નર્મદા જિલ્લાના રાજપીપળા એરોડ્રામ ખાતે આવેલી ખુલ્લી જમીનમાં ટીટોડીએ ચાર ઈંડાં મૂક્યાં હોવાનું સામે આવતાં સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં વરસાદના પરંપરાગત વરતારાને લઈને ચર્ચા શરૂ થઈ છે. વર્ષોથી ગ્રામ્ય વિસ્તારોમાં એવી માન્યતા ચાલી આવે છે કે ચોમાસા પહેલાં ટીટોડી જ્યાં અને જે રીતે ઈંડાં મૂકે તેના આધારે આગામી વરસાદની સ્થિતિ અંગે અંદાજ લગાવી શકાય છે.
હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ અનુભવાઈ રહ્યો છે. આવી સ્થિતિમાં ખેડૂતો સહિત સામાન્ય લોકોની નજર હવે આગામી ચોમાસા પર છે. પરંપરાગત લોકજ્ઞાન મુજબ ટીટોડીના ઈંડાંનું સ્થાન, સંખ્યા અને તેની સ્થિતિ વરસાદના વરતારા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ઘણા ખેડૂતો આજે પણ આ માન્યતાને ધ્યાનમાં રાખીને ખેતીની પ્રાથમિક તૈયારીઓ કરતા હોવાનું જોવા મળે છે.
ટીટોડીના ઈંડાં પરથી કેવી રીતે કરવામાં આવે છે વરતારો?
લોકવાયકા અનુસાર ટીટોડી સામાન્ય રીતે જમીન પર જ ઈંડાં મૂકે છે. માન્યતા એવી છે કે ટીટોડી જેટલાં ઈંડાં મૂકે તેટલા મહિના સારો વરસાદ થવાની શક્યતા માનવામાં આવે છે. આ પ્રમાણે જો ચાર ઈંડાં મૂકવામાં આવ્યા હોય તો ચાર મહિના સુધી ચોમાસું સારું રહેવાનો સંકેત ગણાય છે.
આ ઉપરાંત ઈંડાં ક્યાં મૂકવામાં આવ્યા છે તે પણ મહત્વનું માનવામાં આવે છે. જો ટીટોડી ઊંચા, પથરાળ અથવા વધુ સુરક્ષિત સ્થળે ઈંડાં મૂકે તો તેને ભારે વરસાદ અથવા પૂરની સ્થિતિના સંકેત તરીકે જોવામાં આવે છે. જ્યારે ખુલ્લી જમીન અથવા નીચાણવાળા વિસ્તારમાં ઈંડાં મૂકવામાં આવે તો વરસાદ ઓછો કે મોડો આવવાની શક્યતા હોવાનું લોકમાન્યતામાં કહેવાય છે.
ઈંડાંની સ્થિતિ અંગે પણ અલગ અલગ અર્થઘટન કરવામાં આવે છે. જો ઈંડાંની અણી નીચે તરફ હોય અને ઈંડાં ઉભી સ્થિતિમાં હોય તો સારા વરસાદના સંકેત માનવામાં આવે છે. બીજી તરફ જો કોઈ ઈંડું આડું અથવા જમીનને સમાંતર સ્થિતિમાં હોય તો ચોમાસાના કોઈ એક તબક્કામાં વરસાદની ખેંચ વર્તાઈ શકે તેવી માન્યતા છે.
આ પણ વાંચો: અમદાવાદ રિવરફ્રન્ટ પર બોટમાં લાગી ભીષણ આગ : બોટમાંથી નીકળતી જ્વાળાઓ જોઈ લોકોમાં દોડધામ, કારણ હજુ અકબંધ
રાજપીપળા એરોડ્રામ ખાતે જોવા મળેલી સ્થિતિ
રાજપીપળા એરોડ્રામ ખાતે ટીટોડીએ મૂકેલા ચાર ઈંડાંમાંથી ત્રણ ઈંડાં ઉભી સ્થિતિમાં અને એક ઈંડું આડું હોવાનું સ્થાનિક સ્તરે નિરીક્ષણ કરવામાં આવ્યું છે. પરંપરાગત માન્યતા અનુસાર આ સ્થિતિનું અર્થઘટન કરવામાં આવે તો આગામી ચોમાસામાં ત્રણ મહિના સારો વરસાદ અને એક મહિનો નબળો વરસાદ રહેવાની શક્યતા દર્શાવે છે.
આ પ્રકારના વરતારાઓ પેઢીઓથી ખેડૂતો વચ્ચે પ્રચલિત રહ્યા છે. ખાસ કરીને હવામાન વિભાગની આધુનિક આગાહીઓ ઉપલબ્ધ ન હતી તે સમયગાળામાં ખેડૂતો કુદરતી સંકેતો, પક્ષીઓની વર્તણૂક, પવનની દિશા અને અન્ય પરંપરાગત પદ્ધતિઓના આધારે વરસાદનો અંદાજ લગાવતા હતા.
આ પણ વાંચો: મહીસાગરના 123 કરોડના 'નળ સે જળ' કૌભાંડમાં વધુ એક ધરપકડ : અત્યાર સુધી 33 આરોપીઓની થઈ છે ધરપકડ
પરંપરા અને વિજ્ઞાન વચ્ચેનો સંબંધ
21મી સદીના ડિજિટલ અને ટેક્નોલોજીના યુગમાં હવામાનની આગાહી માટે અત્યાધુનિક ઉપગ્રહો, રડાર સિસ્ટમ અને વૈજ્ઞાનિક મોડેલો ઉપલબ્ધ છે. તેમ છતાં ગ્રામ્ય સમાજમાં ટીટોડીના ઈંડાં, કીડા-મકોડાંની હલચલ અને અન્ય કુદરતી સંકેતો પ્રત્યે વિશ્વાસ આજે પણ જોવા મળે છે.
જોકે હવામાનશાસ્ત્રીઓ વરસાદની ચોક્કસ આગાહી માટે વૈજ્ઞાનિક માહિતી અને આંકડાઓને જ આધારભૂત માને છે. ટીટોડીના ઈંડાં પરથી કરવામાં આવતી આગાહીઓને કોઈ સત્તાવાર વૈજ્ઞાનિક માન્યતા પ્રાપ્ત નથી. તેમ છતાં લોકઅનુભવો અને પરંપરાગત જ્ઞાનના ભાગરૂપે આ માન્યતાઓ ગ્રામ્ય જીવનમાં આજે પણ જીવંત છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે કેટલાક પ્રસંગોએ ટીટોડીના ઈંડાં પરથી કરવામાં આવેલા વરતારા સાચા સાબિત થયા હોવાનું પણ જોવા મળ્યું છે. પરિણામે ચોમાસાની શરૂઆત પહેલાં આવા કુદરતી સંકેતો લોકોમાં હંમેશા રસ અને ચર્ચાનો વિષય બની રહે છે.





