ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોકસીની મિલકતોની હરાજી કરવાની પ્રક્રિયામાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. મુંબઈની વિશેષ અદાલતે ચોક્સીની રૂ. 2,565 કરોડથી વધુની સંપત્તિ વેચવાની મંજૂરી આપી છે. આ પ્રોપર્ટીના વેચાણમાંથી મળેલી રકમ અસરગ્રસ્ત બેંકોના નામે ફિક્સ્ડ ડિપોઝિટ (FD) તરીકે રાખવામાં આવશે, જેથી પીડિતોને તેમના પૈસા પરત મળી શકે.
ગીતાંજલિ જેમ્સ લિમિટેડની મિલકતોના વેચાણ દ્વારા અત્યાર સુધીમાં 125 કરોડ રૂપિયાની રકમ પીડિતોને પરત કરવામાં આવી છે. આ મિલકતોમાં છ ફ્લેટ, બે ફેક્ટરીઓ અને મુંબઈના સાંતાક્રુઝમાં સ્થિત એક વેરહાઉસનો સમાવેશ થાય છે.
ભારતમાં સંપત્તિ જપ્ત
EDએ 2018માં ચોક્સી અને તેના જૂથની ₹1,217.2 કરોડની 41 મિલકતો જપ્ત કરી હતી.
મુંબઈમાં 15 ફ્લેટ અને 17 ઓફિસ કોમ્પ્લેક્સ
કોલકાતાનો એક મોલ
અલીબાગમાં 4 એકરનું ફાર્મ હાઉસ
તમિલનાડુ, નાસિક, નાગપુર, પનવેલ અને વિલુપુરમમાં 231 એકર જમીન
હૈદરાબાદના રંગા રેડ્ડી જિલ્લામાં 170 એકરનો પાર્ક, ₹500 કરોડથી વધુનો અંદાજ છે.
મુંબઈના બોરીવલી (પૂર્વ) અને સાંતાક્રુઝ (પૂર્વ) વિસ્તારમાં ફ્લેટ્સ
મુંબઈના સાંતાક્રુઝ ઈલેક્ટ્રોનિક્સ એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન (SEEPZ)માં આવેલી બે ફેક્ટરીઓ અને વેરહાઉસ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
મેહુલ ચોકસીની જપ્ત કરાયેલી મિલકતોમાં માલાબાર હિલ વિસ્તારમાં એક એવી મિલકત પણ છે જે મુખ્ય સ્થાન પર છે. જે ED દ્વારા જપ્ત કરવામાં આવી છે. તેની હરાજીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ગોકુલ એપાર્ટમેન્ટ મલબાર હિલના 9મા/10મા માળે મેહુલ ચોક્સીનો ડુપ્લેક્સ ફ્લેટ છે. તેણે 11મા માળે ગેરકાયદે બાંધકામ કર્યું છે.
ફ્લેટના દરવાજા અને દિવાલો પર ED, CBI, વિવિધ બેંકો, BMC સોસાયટી અને વીજળી બિલની નોટિસ છે. આ ફ્લેટ લગભગ સાત હજાર સ્ક્વેર ફૂટનો છે અને તેની કિંમત લગભગ 70 કરોડ રૂપિયા છે જે હવે ખંડેર બની ગયો છે.





