Mumbai Local Security: મુંબઈની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મુસાફરોની સુરક્ષાને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. થોડા દિવસો પહેલા ચર્ચગેટ-નાલાસોપારા લોકલ ટ્રેનમાં થયેલી હત્યાની ઘટના બાદ સુરક્ષા વ્યવસ્થાને લઈને ચિંતા વધી હતી, ત્યારે તાજેતરમાં બોરીવલી લોકલમાં દરવાજો બંધ કરવાના મુદ્દે થયેલા વિવાદમાં યુવક મયંક લોહારની છરીના ઘા મારીને કરાયેલી હત્યાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. આ ઘટનાએ લોકલ ટ્રેનોમાં વધી રહેલા ગુનાખોરીના જોખમ સામે તંત્રને વધુ સતર્ક બનવા મજબૂર કર્યું છે. આ ઘટનાના અનુસંધાને મહારાષ્ટ્ર સરકાર અને રેલવે તંત્ર હવે મુંબઈ ઉપનગરીય રેલવે નેટવર્કની સુરક્ષા વ્યવસ્થામાં વ્યાપક ફેરફારો કરવા જઈ રહ્યું છે. મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે હવે સ્ટેશનો પર અદ્યતન ટેકનોલોજી, કડક દેખરેખ અને આધુનિક સુરક્ષા માળખું ઉભું કરવાની તૈયારી શરૂ થઈ ગઈ છે.
150 સ્ટેશનોનું થશે સુરક્ષા ઓડિટ
મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશક (DGP) સદાનંદ દાતેએ મુંબઈના ઉપનગરીય રેલવે નેટવર્કના કુલ 150 સ્ટેશનોનું સુરક્ષા ઓડિટ કરવા માટે નિર્દેશ આપ્યા છે. તેમાં પશ્ચિમ રેલવેના 42 અને મધ્ય રેલવેના 108 સ્ટેશનોનો સમાવેશ થાય છે. આ ઓડિટ દરમિયાન સ્ટેશનો પર લગાવવામાં આવેલા CCTV કેમેરા, પોલીસ બંદોબસ્ત, દેખરેખ વ્યવસ્થા, મુસાફરોના પ્રવેશ અને બહાર નીકળવાના માર્ગોની સુરક્ષા સહિત વિવિધ પાસાઓની વિગતવાર સમીક્ષા કરવામાં આવશે. અધિકારીઓનું માનવું છે કે, સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ દૂર કરીને મુસાફરોને વધુ સુરક્ષિત મુસાફરીનો અનુભવ આપી શકાય.
ફેશિયલ રેકોગ્નિશન ટેક્નોલોજીનો થશે ઉપયોગ
મુંબઈ લોકલમાં ગુનાખોરી પર અંકુશ લાવવા માટે હવે ફેશિયલ રેકોગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. સ્ટેશનો પર લગાવવામાં આવનારા સ્માર્ટ કેમેરાઓ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ ઝડપથી કરી શકાશે. આ ટેક્નોલોજી દ્વારા અગાઉ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોની ઓળખ કરવામાં મદદ મળશે અને સુરક્ષા એજન્સીઓને તેમને ટ્રેક કરવામાં સરળતા રહેશે. તંત્રનું માનવું છે કે, આ પગલાથી લોકલ ટ્રેનો અને સ્ટેશનોમાં ગુનાખોરીની ઘટનાઓમાં ઘટાડો થઈ શકે છે.
મુસાફરોની એન્ટ્રી પર પણ રહેશે કડક નજર
મુંબઈ લોકલમાં દરરોજ અંદાજે 75થી 80 લાખ લોકો મુસાફરી કરે છે. આવી સ્થિતિમાં દરેક મુસાફરની શારીરિક તપાસ કરવી વ્યવહારિક રીતે શક્ય નથી. આથી હવે સુરક્ષા એજન્સીઓ ઇન્ટેલિજન્સ આધારિત સર્વેલન્સ સિસ્ટમ પર ભાર મૂકી રહી છે. શંકાસ્પદ હિલચાલ ધરાવતા લોકો પર વિશેષ નજર રાખવામાં આવશે અને જરૂરી જણાય ત્યારે તેમની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટેશનો અને ટ્રેનોમાં અચાનક ચેકિંગ અભિયાન અને રેન્ડમ તપાસમાં પણ વધારો કરવામાં આવશે.
મહિલાઓની સુરક્ષા માટે ખાસ વ્યવસ્થા
મહિલા મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. મહિલા કોચની દેખરેખ માટે કુલ 218 વિશેષ સુરક્ષા ટીમોની તૈનાતી કરવામાં આવશે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન દરેક ટ્રેનમાં ઓછામાં ઓછા ચાર સુરક્ષાકર્મીઓની ફરજિયાત હાજરી રહેશે. અધિકારીઓનું માનવું છે કે, મહિલાઓ માટે વધુ સુરક્ષિત અને નિર્ભય મુસાફરીનું વાતાવરણ ઊભું કરવું સમયની માંગ બની ગયું છે.
મયંક લોહાર હત્યા કેસ બાદ તંત્ર સક્રિય
બોરીવલી લોકલમાં થયેલી મયંક લોહાર હત્યાની ઘટનાએ મુંબઈ લોકલની સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે, મુખ્ય આરોપી પોતાની ઓફિસ બેગમાં ધારદાર છરી લઈને ફરી રહ્યો હતો. આ કેસમાં આરોપીની ધરપકડ બાદ રેલવે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ સમગ્ર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહી છે, જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓને અટકાવી શકાય. મુંબઈ લોકલ કરોડો લોકોના દૈનિક જીવનનો અભિન્ન ભાગ છે અને આવી પરિસ્થિતિમાં મુસાફરોની સુરક્ષા હવે રેલવે અને રાજ્ય સરકાર માટે સૌથી મોટી પ્રાથમિકતા બની ગઈ છે.





