પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં તણાવ છે. આ દરમિયાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે એક મોટો દાવો કર્યો છે. ખડગેએ પહેલગામ હુમલાના કેન્દ્ર સરકાર પર સવાલ ઉઠાવતા દાવો કર્યો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને હુમલાના ત્રણ દિવસ પહેલા ગુપ્તચર અહેવાલો મળ્યા હતા.
વાસ્તવમાં, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પહેલગામ હુમલા બાદ વળતી કાર્યવાહી કરવાની કેન્દ્ર સરકારની પદ્ધતી પર પ્રશ્નો ઉઠાવ્યા હતા અને દાવો કર્યો હતો કે પીએમ મોદીને હુમલાના ત્રણ દિવસ પહેલા ગુપ્તચર અહેવાલ મળી ગયો હતો.
પીએમ મોદીને પૂછાયેલા પ્રશ્નો
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ નાગરિકોનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયા હોવા છતાં, એ જ ગુપ્ત માહિતીના આધારે વડા પ્રધાને કથિત રીતે તેમની કાશ્મીર મુલાકાત રદ કરી હોવા બદલ ટીકા કરી હતી.
ઝારખંડમાં 'બંધારણ બચાવો' રેલીને સંબોધન કરતી વખતે, તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે અગાઉથી ચેતવણી આપવા છતાં કોઈ નિવારક પગલાં કેમ લેવામાં આવ્યા નહીં.
તેમણે આ રેલીમાં કહ્યું કે 22 એપ્રિલે દેશમાં એક મોટો આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 26 લોકો માર્યા ગયા હતા. તે ગુપ્તચર નિષ્ફળતા હતી; સરકારે તેનો સ્વીકાર કર્યો છે અને કહ્યું છે કે તેઓ તેનો ઉકેલ લાવશે. પરંતુ જો તેમને આ વાતની જાણ હતી, તો શા માટે કંઈ કરવામાં આવ્યું નહીં?






