ગુજરાતના દરિયામાં વધુ એક મોટી ડ્રગ્સ હેરાફેરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોરબંદરના દરિયામાંથી 200 કિલોથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી ગુજરાત ATS અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા સંયુક્ત ઓપરેશન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
200 કિલોથી વધુનો નશીલા પદાર્થનો જથ્થો જપ્ત
માહિતી મુજબ દરિયાઈ માર્ગે આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં લાવવામાં આવવાનો હતો. ગુપ્ત બાતમીના આધારે ATS અને કોસ્ટ ગાર્ડે પોરબંદર દરિયા વિસ્તારમાં નજર રાખી કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન શંકાસ્પદ બોટને અટકાવી તપાસ કરતા 200 કિલોથી વધુનો નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો.
બે ઈરાનના ડ્રગ્સ પેડલરની ધરપકડ
પ્રાથમિક વિગતો અનુસાર ઈરાનથી બે શખ્સ આ ડ્રગ્સનો જથ્થો લઈને આવી રહ્યા હતા. બંનેની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATSએ આ બંને ઈરાની ડ્રગ્સ પેડલર સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ તેમના પાસેથી વધુ માહિતી મેળવવા પૂછપરછ ચાલી રહી છે, જેથી આ જથ્થો કયા નેટવર્ક દ્વારા અને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે વિગત મળી શકે. આજે જપ્ત કરાયેલો ડ્રગ્સનો જથ્થો પોરબંદર જેટી ખાતે લાવવામાં આવશે, જ્યાં વધુ તપાસ અને કાનૂની પ્રક્રિયા હાથ ધરાશે. રાજ્યમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી રોકવા માટે સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક છે. આ સફળ ઓપરેશનથી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટને મોટો ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે.




















