Home Gujarat Natures Double Blow In Gujarat Unseasonal Rain And Hailstorm Amidst Scorching Hea

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં ભૂક્કા કાઢી નાંખશે વરસાદ : આ તારીખોમાં રાજ્યના 17 જિલ્લામાં કડાકા ભડાકા સાથે વરસાદ

કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતમાં ભૂક્કા કાઢી નાંખશે વરસાદ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Mar 13, 2026, 02:39 PM IST

Gujarat Weather 2026: ગુજરાતમાં હાલ ઋતુચક્રમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. એક તરફ સૂર્યદેવ આકરા મિજાજમાં છે, તો બીજી તરફ પશ્ચિમી વિક્ષેપ (Western Disturbance) ને કારણે રાજ્ય પર 'માવઠા'નું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ અને જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની તાજી આગાહી મુજબ, હાલ રાજ્યમાં ઉત્તર-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે આગામી 24 કલાક હીટવેવની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને કચ્છ, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમી પડશે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવનોને લીધે અકળામણ અનુભવાશે. જોકે, આવતીકાલથી ગરમીમાં આંશિક રાહત મળવાની શક્યતા છે. આ રાહતની સાથે જ રાજ્યમાં કમોસમી વરસાદ (માવઠું) થવાની પણ વકી છે.

18 માર્ચના રોજ કચ્છ, બનાસકાંઠા અને પાટણમાં વરસાદ પડી શકે છે, જ્યારે 19 માર્ચના રોજ વરસાદનો વ્યાપ વધશે. જેમાં સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ તેમજ ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વડોદરા, સુરત, ભરૂચ સહિતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર થવાની આગાહી કરવામાં આવી છે.

18-19 માર્ચ: 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પવનની દિશામાં ફેરફાર અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજકોટ, વડોદરા સહિત રાજ્યના અંદાજે 17 જેટલા જિલ્લાઓમાં 18 અને 19 માર્ચ દરમિયાન વરસાદી માહોલ જોવા મળશે. ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે.

હીટવેવ અને તાપમાનનો પારો 44 ડિગ્રીને આંબશે

વરસાદી આગાહી વચ્ચે પણ ગરમીમાંથી તરત છુટકારો મળે તેમ નથી. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલના મતે આગામી 24 કલાક હીટવેવની અસર યથાવત રહેશે. 20મી માર્ચ સુધીમાં તાપમાનમાં ઉત્તરોત્તર વધારો થશે. રાજ્યના કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, જે સામાન્ય જનજીવનને વ્યાકુળ કરી દેશે.

અંબાલાલ પટેલની મોટી આગાહી: કરા સાથે વરસાદની શક્યતા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે માર્ચ મહિનો ગુજરાત માટે હવામાનની દ્રષ્ટિએ ઉથલપાથલ વાળો રહેશે. તેમના મતે 14 થી 18 માર્ચ દરમિયાન એક શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર હેઠળ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 16 થી 22 માર્ચ અને ત્યારબાદ 28 માર્ચથી એપ્રિલની શરૂઆત સુધી ફરી એકવાર પશ્ચિમી વિક્ષેપ સર્જાશે. જ્યારે કાળઝાળ ગરમી વચ્ચે પશ્ચિમી વિક્ષેપ આવે છે, ત્યારે વાતાવરણમાં અસ્થિરતા સર્જાતા કરા (Hailstorms) પડવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે.

'જગતના તાત'ની ચિંતામાં વધારો

ભલે ગરમીથી સામાન્ય લોકોને આંશિક રાહત લાગે, પરંતુ આ કમોસમી વરસાદ ખેડૂતો માટે 'આફત' સમાન સાબિત થઈ શકે છે. ઘઉં, જીરું, વરિયાળી અને રાયડા જેવા પાકો અત્યારે લણણીની અવસ્થામાં છે અથવા ખળામાં છે. આ સમયે વરસાદ પડે તો પાકની ગુણવત્તા બગડી શકે છે. કેરીના પાકને પણ આ વાતાવરણથી મોટું નુકસાન થવાની ભીતિ છે. હવામાનમાં આવતા આ ફેરફારોને જોતા ખેડૂત ભાઈઓએ પોતાના ખેત ઉત્પાદનોને સુરક્ષિત સ્થળે ખસેડવા અને બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખેલો માલ ઢાંકી દેવા સલાહ આપવામાં આવે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now