જમ્મુ-કાશ્મીર સ્થિત પવિત્ર અમરનાથ ગુફા માટે દર વર્ષે યોજાતી અમરનાથ યાત્રા 2026 માટે હવે તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી રહી છે. સત્તાવાર માહિતી મુજબ આ વર્ષની યાત્રા 3 જુલાઈ 2026થી શરૂ થશે અને લગભગ ઓગસ્ટ અંત સુધી ચાલશે. આ યાત્રા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ માટે ધાર્મિક આસ્થા અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. ભગવાન શિવના હિમલિંગના દર્શન માટે દેશભરના યાત્રિકો અહીં આવે છે. 2026 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પહેલેથી જ એપ્રિલ મધ્યથી શરૂ થઈ ચૂકી છે અને યાત્રા માટે RFID કાર્ડ અને હેલ્થ સર્ટિફિકેટ ફરજિયાત રાખવામાં આવ્યા છે.
યાત્રાના મુખ્ય રૂટ
અમરનાથ યાત્રા માટે મુખ્યત્વે બે માર્ગો છે. બાલટાલ માર્ગ અને પહલગામ-ચંદનવાડી માર્ગ. બાલટાલ માર્ગ ટૂંકો છે પરંતુ ખૂબ જ ખડકલો અને પડકારજનક ગણાય છે, જ્યારે પહલગામ માર્ગ લાંબો હોવા છતાં વધુ સરળ અને તબક્કાવાર પ્રવાસ માટે અનુકૂળ છે. પહલગામ માર્ગ ચંદનવાડી, શેષનાગ અને પંચતરણિ થઈને ગુફા સુધી પહોંચે છે અને સામાન્ય રીતે 4થી 5 દિવસ લાગે છે. બીજી તરફ, બાલટાલ માર્ગ માત્ર 1-2 દિવસમાં પૂર્ણ થઈ શકે છે પરંતુ તેમાં ઊંચી ચડાણ હોવાથી શારીરિક ક્ષમતા જરૂરી છે. તાજેતરમાં અનંતનાગ જિલ્લામાં નુનવાન અને ચંદનવાડી બેઝ કેમ્પ પર અધિકારીઓ દ્વારા તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે, જેમાં યાત્રિકો માટે સુવિધાઓ સુનિશ્ચિત કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.
સુરક્ષા વ્યવસ્થા
અમરનાથ યાત્રા દરમિયાન સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ મુદ્દો ગણાય છે. ગયા કેટલાક વર્ષોમાં થયેલા હુમલાઓ અને જોખમોને ધ્યાનમાં રાખીને આ વર્ષે પણ કડક સુરક્ષા વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી રહી છે. દર વર્ષે હજારો સૈનિકો, CRPF અને પોલીસ દળોની તૈનાતી કરવામાં આવે છે. યાત્રા માર્ગો પર ડ્રોન સર્વેલન્સ, બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ જેવી વ્યવસ્થાઓ કરવામાં આવે છે જેથી યાત્રિકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે. અધિકારીઓ દ્વારા માર્ગોની સતત મોનિટરિંગ, હવામાન પર નજર અને ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમને મજબૂત બનાવવામાં આવી રહી છે.
યાત્રિકો માટે જરૂરી નિયમો અને તૈયારી
યાત્રામાં ભાગ લેવા માટે 13થી 70 વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવી છે અને દરેક યાત્રિક માટે હેલ્થ સર્ટિફિકેટ ફરજિયાત છે. યાત્રિકોએ ગરમ કપડાં, ટ્રેકિંગ શૂઝ અને જરૂરી દવાઓ સાથે રાખવાની સલાહ આપવામાં આવે છે. આ ઉપરાંત, યાત્રા માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે કારણ કે દરરોજ મર્યાદિત સંખ્યામાં યાત્રિકોને જ પરવાનગી આપવામાં આવે છે.
આ પમ વાંચો: વધતી ગરમી વચ્ચે સુપર અલ-નીનોનો ખતરો : 1877ના વિનાશક ઈતિહાસથી વૈજ્ઞાનિકો ચિંતિત
શું ખાસ છે 2026 યાત્રામાં?
2026ની યાત્રામાં ટેક્નોલોજીનો ઉપયોગ વધુ વધારવામાં આવ્યો છે. RFID ટ્રેકિંગ સિસ્ટમ દ્વારા યાત્રિકોની મૂવમેન્ટ મોનિટર કરવામાં આવશે, જેથી સુરક્ષા અને વ્યવસ્થાપન બંને વધુ અસરકારક બની શકે. આ ઉપરાંત, બેઝ કેમ્પ પર આરોગ્ય સુવિધાઓ, રહેવાની વ્યવસ્થા, ખોરાક અને ટ્રાન્સપોર્ટ માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
યાત્રાનો ધાર્મિક અને સામાજિક મહત્ત્વ
અમરનાથ ગુફા એ સ્થળ છે જ્યાં માન્યતા મુજબ ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વનું રહસ્ય જણાવ્યું હતું. આ કારણે આ યાત્રા હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે. દર વર્ષે હજારો લોકો આ યાત્રા દ્વારા આધ્યાત્મિક અનુભૂતિ મેળવે છે. યાત્રા માત્ર ધાર્મિક જ નહીં પરંતુ સ્થાનિક અર્થતંત્ર માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાં હજારો લોકો રોજગાર મેળવે છે.





