Home Gujarat Ahmedabad Mumbai Ahmedabad Bullet Train Sabarmati River Bridge 12 Storey High Ready

અમદાવાદમાં એન્જિનિયરિંગની અજાયબી : સાબરમતી નદી પર 12 માળની ઈમારત જેટલો ઊંચો પુલ જોઈ તમે પણ દંગ રહી જશો!

Bullet Train Project, Sabarmati Bridge
Published by: Nirali Gohil
Last Updated: Apr 28, 2026, 01:45 AM IST

અમદાવાદ: ભારતનો સૌથી મહત્વાકાંક્ષી અને ડ્રીમ પ્રોજેક્ટ ગણાતો મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Mumbai-Ahmedabad Bullet Train Project) હવે રોકેટ ગતિએ આગળ વધી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં દરરોજ નવા માઈલસ્ટોન સ્થાપિત થઈ રહ્યા છે, ત્યારે અમદાવાદના સાબરમતી નદી પર તૈયાર થયેલો વિશાળ પુલ આધુનિક એન્જિનિયરિંગનો જીવંત નમૂનો બનીને ઉભરી આવ્યો છે. આ પુલની સૌથી મોટી વિશેષતા તેની આશ્ચર્યજનક ઊંચાઈ છે. લગભગ 36 મીટરની ઊંચાઈ ધરાવતો આ પુલ દૂરથી જોતા 12 માળની ઈમારત જેવો ભવ્ય દેખાય છે.

સાબરમતી નદીના પટમાં આટલી વિશાળ ઊંચાઈએ રેલવે ટ્રેક માટે પુલ તૈયાર કરવો એ નિષ્ણાતો અને એન્જિનિયરો માટે એક મોટો પડકાર હતો. જોકે, નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL) દ્વારા અત્યાધુનિક જાપાનીઝ ટેકનોલોજી અને ભારતીય કૌશલ્યના સંગમથી આ ભગીરથ કાર્યને સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું છે. આ પુલ સાબરમતી નદીના કુદરતી સૌંદર્યમાં વધારો કરવાની સાથે ભારતની બદલાતી ઇન્ફ્રાસ્ટ્રક્ચર શક્તિનું પણ પ્રતીક બની રહ્યો છે.

8 મજબૂત પિલર અને 480 મીટરની લંબાઈ

આ ભવ્ય પુલની લંબાઈ આશરે 480 મીટર છે. જે સાબરમતી રિવરફ્રન્ટ અને બુલેટ ટ્રેન સ્ટેશન વચ્ચે એક મહત્વની કડી સાબિત થશે. પુલના વિશાળ વજન અને ટ્રેનની ગતિને સહન કરવા માટે કુલ 8 મજબૂત ગોળાકાર પિયર્સ (પિલર) બનાવવામાં આવ્યા છે. આ પિયર્સનું વ્યાસ અને ઊંડાઈ એટલી મજબૂત રાખવામાં આવી છે કે તે ભૂકંપ કે પૂર જેવી કુદરતી આપત્તિઓ સામે પણ અડીખમ ઊભો રહી શકે.

‘બેલેન્સ્ડ કેન્ટિલીવર’ ટેકનિકનો અદભૂત ઉપયોગ

નદીના પટમાં જ્યારે નીચેથી ટેકો આપવો મુશ્કેલ હોય છે, ત્યારે એન્જિનિયરોએ ‘બેલેન્સ્ડ કેન્ટિલીવર’ (Balanced Cantilever) નામની અદ્યતન પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. આ પદ્ધતિમાં પુલને નીચેથી સપોર્ટ આપ્યા વિના, પિલરની બંને બાજુએ સમાંતર રીતે સેગમેન્ટ્સ જોડવામાં આવે છે. આ ટેકનિકથી નદીના પ્રવાહને અવરોધ્યા વિના આટલા ઊંચા પુલનું નિર્માણ શક્ય બન્યું છે, જે ખરેખર પ્રશંસનીય છે.

વિકાસની નવી દિશા: ઝડપી અને સલામત મુસાફરી

મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર કાપવા માટે આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પરિવહન ક્ષેત્રે ક્રાંતિ લાવશે. સાબરમતી નદી પરનો આ પુલ તૈયાર થવાથી ટ્રેનના ટ્રાયલ રન અને ટ્રેક બિછાવવાની કામગીરીમાં વેગ આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુસાફરો આધુનિક સુવિધાઓ સાથે પ્લેન જેવી ઝડપે મુસાફરી કરી શકશે. અમદાવાદના આકાશમાં 12 માળની ઊંચાઈએથી જ્યારે બુલેટ ટ્રેન પસાર થશે, ત્યારે તે નજારો જોવો એ અમદાવાદીઓ માટે એક ગર્વની ક્ષણ હશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now