અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ઉદ્યોગપતિ અને ખાલિસ્તાની વિચારધારાના ખુલ્લા વિરોધક સુખી ચહલનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું છે. ઘટના ગુરુવારે રાત્રે સર્જાઈ હતી, જ્યારે તેઓ પોતાના પરિચિતના ઘરે રાત્રિભોજન માટે ગયા હતા. ભોજન પછી તરત જ તેમની તબિયત લથડી ગઈ હતી અને તેમણે સ્થળ પર જ દમ તોડી દીધો હતો.
સુખી ચહલના નજીકના મિત્ર જસપાલ સિંહે શનિવારે તેમના મોતની પુષ્ટિ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ચહલ સંપૂર્ણપણે સ્વસ્થ હતા અને અચાનક થયેલા તેમના અવસાનથી અનેક પ્રશ્નો ઊભા થયા છે.
ખાલિસ્તાની વિચારધારાનો પ્રખર વિરોધ કરતા
સુખી ચહલ "ખાલસા ટુડે" પત્રિકાના સ્થાપક અને CEO તરીકે ઓળખાતા હતા. તેઓ વિદેશમાં ખાલિસ્તાની વિચારધારાના પ્રતિ સ્પષ્ટ અવાજ તરીકે ઉભરી આવ્યા હતા. તેમના પર અનેક વખત ધમકીઓ પણ આપવામાં આવી હતી, તેમ છતાં તેઓ પોતાના મત પર અડગ રહ્યા હતા.
બુટા સિંહ કાલેર, ચહલના એક પરિચિતે જણાવ્યું કે તેમને સતત મોતની ધમકીઓ મળી રહી હતી, છતાં તેઓ ડર્યા નહીં અને ખાલિસ્તાની પ્રવૃત્તિઓનો વિરોધ કરતો અવાજ ઊંચો કરતાં રહ્યા.
17 ઓગસ્ટના ‘ખાલિસ્તાન લોકમત’ કાર્યક્રમ પહેલા થયું મોત
ચહલના મિત્રોએ શંકા વ્યક્ત કરી છે કે ચહલનું મોત 17 ઓગસ્ટે વોશિંગ્ટન ડીસીમાં યોજાનાર ‘ખાલિસ્તાન લોકમત’ કાર્યક્રમ પહેલા થયું છે, જેનું તેઓ સખત વિરોધ કરી રહ્યા હતા. આ કારણે ચહલના અવસાનની સમયે અને સંજોગો શંકાસ્પદ બની રહ્યા છે.
તપાસ શરૂ, પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ
કેલિફોર્નિયા પોલીસએ ચહલના મોતને ગંભીરતાથી લઈ તપાસ શરૂ કરી છે. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે, જેના આધારે ચહલના મૃત્યુનું સાચું કારણ બહાર આવશે.
ભારતીય સમુદાયમાં શોકની લાગણી
સુખી ચહલના અવસાનથી માત્ર તેમના પરિવારજનો જ નહીં પરંતુ અમેરિકામાં વસતા અનેક ભારતીયો અને ભારત સમર્થક સીખ સમુદાયમાં પણ શોકની લાગણી ફેલાઈ છે. તેમના નિડર અને સ્પષ્ટ વલણના કારણે તેઓ મોટું નામ ધરાવતા હતા.





