Ahmedabad News: અમદાવાદ જિલ્લાના નળસરોવર પોલીસ સ્ટેશનની હદમાં આજે વહેલી સવારે એક અત્યંત કરુણ અકસ્માત સર્જાયો હતો. વંથળથી કમીજલા જવાના માર્ગ પર એક અજાણ્યા પીકઅપ ડાલા ચાલકે બાઈકને જોરદાર ટક્કર મારતા, બાઈક પર સવાર પાંચ વ્યક્તિઓમાંથી ત્રણના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ છે.
ઘટનાની વિગત
મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કલ્યાણપુર ગામનો પરિવાર સવારના આશરે 7:15 વાગ્યાના સુમારે પોતાના હીરો મોટરસાયકલ (નંબર: GJ-13-BK-8702) પર સવાર થઈને કલ્યાણપુરથી નભોઈ તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન વંથળ અને કમીજલા વચ્ચેના માર્ગ પર પાછળથી પૂરઝડપે આવી રહેલા એક સફેદ કલરના અજાણ્યા પીકઅપ ડાલાએ બાઈકને અડફેટે લીધું હતું.
સ્થળ પર જ માતા-પુત્રનું મોત
આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલક અલ્પેશભાઈ માણીયા અને તેમના માતા સંતોકબેનનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. જ્યારે પરિવારની 4 વર્ષની માસૂમ બાળકી માનવીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં સારવાર દરમિયાન તેનું પણ મોત નીપજ્યું હતું. આમ, આ અકસ્માતે એક જ પરિવારના ત્રણ સભ્યોનો ભોગ લીધો છે.
ઇજાગ્રસ્તોની વિગત
બાઈક પર સવાર અન્ય બે વ્યક્તિઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે:
1. પુનીબેન અલ્પેશભાઈ માણીયા (ઉં.વ. 19) – મૃતક અલ્પેશભાઈના પત્ની.
2. આર્યન વસંતભાઈ માણીયા (ઉં.વ. 04) – ભત્રીજો.
મૃતકોની યાદી
અલ્પેશભાઈ અશોકભાઈ માણીયા (ઉં.વ. 22)
સંતોકબેન અશોકભાઈ માણીયા (ઉં.વ. 42)
માનવીબેન વસંતભાઈ માણીયા (ઉં.વ. 04)
પોલીસ કાર્યવાહી
ઘટનાની જાણ થતા જ નળસરોવર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અજાણ્યા પીકઅપ ડાલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. એક જ બાઈક પર પાંચ સવારી જઈ રહેલા પરિવાર સાથે સર્જાયેલી આ દુર્ઘટનાથી કલ્યાણપુર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.





