ED Hawker 800A Auction: દેશમાં પ્રથમ વખત મની લોન્ડરિંગ કેસમાં જપ્ત કરાયેલા ચાર્ટર્ડ વિમાનની હરાજી કરીને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એક અનોખો દાખલો સ્થાપિત કર્યો છે. હૈદરાબાદ ઝોનલ ઓફિસે Hawker 800A ચાર્ટર્ડ વિમાનને સરકારી ઇ-ઓક્શન પ્લેટફોર્મ મારફતે વેચીને રૂ.3 કરોડની વસૂલી કરી છે. EDનું કહેવું છે કે, કોર્ટની મંજૂરી બાદ આ રકમનો ઉપયોગ કથિત છેતરપિંડીનો ભોગ બનેલા વાસ્તવિક રોકાણકારોને પૈસા પરત આપવા માટે કરવામાં આવશે. આ કાર્યવાહી માત્ર સંપત્તિ જપ્ત કરવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ આર્થિક ગુનાઓમાં પીડિતોને ન્યાય અપાવવા માટેની મહત્વપૂર્ણ પહેલ તરીકે પણ જોવામાં આવી રહી છે. તપાસ એજન્સીઓના મતે ગુનાથી પ્રાપ્ત સંપત્તિને કાયદેસર રીતે વેચીને પીડિતોને વળતર આપવાનો આ એક નોંધપાત્ર પ્રયાસ છે.
EDએ પ્રથમ વખત વિમાનની હરાજી કરી
પ્રવર્તન નિર્દેશાલયના જણાવ્યા અનુસાર Hawker 800A વિમાનની હરાજી 1 જુલાઈ 2026ના રોજ સરકારી ઇ-ઓક્શન પ્લેટફોર્મ MSTC મારફતે કરવામાં આવી હતી. આ વિમાન રૂ.3 કરોડમાં વેચાયું હતું. આ વિમાન 7 માર્ચ 2025ના રોજ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ED દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન જપ્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહી કેપિટલ પ્રોટેક્શન ફોર્સ પ્રાઈવેટ લિમિટેડ અને તેના પ્રમુખ અમરદીપ કુમાર સહિતના આરોપીઓ સામે ચાલી રહેલા મની લોન્ડરિંગ કેસ અંતર્ગત હાથ ધરવામાં આવી હતી.
કોર્ટની મંજૂરી બાદ પૂર્ણ થઈ હરાજી પ્રક્રિયા
EDએ વિમાન જપ્ત કર્યા બાદ PMLA હેઠળની નિર્ણયકારી સત્તા સમક્ષ અરજી દાખલ કરી હતી. 18 ઓગસ્ટ 2025ના રોજ જપ્તીની કાર્યવાહી કાયદેસર હોવાનું માન્ય ઠરાવવામાં આવ્યું હતું. ત્યારબાદ EDએ વિમાન વેચવાની મંજૂરી માંગી હતી, જેને 20 નવેમ્બર 2025ના રોજ મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટની લીલી ઝંડી મળ્યા બાદ હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી અને અંતે વિમાન રૂ.3 કરોડમાં વેચાયું.
રૂ.792 કરોડની કથિત છેતરપિંડીનો આરોપ
EDની તપાસ મુજબ હૈદરાબાદ સ્થિત કેપિટલ પ્રોટેક્શન ફોર્સ પ્રાઈવેટ લિમિટેડે કથિત રીતે ફેક ઇનવૉઇસ ડિસ્કાઉન્ટિંગ સ્કીમ ચલાવીને હજારો રોકાણકારો પાસેથી આશરે રૂ.792 કરોડ એકત્રિત કર્યા હતા. રોકાણકારોને વચન આપવામાં આવ્યું હતું કે, તેમની મૂડી ઇનવૉઇસ ડિસ્કાઉન્ટિંગ બિઝનેસમાં લગાવવામાં આવશે અને તેમને આકર્ષક વળતર મળશે. જોકે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે એવો કોઈ વાસ્તવિક વ્યવસાય ચાલતો જ નહોતો અને રોકાણકારોની રકમ પોન્ઝી સ્કીમની જેમ એકત્રિત કરવામાં આવી રહી હતી. આ કેસની શરૂઆત સાયબરાબાદ પોલીસની આર્થિક ગુના શાખામાં નોંધાયેલી ત્રણ અલગ-અલગ FIR પરથી થઈ હતી, જે બાદ EDએ મની લોન્ડરિંગના દૃષ્ટિકોણથી તપાસ હાથ ધરી હતી.
ત્રણ લોકોની થઈ ચૂકી છે ધરપકડ
આ કેસમાં ED અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. તેમાં અમરદીપ કુમારના ભાઈ સંદીપ કુમાર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શરદ ચંદ્ર તોષણીવાલ અને ફાલ્કન ઇનવૉઇસ ડિસ્કાઉન્ટિંગના CEO આર્યન સિંહ છાબડાનો સમાવેશ થાય છે. એજન્સીએ 29 સપ્ટેમ્બર 2025ના રોજ આ મામલે કોર્ટમાં ચાર્જશીટ પણ દાખલ કરી હતી અને તપાસ હજુ પણ ચાલુ હોવાનું જણાવ્યું છે.
રોકાણકારોને પરત મળી શકે છે રકમ
EDએ જણાવ્યું છે કે, વિમાનના વેચાણથી મળેલી રૂ.3 કરોડની રકમ સરકારી ખાતામાં જમા કરાશે. ત્યારબાદ વિશેષ PMLA કોર્ટની મંજૂરી મળ્યા પછી આ રકમનો ઉપયોગ છેતરપિંડીનો ભોગ બનેલા રોકાણકારોને નાણાં પરત આપવા માટે કરવામાં આવશે. એજન્સીનું કહેવું છે કે, તેમનો હેતુ માત્ર ગુનેગારો સામે કાર્યવાહી કરવાનો નથી, પરંતુ ગુનાથી પ્રાપ્ત થયેલી સંપત્તિ જપ્ત કરીને પીડિતોને તેમની મહેનતની કમાણી પરત અપાવવાનો પણ છે.
આ પણ વાંચો: પટનાની બાંકીપુર બેઠક પરથી પ્રશાંત કિશોર ચૂંટણી લડશે : 5 જુલાઈએ થશે ઔપચારિક જાહેરાત
તપાસ હજુ યથાવત
EDએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, સમગ્ર મામલાની તપાસ હજુ ચાલુ છે અને આવનારા સમયમાં વધુ કાર્યવાહી થવાની સંભાવના છે. આ કેસ હવે દેશના સૌથી મોટા કથિત રોકાણ કૌભાંડોમાંથી એક તરીકે પણ જોવામાં આવી રહ્યો છે, જ્યાં હજારો રોકાણકારોની મૂડી દાવ પર લાગી હોવાનું તપાસમાં સામે આવ્યું છે.





