Home Gujarat Narit Ai Gujarat Police Ndps Investigation Tool

ગુજરાત પોલીસનું નવું શસ્ત્ર 'NARIT AI' : FIR થી લઈને કોર્ટ સુધી, NARIT AI કરશે નાર્કોટિક્સ તપાસ વધુ મજબૂત!

Gujarat Police
Published by: Aryan Shah
Last Updated: Apr 10, 2026, 06:35 AM IST

NARIT AI : રાજ્યમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવતા ગુજરાત પોલીસે ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) નામનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ટૂલ લોન્ચ કર્યુ છે. આ પહેલનો હેતુ નાર્કોટિક્સ સંબંધિત તપાસને અસરકારક બનાવવાનો છે અને કોર્ટમાં ટ્રાયલ દરમિયાન કેસને વધુ મજબૂત બનાવી આરોપીઓને સજા અપાવવાનો છે.

NARIT AI કેવી રીતે કામ કરશે?

NARIT AI એક Retrieval Augmented Generation (RAG) આધારિત સિસ્ટમ છે, જે NDPS કાનૂની માળખા હેઠળના જટિલ નાર્કોટિક્સ કેસોને હેન્ડલ કરવામાં તપાસ કરનાર અધિકારી અને એજન્સીને મદદરૂપ થાય છે. મહત્વની વાત એ છે કે, આ ટૂલ દરેક કેસ સંદર્ભે કાનૂની જોગવાઈઓ, કાયદા અને તપાસ પ્રક્રિયાઓને એકઠી કરીને તપાસ અધિકારીઓને રિયલ-ટાઈમ વિશ્લેષણ કરી કાનુની સલાહ પણ આપે છે. ભારતમાં કોઈપણ રાજ્ય પોલીસ અથવા કાયદાનો અમલ કરતી એજન્સી દ્વારા ઉપયોગમાં લેવાતું આ પ્રથમ પ્રકારનું AI આધારિત ટૂલ છે. એપ્લિકેશન પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરા વિભાગ દ્વારા મુંબઈ સ્થિત AI સ્ટાર્ટઅપના સહયોગથી વિકસાવવામાં આવી છે.

'ગુજરાત રાજ્ય ડ્રગ્સ સબંધિત ગૂનાઓને નેસ્તનાબૂદ કરવા માટે મક્કમ'

DyCM હર્ષ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાત રાજ્ય ડ્રગ્સ સબંધિત ગૂનાઓને નેસ્તનાબૂદ કરવા માટે મક્કમ છે. આ સમગ્ર નેટવર્ક તોડી પાડવા માટે જે કંઇ પણ કરવું પડે તે માટે અમે કટિબદ્ધ છીએ. ડ્રગ્સ સંબંધિત ગુનાઓની અસરકારક તપાસ થાય અને આરોપીઓ સામે અસરકારક કાનુની ગાળિયો બંધાય તે માટે અમે જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરી છે અને ટેકનોલોજીની મદદથી આ કાર્ય બધુ મજબૂત બનશે.’’ આ એપ્લિકેશન ગુજરાત રાજ્ય પોલીસ વડા (DGP) કે.એલ.એન. રાવ અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી છે અને પશ્ચિમ રેલવે, વડોદરાના પોલીસ અધિક્ષક (SP) અભય સોનીની આ પહેલ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકારે નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે અને આવા ગંભીર ગુનાઓને રોકવા માટે અને તેની કડક તપાસ થાય તે માટે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.NARIT AI થી શું અસર થશે?

“અગાઉ તપાસ માત્ર વિશેષ તાલીમ પ્રાપ્ત પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરાતી હતી, જેના કારણે કામનો ભાર અને વહીવટી વિલંબ સર્જાતો હતો. આ ટૂલ નવીન RAG આધારિત AI ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ‘ફોર્સ મલ્ટિપ્લાયર’ તરીકે કાર્ય કરશે અને દરેક તપાસ અધિકારીને નિયમો મુજબ યોગ્ય તપાસ કરવાની સક્ષમતા આપશે, જેના કારણે NDPS કેસોમાં કન્વિક્શન રેટ (conviction rate) સુધરશે. આ એપ્લિકેશન હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક કેસો, બેર એક્ટ્સ અને સરકારી માર્ગદર્શિકાઓ પર તાલીમિત હોવાથી ‘હેલ્યુસિનેશન’ ની શક્યતા ખૂબ ઓછી છે અને તપાસ અધિકારીને વૈજ્ઞાનિક ઢબે તપાસમાં મદદરૂપ થાય છે,” અભય સોની, પોલીસ વડા, વેસ્ટર્ન રેલ્વે, વડોદરા, એ જણાવ્યું. આ એપ્લિકેશન બનાવવામાં તેમની મહત્વની ભૂમિકા છે. પોલીસ અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે, ડ્રગ સંબધિત કેસોની તપાસમાં સૌથી મોટો પડકાર પ્રક્રિયાત્મક પાલનનો હોય છે. ભૂતકાળમાં એવું જોવામાં આવ્યું છે કે, મજબૂત પુરાવા હોવા છતાં તપાસની પ્રક્રિયામાં રહેલી ખામીઓના કારણે આરોપીઓ છુટી જાય છે. આ એપ્લિકેશન દરેક તપાસ અધિકારીને વિગતવાર રિપોર્ટ આપશે, જેનો ઉપયોગ અંતિમ નિર્ણય લેતી વખતે કરી શકાશે. આથી પ્રક્રિયાત્મક ખામીઓ ટાળવામાં મદદ મળશે, તપાસની ગુણવત્તામાં સુધારો થશે અને અંતે NDPS કેસોમાં દોષિત ઠરાવ દર વધશે.”

તપાસ અધિકારીઓને કેવી રીતે મદદરૂપ થશે?

સૌપ્રથમ, પોલીસ અધિકારીએ FIR આ એપ્લિકેશનમાં અપલોડ કરવી પડશે. અપલોડ થયા પછી સિસ્ટમ વિશ્લેષણ રિપોર્ટ તૈયાર કરશે. આ રિપોર્ટ કેસની મજબૂતીઓ અને નબળાઈઓનું મૂલ્યાંકન કરશે અને કાનૂની ઉપાયો સૂચવશે. આ ટેક્નોલોજી NDPS સંબધિત કેસોમાં પોલીસ કર્મચારીઓને તપાસમાં માર્ગદર્શન પૂરુ પાડશે, જેમાં હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓના આધારે સૂચનો, કાનૂની પ્રક્રિયાનો પાલન, FIR ની કાનૂની દ્રષ્ટિએ નબળાઈઓની ઓળખ, શું કરવું અને શું ન કરવું તેની સલાહ આપશે અને પુરાવાઓનું ચેકલિસ્ટ પણ આપશે. આ એપ્લિકેશન તપાસ અધિકારીઓને પ્રક્રિયાત્મક ભૂલો ટાળવામાં મદદરૂપ થશે.

આ નવી AI આધારિત સિસ્ટમ શું કરે છે?

આ એપ્લિકેશન FIR ની માહિતી ઇનપુટ તરીકે લઈ કેસનું વિગતવાર વિશ્લેષણ કરે છે અને રિપોર્ટ જનરેટ કરે છે. આ મોડલ નવીન RAG આધારિત AI ટેક્નોલોજી પર આધારિત છે અને NDPS કેસોમાં જામીન અને ટ્રાયલ સંબંધિત હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદાઓ, BNS, BNSS, BSA ના બેર એક્ટ્સ, NDPS એક્ટ, 1985 તેમજ સરકારી માર્ગદર્શિકા અને સર્ક્યુલર્સ પર આધારિત છે. RAG ટેક્નોલોજી આધારિત આ AI સિસ્ટમ માત્ર તેને આપેલા ડેટાબેઝનો ઉપયોગ કરીને FIR નું વિશ્લેષણ કરે છે અને ઓપન ઇન્ટરનેટ સર્ચ પર આધાર રાખતી નથી, જેના કારણે ‘હેલ્યુસિનેશન’ ની શક્યતા દૂર થાય છે. આ એપ્લિકેશન ગુજરાત હાઈકોર્ટની તાજેતરની AI ઉપયોગ સંબંધિત માર્ગદર્શિકાનું પાલન કરે છે અને તે મુજબ આ એક ખાનગી AI સિસ્ટમ તરીકે વર્ગીકૃત છે, જે ખાસ કરીને ગુજરાત પોલીસ માટે વિકસાવવામાં આવી છે અને સામાન્ય જનતા માટે ઉપલબ્ધ નથી.

કોર્ટ ટ્રાયલમાં પણ માર્ગદર્શન આપશે

આ એપ્લિકેશન તપાસ માર્ગદર્શિકા આપવા ઉપરાંત, કોર્ટમાં સંભવિત બચાવ દલીલોનું પૂર્વાનુમાન લગાવી શકે છે અને હાઈ કોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક કેસ કાયદાના આધારે તેનો પ્રતિભાવ પણ સૂચવે છે. RAG આધારિત AI ટેક્નોલોજી ‘હેલ્યુસિનેશન’ (ખોટી ધારણા) ને ઓછી કરે છે અને કાનૂની જોગવાઈઓ અને કેસ કાયદા પર આધારિત ચોક્કસ પરિણામો આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now