Home Gujarat Narmada E Rickshaw Scheme Scam Allegations Investigation Demand

નર્મદામાં ઈ-રિક્ષા યોજનામાં કરોડોનું કૌભાંડ હોવાના આક્ષેપ : 'કાગળ પર દોડતી રિક્ષા, જમીન પર ગાયબ'

ઈ-રિક્ષા અને લેટરની છબી
Image Credit: OBS bureau
Published by: Niraj Chokshi
Last Updated: Jun 03, 2026, 11:57 AM IST

નર્મદા જિલ્લામાં ગ્રામ્ય વિકાસ અને સ્વચ્છતા માટે અમલમાં મૂકાયેલી ઈ-રિક્ષા યોજના હવે ગંભીર વિવાદમાં સપડાઈ છે. દેડીયાપાડા, સાગબારા અને ચિકદા તાલુકાની અનેક ગ્રામ પંચાયતોમાં ઈ-રિક્ષાની ખરીદીના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી (DDO) સહિતના ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.

આક્ષેપો સામે આવતા જિલ્લા વહીવટી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ફરિયાદમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકારી યોજનાના નામે ઈ-રિક્ષાની ખરીદી દર્શાવી લાખો રૂપિયાના બિલો પાસ કરવામાં આવ્યા, પરંતુ વાસ્તવમાં અનેક ગામોમાં આ રિક્ષાઓનો ઉપયોગ થતો જ નથી.

કાગળ પર ખરીદી

ફરિયાદ મુજબ કેટલીક ગ્રામ પંચાયતોમાં ઈ-રિક્ષા ખરીદાઈ હોવાના રેકોર્ડ દર્શાવવામાં આવ્યા છે, પરંતુ વાસ્તવિક સ્થિતિમાં રિક્ષાઓ ઉપયોગ વિના ખુલ્લામાં પડી હોવાનું કહેવાય છે. કેટલાક ગામોમાં તો ઈ-રિક્ષા એક દિવસ પણ સેવા માટે દોડાવવામાં આવી ન હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.

સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે કેટલીક ગ્રામ પંચાયતો દ્વારા જરૂરિયાત ન હોવા છતાં ઈ-રિક્ષા સ્વીકારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. પરિણામે હાલ અનેક સ્થળોએ આ વાહનો બિનઉપયોગી હાલતમાં ધૂળ ખાઈ રહ્યા હોવાનું કહેવાય છે. જો આ આક્ષેપો સાચા સાબિત થાય તો સરકારી નાણાંના ઉપયોગ અને યોજનાના અમલીકરણ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે.

આ પણ વાંચો: PM મોદીના દમણ પ્રવાસ પહેલાં સુરક્ષા રિહર્સલ : 4 જૂનની સાંજે અનેક માર્ગો પર ટ્રાફિક અસરગ્રસ્ત રહેશે

સપ્લાયર અને અધિકારીઓની મિલીભગતના આરોપ

આ સમગ્ર મામલામાં સપ્લાયરો અને કેટલાક જવાબદાર અધિકારીઓ વચ્ચે મિલીભગત હોવાનો ગંભીર આરોપ પણ લગાવવામાં આવ્યો છે. રજૂઆતમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે કમિશનખોરીના હેતુથી ખોટા અથવા વધારેલા બિલો રજૂ કરી સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે છે.

ફરિયાદકર્તાઓનું કહેવું છે કે સ્વચ્છતા અને ગ્રામ્ય વિકાસ માટેની કલ્યાણકારી યોજનાઓનો લાભ ગ્રામજનોને મળવાને બદલે કેટલાક લોકો માટે કમાણીનું સાધન બની ગઈ છે. આક્ષેપો મુજબ યોજનાના વાસ્તવિક હેતુથી ભટકી જઈને નાણાકીય ગેરરીતિઓ કરવામાં આવી હોવાની સંભાવના છે. જો કે, આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી અને તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે.

આ પણ વાંચો: 'મહારાષ્ટ્રની જેમ ગુજરાતના ખેડૂતોનું દેવું પણ તત્કાલ માફ કરો' : કરશનબાપુ ભાદરકાએ ભાજપ સરકાર પર સાધ્યા પ્રહાર

માનવ અધિકાર સુરક્ષા પરિષદની કડક રજૂઆત

આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા પરિષદ (નવી દિલ્હી)ના સેન્ટ્રલ કમિટી પ્રેસિડેન્ટ સર્જન એસ. વસાવા દ્વારા જિલ્લા કલેક્ટર, DDO, પ્રાંત અધિકારી તેમજ સંબંધિત તાલુકા વિકાસ અધિકારીઓ (TDO)ને લેખિત ફરિયાદ આપવામાં આવી છે. રજૂઆતમાં સમગ્ર પ્રકરણની પારદર્શક તપાસ કરવાની માંગ સાથે જવાબદાર અધિકારીઓ, સપ્લાયરો અને અન્ય સંકળાયેલા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. પરિષદે ચેતવણી આપી છે કે જો આ મામલે નિષ્પક્ષ તપાસ નહીં થાય અને જવાબદારો સામે પગલાં નહીં લેવાય તો આગામી દિવસોમાં રાજ્ય સ્તરે આંદોલન શરૂ કરવામાં આવશે.

આ પણ વાંચો: અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી 7 દિવસ રહશે વરસાદી માહોલ : વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, 50 KMની ઝડપે પવન ફૂંકાવાની આગાહી

તપાસની માંગ વચ્ચે પ્રશાસન પર નજર

આક્ષેપો સામે આવ્યા બાદ હવે સમગ્ર નર્મદા જિલ્લાની નજર જિલ્લા પ્રશાસનની કાર્યવાહી પર ટકેલી છે. લોકોમાં ચર્ચા છે કે શું આ મામલે સ્વતંત્ર તપાસ સમિતિની રચના કરવામાં આવશે કે પછી વિભાગીય તપાસ દ્વારા હકીકતો બહાર લાવવામાં આવશે. ગ્રામ્ય વિકાસ અને સ્વચ્છતા સાથે સંકળાયેલી યોજનાઓમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે જવાબદારી નક્કી કરવાની માંગ પણ ઉઠી રહી છે. હાલ આ મામલે સંબંધિત સરકારી વિભાગ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી. તપાસ શરૂ થયા બાદ જ આક્ષેપોની સત્યતા અને સંભવિત ગેરરીતિઓ અંગે સ્પષ્ટ ચિત્ર સામે આવી શકશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now