દેશની સૌથી મહત્વપૂર્ણ મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 પેપર લીક કાંડમાં તપાસ એજન્સીઓને મોટો બ્રેકથ્રુ મળ્યો છે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ આ કેસમાં મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા PV કુલકર્ણીની ધરપકડ કરી છે. આરોપી મહારાષ્ટ્રના પુણે સાથે સંકળાયેલ કેમિસ્ટ્રી લેકચર હોવાનું સામે આવ્યું છે જે લાતૂરમાં ખાનગી કોચિંગ સેન્ટર ચલાવતો હતો. તપાસ દરમિયાન બહાર આવ્યું છે કે કુલકર્ણીને પ્રશ્નપત્ર સુધી સીધી અથવા પરોક્ષ ઍક્સેસ મળી હતી, જેના આધારે તેણે પરીક્ષા પહેલા જ પ્રશ્નો લીક કરીને કેટલાક વિદ્યાર્થીઓને ફાયદો પહોંચાડ્યો હતો. આ ઘટનાએ દેશભરના લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતામાં ભારે આક્રોશ અને ચિંતા ઊભી કરી છે.
‘સ્પેશિયલ કોચિંગ’
CBIના પ્રાથમિક તારણ મુજબ, PV કુલકર્ણી માત્ર લીકમાં સંડોવાયેલ જ નહીં પરંતુ તે આ પ્રશ્નપત્રોનો ઉપયોગ કરીને ‘સ્પેશિયલ કોચિંગ સેશન’ પણ ચલાવતો હતો. જેમાં પસંદગીના વિદ્યાર્થીઓને અગાઉથી જ પ્રશ્નો સમજાવવામાં આવતા હતા. આ મોડેલથી આરોપીએ મોટા પ્રમાણમાં આર્થિક લાભ મેળવ્યો હોવાની શંકા છે. અગાઉના તપાસ રિપોર્ટ્સમાં પણ ખુલાસો થયો હતો કે ‘ગેસ પેપર’ના નામે લાખો રૂપિયામાં પ્રશ્નપત્ર વેચાતા હતા. કેટલાક કિસ્સાઓમાં આ રકમ 10 લાખથી 25 લાખ રૂપિયા સુધી પહોંચી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર કૌભાંડ માત્ર એક વ્યક્તિ સુધી મર્યાદિત નથી, પરંતુ દેશવ્યાપી સંગઠિત નેટવર્ક સાથે જોડાયેલ હોવાનું પણ સ્પષ્ટ થઈ રહ્યું છે.
મલ્ટી-સ્ટેટ નેટવર્ક અને અનેક ધરપકડો
તપાસ એજન્સીઓએ અત્યાર સુધીમાં અનેક રાજ્યોમાંથી આરોપીઓની ધરપકડ કરી છે. મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, બિહાર અને અન્ય રાજ્યોમાં ફેલાયેલા ઓછામાં ઓછા 45 લોકોના નેટવર્કનો પર્દાફાશ થયો છે. આ નેટવર્કમાં કોચિંગ સેન્ટરના સંચાલકો, મેડિકલ વિદ્યાર્થીઓ, પેપર સોલ્વર્સ અને મધ્યસ્થોની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. CBIએ અત્યાર સુધીમાં અનેક સ્થળોએ દરોડા પાડીને પુરાવા એકત્રિત કર્યા છે અને હજુ પણ વધુ લોકોની પૂછપરછ ચાલી રહી છે. તાજેતરમાં જ CBIએ પુણે અને અહિલ્યાનગરમાંથી વધુ બે આરોપીઓની ધરપકડ કરી હતી, જેના કારણે આ કેસમાં કુલ ધરપકડોની સંખ્યા સતત વધી રહી છે.
આ પણ વાંચો: ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે સમાચાર : પૂરક પરીક્ષાની મુદતમાં વધારો
પરીક્ષા રદ
આ કૌભાંડનો સૌથી મોટો ફટકો લાખો મહેનતુ વિદ્યાર્થીઓને લાગ્યો છે જેમણે વર્ષો સુધી તૈયારી કર્યા પછી પરીક્ષા આપી હતી. પેપર લીકના કારણે તેમની મહેનત પર પ્રશ્નચિહ્ન ઊભું થયું છે. શૈક્ષણિક નિષ્ણાતોના મત મુજબ, હવે પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા અને ટેક્નોલોજી આધારિત સુરક્ષા વધારવી અત્યંત જરૂરી બની ગઈ છે. સાથે જ કોચિંગ ઇન્ડસ્ટ્રી પર પણ વધુ કડક નિયંત્રણ લાવવાની માંગ ઉઠી રહી છે. તપાસ હજુ ચાલુ છે અને CBI વધુ મોટા ખુલાસાઓ તરફ આગળ વધી રહી છે. PV કુલકર્ણીની ધરપકડ આ કેસમાં એક મહત્વપૂર્ણ કડી સાબિત થઈ શકે છે, પરંતુ સમગ્ર નેટવર્કને તોડવા માટે હજુ વધુ તપાસ જરૂરી છે.
NEET-UG 2026 પરીક્ષા, જે 3 મેના રોજ યોજાઈ હતી, તેને પેપર લીકના ગંભીર આક્ષેપોને કારણે રદ કરવામાં આવી છે. સરકાર અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આ નિર્ણય લીધો હતો જેથી પરીક્ષાની વિશ્વસનીયતા જળવાઈ રહે.
નવી તારીખ મુજબ હવે ફરી પરીક્ષા 21 જૂન 2026ના રોજ યોજાવાની છે. સાથે જ કેન્દ્ર સરકારે ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે મોટો નિર્ણય લીધો છે. આગામી વર્ષથી NEET પરીક્ષા ઑનલાઇન (CBT મોડ)માં લેવામાં આવશે. આ નિર્ણય પરીક્ષા સુરક્ષા મજબૂત બનાવવા અને માનવ હસ્તક્ષેપ ઓછો કરવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.





