કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ધ્રબ ગામ નજીક ટાયરના ગોડાઉનમાં વિકરાળ આગ લાગવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આગ એટલી ભીષણ હતી કે તેના ધુમાડાના કાળા ગોટેગોટા દૂર સુધી આકાશમાં દેખાઈ રહ્યા હતા. ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી અનુસાર, ધ્રબ ગામ પાસે આવેલા ટાયરના સ્ટોરેજ વાડામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ટાયર જેવા જ્વલનશીલ સામાનને કારણે થોડા જ સમયમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગમાંથી નીકળતો ઘેરો કાળો ધુમાડો અનેક કિલોમીટર દૂરથી પણ જોવા મળતો હતો.
ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી
આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો શરૂ કર્યો હતો. આગ વધુ ફેલાય નહીં તે માટે આસપાસના વિસ્તારને સુરક્ષિત કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગના કર્મચારીઓ ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવા પ્રયાસ કરી રહ્યા છે. ટાયર સળગવાને કારણે સતત ધુમાડો અને તાપ નીકળતા બચાવ કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આગ લાગવાનું કારણ હજુ અકબંધ
પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટ, બેદરકારી કે અન્ય કોઈ કારણસર લાગી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. અધિકારીઓ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આગમાં કેટલું નુકસાન થયું છે તેની પણ હજી સત્તાવાર માહિતી સામે આવી નથી.
સ્થાનિકોમાં ભયનો માહોલ
આગના ગોટેગોટા અને ધુમાડાના કારણે આસપાસના ગામોના લોકોમાં પણ ગભરાટ ફેલાયો હતો. કેટલાક સ્થાનિકો ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા, જ્યારે પોલીસે અને સ્થાનિક તંત્રએ લોકોને સુરક્ષિત અંતરે રહેવા સૂચના આપી હતી. ટાયરના વાડામાં આગ લાગવાના બનાવને કારણે પર્યાવરણને પણ નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, કારણ કે સળગતા ટાયરમાંથી ઝેરી ધુમાડો નીકળે છે.





