પેઢી હવે એવા તબક્કે પહોંચી ગઈ છે જ્યાં તેને પોતાના ભવિષ્યને લઈને ગંભીર પ્રશ્નો છે. તેમણે જણાવ્યું કે યુવાનોને આપવામાં આવેલા વચનો અને વાસ્તવિક પરિસ્થિતિ વચ્ચેના અંતરને લઈને અસંતોષ વધી રહ્યો છે અને હવે પરિવર્તન માટે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે.
આ પણ વાંચો: દિલ્હી બાદ બિહારમાં પણ અગ્નિકાંડ! : હોસ્પિટલના ICUમાં અચાનક આગથી હાહાકાર! 3 મોત, અનેક ઘાયલ
વિજેતા દહિયાને રાજકીય સંશોધનનો અનુભવ
કોકરોચ જનતા પાર્ટીના બીજા પ્રવક્તા તરીકે વિજેતા દહિયાની પસંદગી કરવામાં આવી છે. પાર્ટીના જણાવ્યા અનુસાર દહિયા રાજકીય સંશોધન, વ્યૂહાત્મક વિશ્લેષણ અને સામાજિક મુદ્દાઓ પર કન્ટેન્ટ ડેવલપમેન્ટ ક્ષેત્રે સક્રિય રહ્યા છે. તેઓ લેખક, કન્ટેન્ટ ક્રિએટર અને ફિલ્મમેકર તરીકે પણ જાણીતા છે.
વિજેતા દહિયાએ ‘Power of Universe’ અને ‘To Hell With That Job’ જેવી પુસ્તકો લખી છે. ઉપરાંત તેમણે હરિયાણવી ફિલ્મો ‘દરારેં’ અને ‘ઓપરી પરાઈ’નું લેખન અને દિગ્દર્શન પણ કર્યું છે. તેમનું શિક્ષણ દિલ્હી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (DTU)માંથી પૂર્ણ થયું હોવાનું પાર્ટીએ જણાવ્યું છે. તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પર ડૉ. બાબાસાહેબ આંબેડકરનું લોકશાહી અને સામાજિક સમાનતા અંગેનું એક પ્રસિદ્ધ અવતરણ પણ દર્શાવવામાં આવ્યું છે, જે તેમની વિચારધારાનું પ્રતિબિંબ માનવામાં આવે છે.
આ પણ વાંચો: પેટ્રોલના મોંઘા ભાવ વચ્ચે સરકાર આપી શકે છે મોટી ભેટ : નવી હાઇબ્રિડ કાર ખરીદવા પર ટેક્સ થઈ શકે છે અડધો!
આશુતોષ રાંકા
ત્રીજા પ્રવક્તા તરીકે આશુતોષ રાંકાની નિમણૂક કરવામાં આવી છે. તેઓ આઈઆઈટી કાનપુર અને લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સના પૂર્વ વિદ્યાર્થી છે. પાર્ટી અનુસાર તેમણે લંડનમાં વૈશ્વિક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ મેકિન્ઝી એન્ડ કંપનીમાં કાર્ય કર્યું હતું, જ્યાં તેમણે અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને વ્યૂહાત્મક અને આર્થિક સલાહ આપી હતી.
ગયા વર્ષે ભારત પરત ફર્યા બાદ તેઓ પર્યાવરણ, શિક્ષણ અને યુવા મુદ્દાઓ સાથે જોડાયેલા વિવિધ આંદોલનોમાં સક્રિય રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. પાર્ટીનો દાવો છે કે તેમણે જયપુર સહિતના વિસ્તારોમાં અનેક સામાજિક અભિયાનોનું નેતૃત્વ કર્યું છે.
સોનમ વાંગચુકના સમર્થનથી વધ્યું રાજકીય મહત્વ
કોકરોચ જનતા પાર્ટીને તાજેતરમાં વધુ એક મહત્વપૂર્ણ સમર્થન મળ્યું છે. લદ્દાખના જાણીતા પર્યાવરણ કાર્યકર, શિક્ષણવિદ અને રેમન મેગ્સેસે પુરસ્કાર વિજેતા સોનમ વાંગચુકે જાહેરાત કરી છે કે જો 5 જૂન સુધી કેન્દ્રના શિક્ષણ મંત્રી રાજીનામું નહીં આપે તો તેઓ 6 જૂને યોજાનારા વિરોધ પ્રદર્શનમાં જોડાશે.
પાર્ટીએ સોશિયલ મીડિયા પર સોનમ વાંગચુકનો વિડિયો શેર કરીને આ માહિતી જાહેર કરી હતી. આ જાહેરાત બાદ પાર્ટીની પ્રવૃત્તિઓને વધુ વ્યાપક ચર્ચા મળી રહી છે. સોનમ વાંગચુકનું નામ શિક્ષણ અને પર્યાવરણ ક્ષેત્રે વિશ્વસનીયતા ધરાવતું માનવામાં આવે છે, જેના કારણે આ સમર્થન પાર્ટી માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
6 જૂને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેએ અગાઉ જાહેરાત કરી હતી કે તેઓ અમેરિકા પરથી ભારત પરત ફરી 6 જૂને દિલ્હીના જંતર-મંતર ખાતે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કરશે. આ પ્રદર્શનનો મુખ્ય મુદ્દો શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ હોવાનું જણાવવામાં આવ્યું છે.
અભિજીત દીપકે હાલમાં અમેરિકામાં છે અને તેમણે બોસ્ટન યુનિવર્સિટીમાંથી પોતાનું ઉચ્ચ શિક્ષણ પૂર્ણ કર્યું છે. પાર્ટીના સમર્થકોનું માનવું છે કે યુવાનો, શિક્ષણ અને રોજગાર જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને શરૂ થયેલું આ અભિયાન આગામી સમયમાં વધુ વ્યાપક રાજકીય ચર્ચાનો વિષય બની શકે છે.
જોકે કોકરોચ જનતા પાર્ટી હજુ નવી રાજકીય પહેલ તરીકે સામે આવી રહી છે, પરંતુ સોશિયલ મીડિયા પર મળતી લોકપ્રિયતા, જાણીતા ચહેરાઓનું સમર્થન અને યુવા વર્ગને કેન્દ્રમાં રાખીને ઉઠાવવામાં આવતા મુદ્દાઓને કારણે આગામી દિવસોમાં તેના પ્રભાવ પર સૌની નજર રહેશે.





