Home International National News Accident People Drown In Sinkhole In Bolero Canal In Up

મંદિરમાં જળ ચઢાવવા જતા પહેલાં જ ભક્તોને ભરખી ગયા યમરાજ : યુપીના ગોંડામાં બોલેરો નહેરમાં ખાબકતા 10થી વધુ શ્રદ્ધાળુઓના મોત, હચમચાવી દેશે Video

મંદિરમાં જળ ચઢાવવા જતા પહેલાં જ ભક્તોને ભરખી ગયા યમરાજ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Aug 03, 2025, 09:01 AM IST

Road Accident: યુપીના ગોંડા જિલ્લાના એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે. જેને કારણે હ્રદયદ્વાવક દ્રશ્યો સર્જાયા છે. માર્ગ અકસ્માતમાં એક બોલેરો કાર નહેરમાં ખાબકતા 11 શ્રદ્ધાળુઓના કરુણ મોત થયા છે. મૃત્યુઆંક હજુ પણ વધે તેવી સંભાવના છે. આ દુર્ઘટના ત્યારે બની જ્યારે બધા પૃથ્વીનાથ મંદિરમાં જળ ચઢાવવા જઈ રહ્યા હતા. બોલેરોમાં કુલ 15 લોકો સવાર હતા, જેમાંથી મોટાભાગના એક જ પરિવારના હોવાનું સામે આવ્યું છે.

પ્રાથમિક માહિતી અનુસાર, કાર ચાલકે કોઈ કારણોસર વાહન પર કાબૂ ગુમાવતાં ગાડી સીધા સરયૂ નહેરમાં ખાબકી. ઘટના દરમિયાન કારમાં બેઠેલા લોકો ભજન ગાઈ રહ્યાં હતા. અકસ્માત સમયે વાહન ઝડપથી નહેરમાં ગરકાવ થઈ ગયું અને અંદર ફસાયેલા લોકો માટે બહાર નીકળવાનું શક્ય બન્યું નહીં.


ગ્રામજનો અને પોલીસે શરૂ કરી બચાવ કામગીરી:

ઘટનાની જાણ થતાં આસપાસના ગ્રામજનો તરત ઘટનાસ્થળે દોડી ગયા. આશરે 10 મિનિટમાં પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ. લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી, પરંતુ કારના દરવાજા બંધ હોવાથી લોકો અંદર ફસાઈ ગયા. યથાશક્તિ પ્રયાસ કર્યા બાદ લોકોએ કારના કાચ તોડીને અંદરના લોકોને બહાર કાઢ્યા. આ દુર્ઘટનામાં 11 લોકોના કરુણ મોત થયા છે, જ્યારે 4 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલમાં પણ બચાવ કાર્ય ચાલી રહ્યું છે. બોલેરો કાર હજુ પણ નહેરમાં ફસાઈ છે. 3 અલગ-અલગ પોલીસ સ્ટેશનોના લગભગ 100 જેટલા કર્મચારીઓ બચાવ કામગીરીમાં જોડાયેલા છે.

મૃત્યુકાંડમાં મૃત્યુ પામનાર લોકોની યાદીઃ

આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરી લેવામાં આવી છે. જેમાં બીના (ઉ.વ. 35), કાજલ (22), મહેક (12), દુર્ગેશ, નંદિની, અંકિત, શુભ, સંજુ વર્મા, અંજુ, અનસૂયા અને સૌમ્યા સહિતના કમનસીબ લોકોનો સમાવેશ થાય છે.

અકસ્માતમાંથી બચેલા યુવકે વ્યક્ત કરી સંવેદનાઃ

અકસ્માતમાં બચેલા એક કિશોરે જણાવ્યું કે, "અમે બધા મંદિરમાં જળ ચઢાવવા જઈ રહ્યાં હતા અને ભજન ગાઈ રહ્યાં હતા. અચાનક ગાડી સરકી ગઈ અને નહેરમાં ખાબકી. પછી શું થયું તે યાદ નથી."

જિલ્લા પ્રશાસન અને પોલીસ તંત્રે દુર્ઘટનાના ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. મૃતકોના પરિવારજનો માટે સહાયની જાહેરાતની પણ સંભાવના વ્યક્ત કરાઈ છે. જોકે, હાલ આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લહેર ફેલાવી દીધી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now